ચોવીસીમાં..ચલ મેરી સાઇકલ ટ્રીન ટ્રીન ટ્રીન...

ચોવીસીમાં..ચલ મેરી સાઇકલ ટ્રીન ટ્રીન ટ્રીન...
વસંત પટેલ દ્વારા  કેરા (તા. ભુજ), તા. 12 : કો'ક શોખ માટે, કો'ક મધુપ્રમેહને નિયંત્રણમાં રાખવા તો અમુકે પ્રકૃતિનું સામિપ્ય પામવા સાઇકલની ઘંટી રણકાવી છે. ચોવીસીનું એક જૂથ આજકાલ દર રવિવારે કચ્છના જુદા જુદા માર્ગો પર 90થી 120 કિ.મી. જેટલી સાઇકલ ચલાવી ગ્રામ્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રેરક બની રહ્યું છે. કેરાથી કુરબઇ જિયાપર, સુખપર (રોહા), ગઢશીશા રૂટ, માંડવી, મુંદરાના ગામો, કોટડા ચકારથી અંજારનો છેવાડો... આવો નીતનવો રસ્તો ઝડપભેર માપતી યુવા બ્રિગેડનો કાફલો જ્યાંથી પસાર થાય ત્યાં સાઇકલના જમાનાની ચર્ચા છોડી જાય છે. ત્રણ વર્ષ પહેલાં કેરાના યુવા તબીબ ડો. દિનેશ પાંચાણીને ચલ અકેલાની ધૂન ચડી હતી. શિયાળો હોય કે વરસતો વરસાદ કે પછી 44 ડિગ્રી તાપમાન, સાયકલનું પેંડલ મારી દીધા પછી 100 કિ.મી. સવજે કપાઇ જતા. હમ ચલે થે... કારવાં બનતા ગયા... ચોવીસીની આ કલબમાં હાલ 50 જણ છે. દેવેન્દ્ર વાઘજિયાણી જેવા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા તો શૈલેશ ભુવાએ વધારે ચરબી કાબૂમાં રાખવા ઘંટડી રણકાવી છે. આ લખનાર પ્રકૃતિનું સામિપ્ય પામવા સભ્ય બન્યા તો ઘણા યુવાનો સાઇકલ સવારીનો આનંદ માણવા જોડાયા. આજે આ જૂથ ચોવીસીમાં જાણીતું બન્યું છે. ઘરથી વથાણ સુધી બાઇક ઉપર જ આવતા-જતા લોકો શારીરિક શ્રમનું મહત્ત્વ સમજતા થયા છે. દર રવિવારનો રૂટ ડો. દિનેશ નક્કી કરે છે. દરેકને સોશિયલ મીડિયા પર `શેર' કરાય... વહેલી સવારે 4-30થી 5 કલાકે કાફલો નીકળી પડે કો'ક નવા રસ્તા પર... વરસાદની ઋતુ છે, ચોમેર હરિયાળી છે. સામત્રાથી વાડાસર વચ્ચેની ચાડવા રખાલ વચ્ચેનું સૌંદર્ય, નનામા ડુંગરને ચૂમતા વાદળો, માકપટની મગફળી, કંઠીપટનો રામમોલ, અંતરિયાળ ગામોની સીમમાં ભરાયેલા પાણી, નાના તળાવ, ઝીલ, પાલર પાણીએ સિંચેલા ડુંગરા, ટોચ પરના મંદિરોની ફરફરતી ધજા, સીમમાં માલધારીઓએ દૂધ ઉત્પાદન માટે નાખેલા ભેંસ-ગાયના તબેલા, ઝીણા માલને જંગલમાં રાતવાસો કરાવતો વર્ગ, દેશી વનસ્પતિની ઘટા, વલ્લરી, વેલા અરે લીલો તાજો બનેલો ગાંડો બાવળ પણ પ્રકૃતિની શોભા બન્યો છે. વચ્ચે આવતી લીલી નાઘેર વાડીઓ અને કૃષિ પ્રવૃત્તિઓથી જીવંત બનેલો કચ્છનો ગ્રામ્ય પરિવેશ, સારા વરસે મલકતા ચહેરા આ બધું સાઇકલના ટ્રીન ટ્રીન સાથેના આ દ્રશ્યો ખરા કચ્છના દર્શન કરાવે છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તાર જેવું ભાસતું કચ્છ ખીલી ઊઠયું છે. હજારોનો ખર્ચ કરી વેકેશન ગાળવા જતા સમુદાયે કચ્છની ગ્રામ્ય પ્રકૃતિની સુંદરતા તરફ એકવાર નજર નાખવા જેવી ખરી... અને તે પણ સાયકલ સવારી સાથે... બાઇક, કાર, બસની ઝડપ પ્રકૃતિ સાથે જોડાણ થવામાં બાધક છે. પગપાળા કે સાયકલ યોગ્ય છે. કસરતના કારણે ફેફસાંમાં તાજો ઓકિસજન તાજગી ભરી દે છે.છર મોબાઇલ પર હાલ સાયકલિંગની જુદી જુદી એપ્સ તૈયાર છે. કેટલી ઉંચાઇ, નીચાણ, કેલેરી બાળી, સમ્પ, સરરેરાશ બધું જ ગણાઇ જાય છે. નારાણપરના વિનોદ પીંડોરિયા અને ફીઝીયો ડો. રમેશ વરસાણી, પરેશ સેંઘાણી, શામજી પીંડોરિયા, મેહુલ ગામી (લેબ ટેક), કેરાના નીલેશ નારદાણી, પીયૂષ મેપાણી, જેનુલ જેરાજ ખોજા, ભાવિક ખેતાણી (તાન્ઝાનિયા), અનીશ વરસાણી, વિશાલ વોરા મુખ્ય છે. અન્ય સભ્યો વધ ઘટ થતા રહે છે. સાયકલ ચાલકોની શારીરિક માનસિક તંદુરસ્તી સુધરવાના ઉદાહરરણ છે જ.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer