જગતમાં સહિષ્ણુતા ઘટી રહી છે ત્યારે વ્યંગ કરવો રહ્યો

જગતમાં સહિષ્ણુતા ઘટી રહી છે ત્યારે વ્યંગ કરવો રહ્યો
લંડન, તા.12 : ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સહયોગથી યુ.કે. ખાતે હાઈકમિશન ઓફ ઈન્ડિયાનાં કલ્ચરલ સેન્ટર નેહરુ સેન્ટર ખાતે તાજેતરમાં અશોક અદેપાલના કાર્ટૂન સેલ્ફી પ્રદર્શનનું ઉદ્દઘાટન નેહરુ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર વિભા મેહદીરત્તાના હસ્તે દીપ પ્રાગટયથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.  ઉદ્દબોધન કરતાં શ્રીમતિ વિભા મેહદીરત્તાએ જણાવ્યું હતું કે, `અદેપાલ ભારતથી એક અદ્દભુત કાર્ટૂન પ્રદર્શન લઈને આવ્યા છે, જે આનંદ અને ગર્વની બાબત છે. અદેપાલનું આવું એકદમ અનોખા પ્રકારનું કાર્ટૂન પ્રદર્શન અમે આજ સુધી યોજયું નથી. તેમણે કાર્ટૂનિસ્ટની સરાહના કરી હતી.  આ પ્રસંગે એ.બી.પી.એસ. મીડિયા ગ્રુપના અગ્રણી સી.બી. પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, `શ્રી અદેપાલે કચ્છ જેવા રણકાંઠાના જિલ્લાથી લંડન સુધીની સફર ખેડી અને એ પણ રાજકીય કાર્ટૂન ક્ષેત્રે, એ એક અનોખી સિદ્ધિ છે. કાર્યક્રમના અંતે અશોક અદેપાલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, લંડનમાં એક ભારતીય તરીકે કાર્ટૂનનું પ્રદર્શન લઈને આવવું એ એક સપનું સાકાર થવા સમાન છે. આ સપનું સાકાર કરવા માટે પરિવારજનો અને અનેક મિત્રો તરફથી મળેલો સહયોગ પણ યશનો હકદાર છે. કાર્ટૂન ક્ષેત્રે કાર્ટૂન સેલ્ફી એ એક અનોખો પ્રયોગ છે, જેની શરૂઆત થવા પાછળનું સૌથી માટું કારણ એ હતું કે, દુનિયાભરમાં સહિષ્ણુતા ઘટી રહી છે એવા સમયે પણ વ્યંગ તો કરવો જ રહ્યો... તો શું કરવું તેથી વિચાર્યું કે પોતાની જાતને જ કાર્ટૂનનું કેરેક્ટર બનાવીને આપણે જે કહેવું હોય તે કહી દેવાથી આ સ્થિતિમાં પણ વ્યંગ દ્વારા સંદેશો આપી શકાશે.' જૂન-2017માં પ્રથમ વખત હઠીસિંહ આર્ટ સેન્ટર, અમદાવાદ ખાતે કાર્ટૂન સેલ્ફી પ્રદર્શન યોજ્યા બાદ ચાર મહિનામાં વડોદરા, અમદાવાદ બાદ લંડનમાં આ ચોથું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શન 15 સપ્ટેમ્બર સુધી 10 થી 6 ખુલ્લું રહેશે.    

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer