ભચાઉમાં વાગડ કલા કેન્દ્ર દ્વારા રવિવારે મેડિકલ-સર્જિકલ કેમ્પ

ભચાઉ, તા. 12 : શ્રી  વાગડ કલા કેન્દ્ર મુંબઇ દ્વારા વાગડની વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ખાતે 65મો રાહતના દરે મેડિકલ અને સર્જિકલ કેમ્પ તા. 17મી રવિવારે  યોજાશે.આ કેમ્પના દાતા માતા માનુબેન રતનશી પ્રેમજી ગાલા પરિવાર (વણોઇ) રહેશે. કચ્છ-વાગડ-સૌરાષ્ટ્રથી દર્દીઓ લાભ લેશે. વાગડ કલા કેન્દ્રના પ્રમુખ જગશી વેરશી દેઢિયાના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં સવારે 9થી 12 એમ.ડી. ફિઝિશીયન દ્વારા ઓપીડી (દર્દીઓની તપાસ) તથા યુરોલોજી સર્જરી (કિડનીના દરેક જાતના ઓપરેશન), ઓક્યુપેશનલ થેરાપીસ્ટ (અલ્પવિકસિત શારીરિક તેમજ માનસિક બીમારી ધરાવતા બાળકો માટે) તથા ફિઝિશીયન દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત આંખના દર્દીઓનું નિદાન તથા મોતિયાના ઓપરેશનો મફત કરી આપવામાં આવશે. તેનું નિદાન તા. 17ના રવિવારે 9થી 12 દરમિયાન કરવામાં આવશે. આ કેમ્પમાં  યુરોલોજી દર્દીઓએ તા. 15 અથવા 16 સુધીમાં હોસ્પિટલના સર્જન ડોક્ટર કેતન પંડયા પાસે બતાવીને દાખલ થવાનું રહેશે. તમામ ઓપરેશન માટે એક્સ-રે, લેબોરેટરી સહિતના ચાર્જ રાહતના દરેના રહેશે. જે દર્દીઓનું ઓપરેશન થશે તેના ટોટલ બિલમાંથી આ ચાર્જીસ કાપી પરત આપવામાં આવશે. ઓપરેશનો રાહતના દરે થશે. અત્યંત ગરીબ દર્દીઓના ઓપરેશનો મફતમાં કરી આપવામાં આવશે. યુરોલોજીના દર્દીઓએ ઓપરેશન માટે તા. 15ના સાંજે ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ થઇ જવાનું રહેશે. તેમના ઓપરેશનો મુંબઇથી આવતા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તા. 17ના કરાશે. આયોજનમાં ટ્રસ્ટી દામજી વીજપાર સાવલા, ટ્રસ્ટી ડો. મનહર શાહ, લીલાધર ગડા, હોસ્પિટલના અધિકારી ઇશ્વર ઓઝા તથા હોસ્પિટલના ડોક્ટરો અને સર્વે ઓ.ટી. સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer