માતાના મઢ અને ઉમરસર ખાણ પર સુવિધા માટે રજૂઆત

માતાના મઢ અને ઉમરસર ખાણ પર સુવિધા માટે રજૂઆત
ભુજ, તા. 12 : કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો. તથા કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસો.ના સંયુકત પ્રતિનિધિમંડળે તાજેતરમાં  માતાના મઢ અને ઉમરસર ખાણની રૂબરૂ મુલાકાત લઇને સત્તાવાળાઓ સમક્ષ માલની ગુણવત્તા તેમજ અન્ય સુવિધાઓની રજૂઆત કરી હતી. પ્રમુખ નવઘણભાઇ વી. આહીરની આગેવાની હેઠળ લિગ્નાઇટ માલની ગુણવત્તા જાળવવા તથા તમામ વપરાશકર્તાઓને સતત સારી ગુણવત્તાવાળો માલ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા, ડ્રાઇવર, ક્લીનરો તેમજ પીવાનાં પાણી તથા બેસવાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા, ખાણના માર્ગ સુધારવા, દરરોજ ક્વોટા ડેટ ઓપન કરવા સહિતના મુદ્દા ચર્ચાયા હતા. આ બાબતે માતાના મઢ જીએમડીસી ખાણના જનરલ મેનેજર શ્રી જોષી તથા ઉમરસર જીએમડીસીના જનરલ મેનેજર મહાન્તોએ તમામ પ્રતિનિધિઓને આવકારી શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને ઉપસ્થિત તમામ પ્રશ્નો બાબતે સકારાત્મક અભિગમ દાખવવા ખાતરી આપવામાં આવી હતી. બંને સંસ્થાના પ્રતિનિધિઓએ લોડિંગ વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. સાથેસાથે ટ્રક ડ્રાઇવરોને પણ સાંભળ્યા હતા. આ ઉપરાંત આગામી નવરાત્રિના તહેવાર દરમ્યાન માતાના મઢ આવતા પદયાત્રીઓને કોઇ તકલીફ ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળમાં ઉપપ્રમુખ રાજેશભાઇ એમ. આહીર, મંત્રી હરિભાઇ કે. લીંબાણી, કારોબારી સભ્ય કે.પી. આહીર, શંકરભાઇ પટેલ, નવલસિંહ જાડેજા, શાંતુભાઇ ગઢવી તેમજ અન્યો તથા ટ્રાન્સપોર્ટ એસોસીએશનના નરેન્દ્રભાઇ મિરાણી, દિલીપભાઇ શાહ, અજિતભાઇ જોષી તથા અન્ય ટ્રાન્સપોર્ટ ઓપરેટર ભાઇઓ હાજર રહ્યા હતા.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer