શિક્ષણ મારફતે સંસ્કારના સિંચનની જ્યોત જગાવનારા શિક્ષકો બહુમૂલ્ય
શિક્ષણ મારફતે સંસ્કારના સિંચનની  જ્યોત જગાવનારા શિક્ષકો બહુમૂલ્ય મુંદરા, તા. 13 : અત્રે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન નિમિત્તે રોટરી ક્લબ ઓફ?મુંદરાએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર દસ પ્રાથમિક શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડ-2017 એનાયત કરી સન્માન કર્યું હતું. પ્રસંગ પરિચય આપતાં બી. એમ. ગોહિલે જણાવ્યું હતું કે, શિક્ષિત સમાજ રચનામાં શિક્ષણનું મહત્ત્વ અદકેરું છે ત્યારે ગ્રામ્યથી શહેરી સ્તર સુધી શિક્ષણ મારફતે સંસ્કાર સિંચનની જ્યોત પ્રજ્જવલિત રાખનારા શિક્ષકો સન્માનના ખરા હક્કદાર છે. આ પ્રસંગે તા.પ્રા.શિ. અધિકારી હરેશ પટેલ તથા મુંદરા તા.પ્રા.શિ. સંઘના પ્રમુખ કિશોરસિંહ ચુડાસમાએ કહ્યું કે, પ્રત્યેક શિક્ષક સન્માનને યોગ્ય છે, પરંતુ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં અસામાન્ય પ્રતિભા દર્શાવી કંઇક વિશેષ સેવા મારફતે સર્વશ્રેષ્ઠ યોગદાન આપનાર શિક્ષકોનું સન્માન કરી રોટરી ક્લબે શિક્ષણનું ગૌરવ વધાર્યું છે. રોટરી પ્રમુખ શિવરાજ બારોટે રોટરી ઇન્ટરનેશનલ 3054 અંતર્ગત આવતી મુંદરાની ક્લબે હાથ?ધરેલા વિવિધ?સામાજિક, શૈક્ષણિક તથા આરોગ્ય વિષયક પ્રોજેક્ટથી વાકેફ કર્યા હતા. જિગર પટેલ (ટપ્પર), ચિરાગ પટેલ (કણઝરા), શૈલેશ?પટેલ, શબનમ ખોજા (ગુંદાલા), ભરત સાતુના (સાડાઉ), સોનબાઇ રવિયા (કમંઢપુર), હેતલ ઉમરિયણા (ધ્રબ), જતિન પીઠડિયા, જયાબેન સોધમ (મુંદરા), જીતુ પટેલ (નાની તુંબડી)નું ઉપસ્થિત મોવડીઓના હસ્તે સન્માન કરી પ્રમાણપત્ર તથા મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. રોટરીના મંત્રી અતુલ પંડયા, પરેશ પલણે જહેમત ઉઠાવી હતી જ્યારે મનોજ તન્નાએ આભારવિધિ કરી હતી.