વવારનું નામ પડે એટલે પહેલું જીભે નામ આવે `જય મોરદાદા''

વવારનું નામ પડે એટલે પહેલું  જીભે નામ આવે `જય મોરદાદા''
માણેક ગઢવી  મુંદરા-અંજાર બે તાલુકાની વચ્ચે આવેલું ગામ વવાર મુંદરા તાલુકાનું ગામ છે. વવાર ગામ પછી અંજાર તાલુકાનાં ગામડાઓ ચાલુ થઈ જાય છે. વવાર ગામની વસ્તી 1500ની છે. જેમાં આખું ગામ જ (ચારણ) ગઢવીઓનું છે. મુખ્યત્વે ખેતી સાથે હવે સરકારી નોકરીઓ હોય કે અન્ય પ્રાઈવેટ પોસ્ટો પર યુવાધન વવારનું અગ્રેસર છે. પહેલાં વાત માંડીએ તો વવાર ગામના આસ્થાના પ્રતીક સમા મોરદાદાના સ્થાનનું આજે પણ આ ગામમાં દાદાના મંદિરથી ઊંચું કોઈ પોતાનું રહેણાક બનાવતું નથી, બધાં જ નળિયાવાળાં મકાનો છે. આજે પણ કોઈ સ્લેબ ભરતું નથી એવી દાદાની વાયણી છે. આજે પણ દાદાના મંદિર આગળથી ટુ-વ્હીલર ચાલકો નીચે ઊતરીને ત્યાંથી પસાર થાય છે ને વવારમાં કોઈપણ નવું કે જૂનું વાહન આવે એટલે પહેલાં મોરદાદાના મંદિરે જાય છે. વવારનું એવું કોઈ વાહન નહીં હોય કે જે વાહન ઉપર `જય મોરદાદા' લખેલું ન હોય. દરેક વાહન પર જય મોરદાદા અચૂક લખેલું હોય છે. બાર મહિનામાં ત્રીસથી વધારે દાદાની પેડીઓ થતી હોય છે. આખા ગામને જમાડવામાં આવે છે અને શોભાયાત્રા દાદાના મંદિરે જાય છે. ગઢવી, આહીર સમાજ, ક્ષત્રિય સમાજ, અનુ. જાતિ. સમાજ, પટેલ સમાજ, જૈન સમાજ, ગોસ્વામી સમાજમાંથી પણ દાદાની પેડીઓ થઈ છે. આ બધા બહારગામના સમાજો પણ દાદાને એટલા જ માને છે. શ્રાવણ મહિનાની અંધારી નવમીના મોરદાદાની મોટી પાંખી હોય છે. ગામલોકો કામધંધા બંધ રાખીને મોરદાદાના મંદિરે અચૂક ભેગા થાય છે. ધંધાર્થે બહાર રહેતા  વવારના લોકો આ પાંખીના દિવસે પોતાનાં કામકાજો બંધ રાખીને દર્શન કરવા આવે છે. ગામમાં પ્રવેશતાંની સાથે જ શીતલા માતાજીનું મંદિર આવેલું છે અને એને સામે શ્રી વવાર ચારણ સમાજ સંચાલિત ગૌશાળા આવેલી છે. ગૌશાળાની વચ્ચે પઠ્ઠાપીરદાદાની જગ્યા આવેલી છે જ્યાં નવા લણેલા બાજરાના પાકનો રોટલો પહેલાં ત્યાં ચડાવાય છે. ગામની વચ્ચે ત્રિદેવ મંદિર, સોનલ માનું મંદિર, ભગવાન શ્રીરામનું મંદિર અને રાધેકૃષ્ણનું મંદિર આવેલું છે. નવયુવક મંડળ ગામના ..સહયોગથી ત્યાં નવરાત્રિમાં મા જગદંબાની આરાધના કરે છે. વવાર શિક્ષણક્ષેત્રમાં પણ હવે પ્રગતિના પંથે છે. અત્યારે ભારતીય સેનામાં 7 જવાનો ફરજ બજાવે છે, તો પોલીસ ખાતામાં પ, શિક્ષણમાં 4, રેવન્યૂ ખાતામાં પણ સરકારી નોકરીઓના હોદ્દા પર છે. અત્યારે ગાંધીનગર ખાતે 10થી 15 યુવાઓ કોઈપણ સરકારીક્ષેત્રની જોબમાં જોડાવા માટે ત્રણ-ચાર મહિનાથી ટયૂશન ક્લાસીસમાં ત્યાં રહીને પરીક્ષાઓની તૈયારી કરે છે. માધ્યમિક શાળા થઈ જવાને કારણે દીકરીઓ પણ અત્યારે ભણી રહી છે અને હમણાંનું 10મા ધોરણનું પરિણામ પણ ખૂબ જ સારું આવ્યું છે. સાહિત્યક્ષેત્રની વાત કરીએ તો ચારણો (ગઢવી)ઓની જીભે મા સરસ્વતીનાં બેસણાં છે. આ ગામ પ્રખ્યાત ચારણી સાહિત્યના વિદ્વાન (પાલુ ભગત)નું ગામ છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્યના યુવા મહોત્સવમાં દુહા-છંદમાં ગુજરાત રાજ્યમાં હરિભાઈ ગઢવીએ પ્રથમ   નંબર મેળવીને ગામનું નામ રોશન કર્યું છે. બ્રહ્માનંદના દરેક પ્રખ્યાત ભજનો સામતભાઈ કારિયા અને રાણશીભાઈ કારિયાને મોઢે છે, જ્યારે યુવા કવિ રામભાઈ કારાણીની પ્રખ્યાત રચના `ચોટીલા ડુંગર ટોચે, પગપાળા માનવ પહોંચે, આયલ બિરાજે ઊંચે ચામુંડ માડી' આ રચના નામી-અનામી કલાકારોના મુખે પ્રોગ્રામોમાં ગવાય છે. રામ કારાણી, નારાણ ગઢવીને ચારણી સાહિત્યનો પ્રાણ કહી શકાય તેવા હરિરસ, દેવિયાણ જેવા ગ્રંથો મોઢે છે. દર પૂનમે ગામની દક્ષિણે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ગામલોકો ભેગા થઈને સત્સંગ કરે છે. પ્રખ્યાત સંત-ભજનસમ્રાટ નારાયણ સ્વામી બાપુની સંતવાણી અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીના લોકડાયરાનું પણ આ ગામમાં આયોજન થઈ ચૂક્યું છે. માતાજીના ચરજોમાં અરજણ ગઢવીનું નામ પ્રખ્યાત છે. પશુપાલનક્ષેત્રમાં પણ હવે ગામમાં દૂધ ડેરી થઈ જવાને કારણે માલધારી ભાઈઓ આ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે. ગામના ઉતરાદા સીમાડામાં આવેલું ઉતરાદી તળાવ ખૂબ જ મોટું છે, જે જ્યારે પણ સારો વરસાદ થાય અને ઓગની જાય ત્યારે બે વરસ સુધી આરામથી પાણીની સમસ્યા ટળી જાય એટલો મોટો ડેમ આવેલો છે. ખેતી મુખ્યત્વે વરસાદ આધારિત છે. સારા વરસાદે મગ, જુવાર, ઘઉં, કપાસ, એરંડા, બાજરો, તલ જેવા પાકો થાય છે. ગામની બાજુમાંથી જ નર્મદા નહેર પસાર થાય છે, જેના પાણીની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. રમત-ગમતના ક્ષેત્રમાં પણ વવારના યુવાનો રસ કેળવી રહ્યા છે. ગામમાં પ્રવેશતાંની સાથે જ ક્રિકેટ ગ્રાઉન્ડ છે જ્યાં ક્રિકેટ રાઉન્ડો યુવા વર્ગ દ્વારા અવાર-નવાર યોજવામાં આવે છે. વરસો પહેલાં બનેલી એક જૂની ધર્મશાળા છે જ્યાં હમણાં ગોસ્વામી  સમાજનું એક ઘર છે, જે ગામનાં મંદિરોની સવાર-સાંજ આરતી કરે છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer