ખેડૂતોએ પાક વીમો કેવી રીતે પકવવો ?

ખેડૂતોએ પાક વીમો કેવી રીતે પકવવો ?
ભુજ, તા. 12 : ભારતીય કિસાન સંઘના કાર્યાલય ભુજ ખાતે ખેડૂતોની બેઠક મળી હતી જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં ખેડૂતોના પ્રશ્નો અંગે જે તે કચેરી, સંબંધિત અધિકારી તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પીજીવીસીએલ દ્વારા ખેડૂતોના સમયસર કામ કરવામાં આવતા નથી તેમજ માલ- મટીરિયલની પણ અછત હોવાના કારણે ખેડૂતોના ઘણા કામ અધૂરા રહી જાય છે. જે માલસામાન છે તે પણ હલકી ગુણવત્તાવાળા હોય છે તેવો આક્ષેપ બેઠકમાં કરવામાં આવ્યો હતો. જિલ્લામાં રિ-સર્વેની જે કામગીરી થઇ?છે જે ધીમી ગતિએ થઇ છે તેમાં પણ ઘણી બધી ભૂલો જોવા મળી છે જે ભૂલો સુધારવા માટે ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે એમ જણાવાયું હતું. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બનાવવામાં આવી છે પરંતુ આ અંગે ખેડૂતોને પૂરતી માહિતી પણ આપવામાં આવી નથી જેમ કે ખેડૂતોએ પાક વીમો કેવી રીતે પકવવો ખેડૂતોને પોલિસી કેવી રીતે અને કોની પાસેથી મળશે  ખેડૂતોના વીમા પ્રીમિયમના રૂપિયા સીધા બેંકમાંથી કપાઇ જાય છે. ખેડૂતો પાસે માહિતી ન હોવાના કારણે આ વીમા યોજનાનો લાભ ખેડૂતોને નહીં પણ વીમા કંપનીને થશે. ખેડૂતોને ઓનલાઇન અરજી કરવા આઇ?ખેડૂત પોર્ટલ વેબસાઇટ કાયમી ધોરણે ચાલુ રાખવી તેમજ ખેતીકામમાં વપરાતી ચીજવસ્તુઓ તથા સાધન સામગ્રીમાં જીએસટી લગાવવામાં આવ્યો છે તે તત્કાળ ધોરણે દૂર કરવો જોઇએ. આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે સંઘ દ્વારા જે તે કચેરી, અધિકારીઓ તેમજ જરૂર પડયે ગાંધીનગર સુધી ટૂંક સમયમાં રજૂઆત કરવામાં આવશે. બેઠકમાં તમામ તાલુકાના પ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ જિલ્લાના સંયોજક અને સહસંયોજક ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન લક્ષ્મણભાઇ વરસાણીએ કર્યું હતું.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer