સાંગા રબારીએ વસાવ્યું સાંગનારા ગામ
સાંગા રબારીએ વસાવ્યું સાંગનારા ગામ અરવિંદ ઠક્કર  નખત્રાણાથી આઠ કિલોમીટરના અંતરે તેમજ ભુજ લખપત હાઈવેથી સાડા ત્રણ કિલોમીટર અંતરિયાળ આવેલું સાંગનારા ગામ અંદાજે ચારસો વર્ષ અગાઉ સાંગા નામના રબારીએ વસાવ્યું હતું. જેના નામ પરથી ગામનું નામ પડયું `સાંગનારા'. રબારી સમાજની મોટી વસ્તી ધરાવતા આ ગામે રબારી સમાજની મહિલાઓ અગાઉ હાથવણાટની સાડી ઓઢતા તથા પુરુષો હાથે વણેલા ખથાનો ઉપયોગ કરતા, જેના અનુસંધાને વણકર ભાઈઓ અહીં સાંગનારા ગામે વસ્યા.   વણાટકામ બાદ શાલનું ચલણ વધતાં આ ગામે ચાલીસેક જેટલા કારીગરો વણાટ કરતા તેમજ દૈનિક 200 જેટલી શાલનું ઉત્પાદન કરતા, પરંતુ વણાટકામમાં મશીન આવતાં તેમાંથી ઉત્પાદિત થયેલી શાલનું પૂરું વળતર ન મળતાં હાલે ફક્ત પાંચેક જેટલા લોકો વણાટનું કામ કરે છે. ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાટીદારોએ નાનાપાયે ખેતી વસાવી. સાંગનારાની મુખ્ય વસ્તી રબારી, ગુર્જર, પાટીદાર તથા કોલી પરિવારોની છે. રબારી સમાજનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો હોતાં ડુંગરોની કોતરોમાં ગામ વસાવ્યું. ઘેટાં-બકરાં, ઊંટ તથા ગાયોની સંખ્યા તે સમયે ઘણી જ હતી, પરંતુ 1979માં અતિવૃષ્ટિએ એવી લપડાક મારી હતી કે ગામનું મોટા ભાગનું પશુધન મોતને ભેટયું હતું. ત્યારબાદ રબારી સમાજના યુવાનોએ ટ્રકના વ્યવસાય તરફ નજર દોડાવી. અમુક વડીલોને બાદ કરતાં આજના રબારી યુવાન જંગલમાં પશુ ચરાવવા તૈયાર નથી. સાંગનારા ગામના રબારીઓની માલિકીની ટ્રકો 18થી 20 હશે, પરંતુ દરેક ઘરમાં બેથી ત્રણ સભ્યો ટ્રક ડ્રાઈવર-ક્લીનરની નોકરી કરે છે, ધંધો કરે છે. 1980 બાદ ખેતીનું વિસ્તરણ થયું, જે ગામનો મુખ્ય વ્યવસાય છે. બીજા નંબરે ટ્રક-ટ્રાન્સપોર્ટનો ધંધો, બાકી કડિયા, મજૂરીના વ્યવસાયમાં લોકો જોડાયા. ગામની કુલ વસતી 1500ની આસપાસ છે. સાંગનારા ગ્રામ પંચાયત 1 સભ્યને બાદ કરતાં બિનહરીફ છે અને ગામના સરપંચપદે મહિલા મંજુલાબેન ઉમરા જેપાર છે. 1985થી સાંગનારા ગૌસેવા સમિતિ કાર્યરત છે. જે લોકફાળા તથા સખી દાતાઓના સહકારથી દુષ્કાળના વર્ષમાં ત્રણથી ચાર મહિના સુધી નીરણ કેન્દ્ર ચલાવે છે. વાસ્મો આધારિત સાંગનારા પાણી સમિતિ ઘેર ઘેર નળ યોજના ઓક્ટોબર 2006માં શરૂ કરવામાં આવી. પાણી સમિતિના પ્રથમ પ્રમુખ તરીકે રવજીભાઈ ગોપાલ લીંબાણી, મંત્રી તરીકે અરવિંદભાઈ ઠક્કરે સતત છ વર્ષ સુધી સેવા આપી. ત્યારબાદ 2013થી પ્રમુખ તરીકે તુલસીદાસ શિવદાસ પોકાર, મંત્રી તરીકે અંબાલાલ મનજી સેવા આપી રહ્યા છે, તેમજ ગટર યોજના પણ ગામમાં છે. સાંગનારા ગામે ગ્રામ પંચાયતની કચેરી, બે જેટલા કોમ્યુનિટી હોલ, નવી પ્રા. શાળા, શાળાના સાતેક જેટલા ખંડો છે. આંગણવાડી કેન્દ્ર, શિવમંદિર,  લક્ષ્મીનારાયણ મંદિર, રામદેવપીર મંદિર, વાછરાદાદાનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર, પીથોરા દાદાનું મંદિર, ગોડજીપર રામદેવપીર મંદિર, કાપડી દાદાનું મંદિર, ગોગા દાદાનું સ્થાનક તેમજ શરમાલિયા પીરનું સ્થાનક છે. ધરતીકંપ બાદ સાંગનારાથી એક કિલોમીટરના અંતરે ગોડજીપરનું તોરણ ખાનાય જાગીરના મહંત પૂ. મેઘરાજજી દાદાના હસ્તે બંધાયું. સાંગનારાને ખૂટતી સગવડોની વાત કરીએ તો આ ગામને ભુજ-લખપત હાઈવે જોડતો સાડા ત્રણ કિલોમીટરનો રસ્તો જર્જરિત બનતાં ડામરથી મઢવા તેમજ ગામની પાસેની પાપડી પર પુલ બનાવવાની માગણી છે. સાંગનારાથી બેરૂ ત્રણ કિલોમીટરનો માર્ગ મેટલ રોડ બનાવવા તેમજ નવી પાપડી બને તેના કારણે વાયા ગોડજીપર થઈને જાય તો ગોડજીપરને નવો માર્ગ મળે.