નાની ખાખર ગામના 21 યુવાન રાષ્ટ્રરક્ષા કાજે શૌર્ય દાખવી ચૂક્યા છે

રમેશ ગઢવી દ્વારા  કાઠડા (તા. માંડવી), તા. 12 : કેન્દ્ર સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં નિર્મલા સીતારામને શપથ ગ્રહણ કર્યા ત્યારે ભારતીય સેનાની ત્રણેય પાંખોનું નેતૃત્વ એક મહિલાના હાથમાં આવ્યું છે.  હિન્દુસ્તાનની સેનામાં જોડાવવું એ કોઇ હિન્દુસ્તાની માટે નોકરી કે વ્યવસાય નહીં પણ દેશસેવાનો એક ઝઝબો છે. આજે ઘણા ઉચ્ચ શિક્ષિત યુવાનો પણ સૈન્યમાં જોડાતા હોય છે. અમુક રાજકીય પક્ષો ગુજરાતને ટોણો મારતા હોય છે કે ગુજરાતીઓ સેનામાં બહુ ઓછા જોડાય છે, પરંતુ આ વાતને સદંતર ખોટી સાબિત કરતી હોય એવા દાખલા કચ્છમાંથી જોવા મળે છે. માંડવી તાલુકાના મુખ્ય દ્વાર સમા નાની ખાખર ગામ સાહેબ જાડેજા ભાઇયાતોના આ ગામમાં મુખ્યત્વે વસ્તી ક્ષત્રિય દરબારોની હોય એ સ્વાભાવિક છે. તદ્ઉપરાંત સોની, જૈન, મુસ્લિમ, બ્રાહ્મણ, ગોસ્વામી, મહેશ્વરી સહિતની જ્ઞાતિઓ મળીને 4000થી 4200 વસતી ધરાવતા આ ગામનું મહત્ત્વ રાજાશાહી વખતથી રહ્યું છે. અહીંના કલુભા જાડેજા કચ્છ રાજમાં પણ?સારા એવા હોદ્દો ધરાવતા હતા. તો અહીંના ક્ષત્રિય યુવાનો રાજકીય ક્ષેત્રે પણ બંને ભાજપ/કોંગ્રેસમાં મહત્ત્વના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. પરંતુ વાત આવે શૌર્યની ત્યારે ક્ષત્રિયનો દીકરો ક્યારે પાછીપાની નથી કરતો. આજના સમયમાં પણ આ જ પરંપરાને ચરિતાર્થ કરી રહ્યા છે. નાની ખાખરના ક્ષત્રિય યુવાનો લશ્કરમાં હાલમાં અને પૂર્વ મળી 21 યુવાનો મા ભોમની રક્ષા કાજે પોતાનું શૌર્ય દાખવી ચૂક્યા છે. જેમાં નાયબ સુબેદાર જાડેજા મુરુભા મમુભા (ગ્રિનેડીયર્સ), એક્સ નાયક જાડેજા જીલુભા ભોજરાજજી (ગ્રિનેડીયર્સ), એક્સ નાયક જાડેજા બટુકસિંહ ખેંગારજી (એ.એસ.સી.), એક્સ નાયક જાડેજા કિરીટસિંહ નટુભા (એ.એમ.સી.), એક્સ નાયક સોઢા વિક્રમસિંહ ઇન્દ્રસિંહ (રાજપૂતાના રાઇફલ્સ), એક્સ હવાલદાર જાડેજા અનિરુદ્ધસિંહ અભેસંગ (એર ડિફેન્સ આર્ટીલરી), એકસ એન. કે. જાડેજા મહેન્દ્રસિંહ કુકુભા (ઓર્ડિનેન્સ) તથા હાલમાં સરહદો ઉપર ફરજ બજાવતા જાડેજા દશરથસિંહ નટુભા (આર્ટિલરી), જાડેજા વનરાજસિંહ, જાડેજા ફતેહસિંહ દાનુભા, જાડેજા અર્જુનસિંહ રવુભા, જાડેજા રામદેવસિંહ રણજિતસિંહ, જાડેજા સહદેવસિંહ કલુભા, જાડેજા હરિસિંહ દિલુભા, જાડેજા અજયસિંહ હરુભા, જાડેજા જયદેવસિંહ માધુભા, જાડેજા ઇન્દ્રસિંહ મહિપતસિંહ, જાડેજા વિપુલસિંહ ચંદુભા, ઝાલા ધર્મેન્દ્રસિંહ ચંદુભા, જાડેજા મહેશસિંહ ઉમુભા, જાડેજા નવલસિંહ બુધુભા જે પૈકી નાયબ સુબેદાર જાડેજા મુરુભા અને નાયક જાડેજા જીલુભા 1965 અને 1971ના યુદ્ધમાં ભાગ લઇને પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેવું રાજપૂતાના રાયફલના પૂર્વ નાયક વિક્રમસિંહ સોઢાએ જણાવ્યું હતું. આ વિસ્તારના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે,  કચ્છમાં સૈન્ય ક્ષેત્રે કાર્યરત સૌથી વધુ યુવાનો ભદ્રેસર, પછી તલવાણા અને નાની ખાખર ગામનું નામ આવે છે. નાની ખાખર ગામે પોલીસ ક્ષેત્રે એસ.આર.પી.માં પણ 10થી વધુ યુવાનો સેવા આપી રહ્યા છે. આમ શૌર્યગાથાની વાતમાં નાની ખાખર ગામ સાહેબ વંશની પરંપરા મુજબ જેમ સાહેબજી બાપુએ રાહ મહારાવ ખેંગારજી બાવાના રાજ્યમાં પોતાની શૂરવીરતાથી કચ્છનું રક્ષણ?કર્યું હતું. તેમ સાહેબ ભાઇયાતોના આ ગામના અનેક યુવાનો દેશની રક્ષા માટે સરહદો ઉપર ઠંડી, ગરમી, વરસાદની પરવાહ કર્યા વગર પોતાની સેવા આપી રહ્યા છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer