કોંગ્રેસના ગઢમાં ભાજપે લહેરાવ્યો વિકાસનો ધ્વજ

કોંગ્રેસના ગઢમાં ભાજપે લહેરાવ્યો વિકાસનો ધ્વજ
ભુજ, તા. 12 : શહેરના વોર્ડ નં. 2માં નગરસેવકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે 268 મતે જીત હાંસિલ કરી કોંગ્રેસના ઘરમાં વિકાસ કાર્યનો ઝંડો લહેરાવી દીધો હતો.  વર્ષોથી કોંગ્રેસના ગઢ ગણાતા ઉપરોક્ત વોર્ડમાં ભાજપની જીતથી સમીકરણો બદલાયાં છે અને કોંગ્રેસના નગરસેવકોનું સંખ્યાબળ ઘટી 15માંથી 14 થયું છે અને  ભાજપની જીતથી શાસકપક્ષની બેઠક વધી 30 થઇ છે. મુખ્યત્વે મુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતા ભુજના વોર્ડ નં.2માં કોંગ્રેસી નગરસેવકના રાજીનામાંથી ખાલી પડેલી જગ્યા માટે યોજાયેલી પેટા ચૂંટણીના અનેક સમીકરણોના અંતે આજે મામલતદાર કચેરી ખાતે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપના કાસમ સુલેમાન કુંભારે  (ધાલાભાઇ) 268 મતથી વિજય હાંસિલ કરી કોંગ્રેસના ગઢમાં સોંપો પાડી દીધો હતો. મતગણતરી દરમ્યાન ઉતાર ચડાવની પરિસ્થિતિ પણ રોચક બની હતી અને એક તબક્કે તો અપક્ષે લીડ લઇને સૌને ચેંકાવી દીધા હતા. 142 નોટા મળી કુલ્લ 5028 મતમાંથી ભાજપના કાસમ કુંભારને 1967, કોંગ્રેસના સુલેમાન હિંગોરજાને 1699 તથા અપક્ષ ઉમેદવાર અંબાલાલ રાજગોરને 1220 મત મળ્યા હતા. 1થી 7 ઇ.વી.એમ.માં જાહેર થતા આંકડાએ ભાજપના ચહેરે ચિંતા દેખાતી હતી પરંતુ 8થી 11 નં.ના ઇ.વી.એમે. કાસમ કુંભાર પર મતનું હેત વરસાવ્યું હોય તેમ હરીફ ઉમેદવારોને હંફાવી દીધા હતા.ભાજપના ઉમેદવારને જીત હાંસિલ થતાં જ પક્ષમાં ખુશીની લહેર ફેલાઇ હતી. જ્યારે કોંગ્રેસની નક્કી મનાતી બેઠક હારવાથી પક્ષના અગ્રણીઓ તથા કાર્યકરોમાં નિરાશા સાંપડી હતી.  જીત જાહેર થતાં જ કાસમભાઇને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવાનો દોર શરૂ થઇ ગયો હતો અને મામલતદાર ઓફિસથી જ શરૂ થઇ ગયેલી જીતની ઉજવણી ભાજપ કાર્યાલય સુધી પહોંચી હતી. પક્ષના મોવડીઓ જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, સુધરાઇ પ્રમુખ અશોક હાથી, યુવા મોર્ચા પ્રમુખ રાહુલ ગોર, તેમજ જીત માટે મુખ્ય ભૂમિકા સાથે રણનીતિ ઘડનારા વોર્ડના ચૂંટણી ઇન્ચાર્જ બાપાલાલ જાડેજા, સંગઠનના અનુભવી મહામંત્રી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રાસિંહ જાડેજા, શહેર પ્રમુખ નવીન લાલને જીતને વાજતે-ગાજતે પોંખી હતી. કાર્યાલય બાદ ઉમેદવારના ટેકેદારો-સમર્થકોએ વિજય સરઘસ કાઢયું હતું અને જીતની ઉજવણી કરી હતી. આ જીતનું શ્રેય કાસમભાઇ કુંભારે પક્ષ, સમાજ તથા હિતાચિંતકોને આપી વોર્ડ નં. 2માં નિષ્ઠાપૂવર્ક વિકાસ કાર્યો કરી મતદારોનું ઋણ અદા કરવાની ખાતરી ઉચ્ચારી હતી.    

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer