મોટી ચીરઇ પાસેથી બે લાખનું ડીઝલ પકડાયું

ગાંધીધામ, તા. 12 : ભચાઉ તાલુકાના જૂની મોટી ચીરઇ ગામ નજીકથી સ્થાનિક પોલીસે એક ટ્રેકટર અને એક ટેમ્પોમાંથી 3325 લિટરનો કિંમત રૂા. 2,12,800નો ડીઝલનો જથ્થો જપ્ત કર્યો હતો. આ વાહનોમાં સવાર બે શખ્સોની અટક કરવામાં આવી હતી. દરિયાઇ કાંઠાથી જૂની મોટી ચીરઇ બાજુ આવતા માર્ગ પરથી પસાર થતા ટ્રેકટર નંબર જી.જે. 12-એ.એન. 3690 અને ટેમ્પો નંબર જી.જે. 1-વાય. 5182 વાળાને પોલીસે અટકાવ્યા હતા. મળેલી પૂર્વ બાતમીના આધારે આ બંને વાહનોની તલાશી લેવામાં આવી હતી. ટ્રેકટરમાંથી 35 લિટરની ક્ષમતાવાળા 45 કેરબા અને ટેમ્પોમાંથી 50 કેરબા એમ બંને વાહનોમાંથી 95 કેરબા 3325 લિટર ડીઝલ કિંમત રૂા. 2,12,800 મળી આવ્યું હતું. આ જથ્થા અંગે વાહનચાલકો પાસેથી આધાર-પુરાવા કે બિલ માગતાં તે આપી શક્યા નહોતા. દરમ્યાન જૂનાવાડાના નારાણ હમીર રબારી અને નાની ચીરઇના રસુલ હારુન પરીટ નામના આ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ચોરી કે છળકપટથી મેળવાયેલો આ જથ્થો આ વાહનચાલકો ક્યાંથી લઇ આવ્યા હતી તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આ અગાઉ નંદગામ નજીકથી રાજ્યની એસ.એમ.સી.ની ટીમે તેલચોરીનો કાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમ છતાં ગળપાદર, મીઠીરોહર, કંડલાની આસપાસ તેલચોરીના પોઇન્ટ બેરોકટોક અને બિન્ધાસ્તપણે ધમધમી રહ્યા છે ત્યારે આવા ગોરખધંધા બંધ કરાવવા લોકોમાં માંગ ઊઠી હતી. આવા બેનંબરી ધંધાથી ક્યારેક મોટી હોનારત સર્જાવાની ભીતિ પણ સૂત્રોએ દર્શાવી હતી.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer