રામસિંહજીભાઇ ઋષિતુલ્ય વ્યકિતત્વ હતા

રામસિંહજીભાઇ ઋષિતુલ્ય વ્યકિતત્વ હતા
ભુજ, તા. 13 : સ્વ.રામસિંહજી રાઠોડે  એકલપંડે કરેલું કચ્છની સંસ્કૃતિનું જતન આજની પેઢી માટે પ્રેરણાદાયી છે. અને એમણે સ્વમૂડીથી તૈયાર કરેલું ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ સંગ્રહાલયના જતન માટે કાયમી વ્યવસ્થા વિચારાશે તો જ તેમનું સાચું તર્પણ કર્યું કહેવાશે.  આજે ભુજ ખાતે સ્વ.રામસિંહજી રાઠોડના શતાબ્દી વર્ષ નિમિત્તે સાહિત્ય અકાદમી દિલ્હી તથા કચ્છ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે યુનિ. કોર્ટ હોલમાં યોજાયેલા સાહિત્યમંચ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી વરિષ્ઠ પત્રકાર અને કચ્છમિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઇ ખત્રીએ રામસિંહજીભાઇના સંગ્રહાલયના ભાવિ અંગે ચિંતા વ્યકત કરતાં આવા ઉદ્ગારો કહ્યા હતા. આજના સાહિત્યમંચ કાર્યક્રમમાં ચિંતક, લેખક હરેશ ધોળકિયા તથા કટાર લેખક સંજય ઠાકરે રામસિંહજીભાઇના વિવિધ પાસાંઓ અંગે વકતવ્ય આપ્યું હતું.   સાહિત્ય અકાદમી વતી જાણીતા સર્જક શિતાંષુ યશશ્ચંદ્ર મહેતા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. કીર્તિભાઇએ ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ સંગ્રહાલયના જતન માટે વિશેષ ગંભીરતાથી ચિંતા વ્યકત કરતાં સંગ્રહાલયના કિંમતી સંગ્રહની જાળવણી માટે તથા રામસિંહજીભાઇના કાર્યની ચિરસ્મૃતિ માટે સૌએ એક થઇ મંથન કરવું જરૂરી હોવાનું જણાવી 1965ના યુદ્ધ સમયે રામસિંહભાઇએ  સંગ્રહી રાખેલા રણ અંગેના દસ્તાવેજો કઇ રીતે ઉપયોગી થયા તેની પણ વાત કરી હતી.  તેમણે રામસિંહજીભાઇના શતાબ્દી વર્ષને કાયમ યાદ રાખવા તેમના  ગ્રંથ કચ્છનું સંસ્કૃતિ દર્શનનું અદ્યતન નવસંસ્કરણ કરવા પર ભાર મૂક્યો હતો. હરેશભાઇ ધોળકિયાએ લેખક તથા સંશોધક તરીકે  રામસિંહજી રાઠોડ એ વિષય પરના પોતાના વકતવ્યમાં રામસિંહજીભાઇનો સર્વાંગી પરિચય આપી તેમના અમૂલ્ય ગ્રંથ કચ્છનું સંસ્કૃતિ દર્શન તથા `રામરાંધ'નો પરિચય કરાવતાં તેમને ઋષિતુલ્ય વ્યકિતત્વ ગણાવ્યા હતા. 9/12/1917માં જન્મેલા અને  25-6-1997ના અવસાન પામેલા રામસિંહજીભાઇને હરેશભાઇએ ઓછાબોલા, સંશોધન પ્રત્યે સમર્પિત ઉમદા વ્યકિતત્વ લેખાવ્યા હતા. સંજય ઠાકરે  રામસિંહજી રાઠોડનું સર્જન ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ એ વિષય પર પોતાનું વકતવ્ય આપતાં કચ્છ સંસ્કૃતિ દર્શન સંગ્રહાલયના તમામ વિભાગોનો, તેના પ્રદર્શનનો સંપૂર્ણ પરિચય આપી રામસિંહજીભાઇના 6 દાયકાના સંશોધનની વિગતો આપી હતી. સંગ્રહાલયમાં સંગ્રહાયેલી 4500થી વધારે વસ્તુઓ તથા 3000 ગ્રંથોની વિગતે તેમણે વાત કરી હતી. યુનિ.ના રજિસ્ટ્રાર ડી.એન. બકરાણિયા આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમના અતિથિવિશેષ સિતાંશુ યશશ્ચંદ્રએ પોતાના વકતવ્યમાં રામસિંહજીભાઇએ પોતાના કાર્ય દ્વારા કચ્છમાંથી ભારતની ખોજ કરી હોવાનું કહી એમણે ધૂળધોયાના કરેલા કાર્યની સરાહના કરી હતી. રામસિંહજીભાઇને એમણે ચાલતા વિશ્વ વિદ્યાલય ગણાવ્યા હતા. અગાઉ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડો. દર્શના ધોળકિયાએ આવકાર પ્રવચન કરતાં કાર્યક્રમની વિગતો આપી આવતીકાલે  યોજાનાર કાવ્ય શાળાની પણ વાત કરી હતી. સમારંભનું સંચાલન ડો. ભાવેશ જેઠવાએ કર્યું હતું. સંસ્કૃતિ વિભાગના ડો. કશ્યપ ત્રિવેદી, વિજ્ઞાન વિભાગના ડો. ગિરીન બક્ષી, ડો. ફાલ્ગુની પોમલ,ડો. ચૈતાલી ઠક્કરે આયોજન સંભાળ્યું હતું. આ અવસરે ગુજરાતના જાણીતા સાક્ષરો શિરીષ પંચાલ, દક્ષા વ્યાસ, ડો. ધીરેન્દ્ર મહેતા, રમણીક સોમેશ્વર ઉપરાંત ઝવેરીલાલ સોનેજી, ગોરધન પટેલ, ગૌતમ જોશી, બાબુલાલ ગોર, હસમુખ અબોટી સહિત સાહિત્ય રસિકો હાજર રહ્યા હતા.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer