કોર્ટ કેસને લઇને ભચાઉમાં અદાલત નજીક જ હુમલો

ગાંધીધામ, તા. 12 : ભચાઉના કોર્ટ ત્રણ રસ્તા પાસે શિવલખાના બે સહોદરો ઉપર ગામના જ 9 શખ્સોએ લાકડી વડે હુમલો કરતાં ચકચાર પ્રસરી હતી. શિવલખામાં રહેતા બાલુભા વેલુભા જાડેજા (ઉ.વ. 36) અને ગામનાં જ ભીમજી કાંયાજી રાઠોડ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. જે અંગે ભચાઉ કોર્ટમાં કેસ ચાલુ છે. જેની તારીખ હોવાથી ગઇકાલે બાલુભા અને તેના મોટા ભાઇ ભચાઉની કોર્ટમાં આવ્યા હતા. આ બન્ને ભાઇઓ કોર્ટમાં કામ પતાવીને પરત જઇ રહ્યા હતા, દરમ્યાન કોર્ટ ત્રણ રસ્તા પાસે ભીમજી રાઠોડ, બહાદુરસિંહ ભીમજી રાઠોડ, જશવંતસિંહ ભીમજી રાઠોડ, રણજિતસિંહ ઉદયસિંહ રાઠોડ, જયેન્દ્રસિંહ ચતુરસિંહ રાઠોડ તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો ર્સ્કોપિયો તથા સ્વીફટ કારમાં સવાર થઇને ત્યાં આવ્યા હતા. આરોપીઓએ આ બે ભાઇઓ ઉપર લાકડીઓ વડે હુમલો કરતાં બાલુભાને પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. કોર્ટ કેસનું મનદુ:ખ રાખી કરવામાં આવેલા આ હુમલાના બનાવમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer