કચ્છમાં કાંટાળી વાડ યોજનામાં કોઇએ કાચું કાપ્યું
ભુજ, તા. 12 :રાત-દિવસની કાળી મજૂરી બાદ ખેડૂતોએ ઊભા કરેલા લીલાછમ પાકનો નીલગાય સહિતના જંગલી જીવો સોથ ન વાળે તે માટે રાજ્ય સરકારે આપેલી અને પછી બંધ?કરેલી એક મહત્ત્વપૂર્ણ યોજનામાં કોઇએ બેદરકારી દર્શાવતાં ઓછામાં ઓછા 100થી વધુ કિસાનોના પ્રત્યેકના એકાદ લાખના હિસાબે મસમોટી રકમ ફસાઇ ગઇ છે. ખેડૂતોએ આપેલી આ ચોંકાવનારી માહિતી અનુસાર રાજ્ય સરકારે ખેડૂતો પોતાના ખેતર ફરતે કાંટાળી વાડ ઊભી કરી શકે તે માટે એક યોજના આપી હતી, જેમાં અર્ધો ખર્ચ ખેડૂત ખુદ કરે અને અડધાનું ચૂકવણું વનતંત્ર દ્વારા કરાય તેવી જોગવાઇ હતી. કચ્છ સહિત રાજ્યભરના ખેડૂતોએ ખાસ કરીને નીલગાય (રોઝ)ના ત્રાસની ફરિયાદ કરી ત્યારે આ કાંટાળી વાડની યોજના આપી હતી,   પણ ગત વર્ષે 23મી નવેમ્બર 2016ના આ યોજના બંધ કરતો પરિપત્ર પણ બહાર પાડી દીધો હતો. કચ્છમાં વનતંત્ર હસ્તક આ યોજના ચાલતી હતી અને જે જે ખેડૂતોએ અરજી કરી એમની સ્થિતિ અનુસાર આ યોજનાનુસાર નાણાં ફાળવાયાં હતાં પણ નવેમ્બર 16માં યોજના બંધ થઇ ત્યારે જે અરજીઓ બાકી હતી તેનો નિકાલ આજ દિન સુધી થયો નથી. પણ પૂર્વ કચ્છ વન વિભાગમાં કોઇની બેદરકારી કે પછી કોઇ જાણકારીનો અભાવ અથવા તો કોઇ ગેરરીતિના હેતુસર 2017ના પ્રારંભ સુધી આ યોજના જીવતી રહી અને ક્રમાનુસાર ખેડૂતોની અરજીઓ મંજૂર કરવામાં આવી અને 100થી વધુ કિસાનોએ કાંટાળી વાડ માટેનો ખર્ચ કરી નાખ્યો... હવે વનતંત્રમાં ધક્કા થાય છે. નવે. 16માં બંધ થયેલી યોજના જાન્યુઆરી 17 સુધી ચાલી, પરિણામે જે ખેડૂતોને મંજૂરી મળી એ હવે વનતંત્ર?પાસેથી અડધા નાણાંનાં બિલ મંજૂર કરાવવા દોડે છે. એક રનિંગ મીટરના રૂા. 220નો ભાવ આ કાંટાળી વાડ માટે અપાતો હતો. હવે જવાબ પણ અપાતા નથી. જે બેદરકારીપૂર્વક મોડે મોડે સુધી મંજૂરીઓ ન મળત તો કોઇ વાડ બનાવત નહીં અથવા આશા રાખત નહીં. આ કાંટાળી તાર યોજના આમ તો રાજ્ય સરકાર માટે પણ?એક `લપ' સાબિત થઇ હોય તેવું ચિત્ર ઊપસે છે. કારણ કે નવે. 16માં જ્યારે વ્યક્તિગત ધોરણે સબસિડી બંધ કરાઇ ત્યારે એવું નક્કી થયું કે 30 હેક્ટરના કલસ્ટર સાથે સામૂહિક રીતે ખેડૂતો માગણી કરે તો વાડ બાંધવા સહાય વનતંત્ર આપે. પણ 75 એકર જમીન જેટલા વિશાળ ક્ષેત્રફળમાં આવતા ખેડૂતો આપસી સંપ-સહકાર સાથે એકમત થાય તેમ ન હોવાથી વળી એક ફેરફાર થયો અને યોજના વનતંત્ર?પાસેથી ખસેડીને ખેતીવાડીમાં અને ત્યાંથી 20 હેક્ટર કલસ્ટરની મર્યાદા સાથે ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જી.એલ.ડી.સી.)ને સોંપાઇ. જો કે, 20 હેક્ટર જમીનમાં આવતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઇ?શકતા નથી, કારણ કે, આ નવી યોજનામાં એક એક ખેડૂત ખાતેદારની જમીન ચારેય તરફથી રક્ષિત થતી નથી.