ગાંધીધામ તાલુકાના પાંચ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું
ગાંધીધામ તાલુકાના પાંચ કરોડના વિવિધ  વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું ગાંધીધામ, તા. 13 : તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા રથ પ્રવાસ દરમ્યાન પાંચ કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. ગાંધીધામ તાલુકાનાં પડાણા, મીઠીરોહર, ગળપાદર, ખારીરોહર, શિણાય, અંતરજાળ, કિડાણા, ભારાપર ગામોમાં મા નર્મદા રથયાત્રા પસાર થઇ હતી. પુષ્પગુચ્છ, મહાઆરતી, કુમકુમ તિલક કરી રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ પાંચ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીના હસ્તે કરાયું હતું. પાણી, ગટર, સી.સી. રોડ, પેવરબ્લોક, પૂર સંરક્ષણ દીવાલ, શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ, સમાજવાડી, રોડલાઇટ, સાર્વજનિક જગ્યાએ બેસવા માટેના બાંકડા, પાણી માટેના સમ્પ સાથે ઊંચી ટાંકીઓ, શાળામાં ઓરડા વગેરે કામોનો સમાવેશ કરાયો છે. કિડાણામાં 150 લાખ, ગળપાદરમાં 57 લાખ, અંતરજાળમાં 80 લાખ, મીઠીરોહરમાં 55 લાખ, ખારીરોહરમાં 19 લાખ, પડાણામાં 23 લાખ, શિણાયમાં 57 લાખના ખર્ચે કામો હાથ  ધરાશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રજાના ઇન્ચાર્જ નવીન જરૂ, જિલ્લા પંચાયત સદસ્ય રામેશ્વરીબેન ખટારિયા, તાલુકા ભાજપ પ્રમુખ?અમૃતગિરિ ગૌસ્વામી, મહામંત્રી નારણ બાબરિયા, તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન મહેશ્વરી, ઉપપ્રમુખ નિખિલ હડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રથને શિણાય ગામમાં વિરામ આપી વિદાય આપવામાં આવી હતી.