સંગઠન અને જાગૃતિ માટે ઠાકોર કોળી સમાજ વાગડમાં ગામેગામ રચશે સમિતિ
સંગઠન અને જાગૃતિ માટે ઠાકોર કોળી  સમાજ વાગડમાં ગામેગામ રચશે સમિતિ રાપર, તા. 13 : રાપર- ભચાઉ તાલુકામાં મુખ્ય વસ્તી ધરાવતા આદિવાસી કોળી સમાજની રાપર તાલુકામાં અંદાજે 200 વાંઢો અને ભચાઉ તાલુકામાં પચાસ જેટલી વાંઢો અને ગામોમાં વસ્તી છે. એક લાખથી વધુ વસ્તી ધરાવતા આ સમાજનું પચાસ હજારનું મતદાન છે છતાં પણ આ સમાજને અન્યાય થઇ રહ્યો છે તેવું જણાવી આ સમાજમાં જાગૃતિ લાવવા માટે વાગડ વિસ્તારમાં ઠાકોર કોળી સમાજમાં એકતા, શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકવા માટે વાગડ વિસ્તારમાં સંગઠન યાત્રા યોજાઇ હતી. ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારના ધોળાવીરામાં જઇને `22' જણાની ગામ સમિતિ બનાવી અને પછી કલ્યાણપરમાં પણ એક ગામ સમિતિ બનાવાઇ હતી. કલ્યાણપરમાં ચૂંટણીનું મનદુ:ખ રાખીને સમાજના બે જણના અબોલા હતા એમનું સમાધાન કરાવી અને દૂધ પિવડાવીને એક કરી અંદરુની મતભેદ દૂર કરીને કેવી રીતે સમાજ પ્રગતિ કરે એવી ચર્ચા કરાઇ હતી. અમરાપરમાં પણ ગામ સમિતિની રચના થઇ હતી. આગામી સમયમાં રાપર અને ભચાઉ તાલુકાનાં જે કોઇ ગામો બાકી છે એ ગામોની ગામ સમિતિ બનાવી સમાજ એકતા પર ભાર મૂકવા હાકલ કરાઈ હતી. વાગડના દરેક ગામે કોળી ઠાકોર સમાજની સમિતિ બનાવવામાં આવશે અને શિક્ષણ, સંગઠન જાગૃતિ આવે તે માટે માંધાતા ગ્રુપની સૌરાષ્ટ્રની જેમ રચના કરવામાં આવશે તેવું જણાવાયું હતું. બેઠકમાં ઠાકોર કોલી સમાજના આગેવાનો, યુવક મંડળ પ્રમુખ મોરારભાઇ ચાવડાની આગેવાની હેઠળ હરેશ ઠાકોર, માદેવાભાઇ ઉસેટિયા, રાઘુભાઇ પીપરિયા, વજેરામ મકવાણા, હિતેશ રાઠોડ, આંબાભાઇ,   મહેશ મકવાણા, તુલસીભાઇ મસાલિયા, ઉમેદ મકવાણા, નાગજી પીરાણા, મહેશભાઇ ઠાકોર, મનજી મકવાણા, દલસુખભાઇ મસાલિયા, રામજી એવારિયા, દયાલભાઇ શેખાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા એવું એક યાદીમાં રાપર શહેર યુવા વિકાસ કોલી સમાજના પ્રમુખ મોરાર ચાવડા અને તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ હરેશ ઠાકોરે જણાવ્યું હતું.