સાવન કા મહિના... ટીપ ટીપ બરસા પાની

સાવન કા મહિના... ટીપ ટીપ બરસા પાની
ભુજ, તા. 12 : શ્રાવણી પર્વોમાં હાજરી પુરાવવી હોય એવી અદાએ આજે સવારે  ધરતીના ધણીએ માંડવીમાં વધુ અડધા ઇંચની મહેર કરી હતી. તો કચ્છના કેટલાક ભાગમાં શ્રાવણી સરવડારૂપી હાજરી પુરાવી રસ્તા ભીંજવ્યા હતા. મરક મરક મલકાતાં 10 મિ.મી.ના ઇજાફા સાથે મોસમનો એકંદર માંડવીનો આંકડો 361 મિ.મી. ઉપર પહોંચાડયો હતો. પંથકના ગામડાઓમાં પણ ઝરમરિયારૂપે અડધા ઇંચ જેટલી અમીવૃષ્ટિના વાવડ મળ્યા હતા. બે દિવસોથી ગોરંભાયેલા આકાશમાંથી સમયાંતરે ફુવારના અમીછાંટણા થતાં રહ્યા હોવાથી ઊભા મોલમાં નવું જોમ આવ્યું હોવાનું કિસાનવર્ગે જણાવ્યું હતું. પહોરમાં પાંચેક વાગ્યે વેગીલા પવનની સંગાથે ઝડી વરસાવીને મન ઝાલી લીધું હતું. બપોર સુધી ફરફર, ઝરમર સ્વરૂપે?ધરતીને પલાળીને શ્રાવણી પર્વોમાં શુકન આણ્યું હતું. કોરાણ થતાં ભીનાશની ચાદર પથરાતી રહી હોવાથી પશુપાલકોના ગાલે લાલીમા વર્તાતી હતી. ગોધરાથી અગ્રણી હાજી સલીમ ચાકીએ આપેલી જાણકારી પ્રમાણે ઝીણો ફુવાર અને સવારે પણ હળવો છંટકાવ થતો રહ્યો હોવાથી પંથકમાં અડધા ઇંચ જેટલી મહેરબાની મેઘરાજાએ કરી હતી. શહેરના પાદર સમા મસ્કા, નાગલપર, ઢીંઢ વગેરે ગામોમાં પણ ઝરમરિયા પગલે ધરા રીઝી હોવાના સમાચાર મળ્યા હતા. જિલ્લા મથક ભુજની પરોઢ આજે પણ પલળી હતી. છ વાગ્યા પછી ઝાપટારૂપી ઝડી વરસતાં સવારે  મોર્નિંગ વોકમાં નીકળવા માગતા કેટલાક નિયમિત લોકો ઘરે જ અટકી ગયા હતા. સવાર, બપોર અને સાંજ એમ ત્રણેક વખત આકાશી ફુવાર થતાં રસ્તા  રીતસર ભીંજાયા હતા. શ્રાવણી માસમાં તહેવારોમાં મેઘરાજાએ આજે બીજા દિવસે પણ મુંદરામાં હાજરી પુરાવી હતી. ગઇ રાતના તથા આજે સવારે અવાર-નવાર વરસાદનાં ઝાપટાં પડતાં નગરમાં બજારમાં  પાણી વહી નીકળ્યાં હતાં. ધ્રબથી હુસેનભાઇ તલાટીએ જણાવ્યું હતું કે, રાતથી સવાર સુધીમાં અંદાજે 1 ઇંચ જેટલા વરસાદના સમાચાર આપ્યા હતા.  `માગ્યા મીં  વરસ્યા' બાગાયતી ખેતી તથા ઊભા પાક માટે સોના જેવો વરસાદ કહ્યું હતું તથા ઘાસચારો  પણ ઝડપથી ઊગી નીકળશે. મુંદરા મામલતદાર કચેરીથી શ્રી મેસરિયાએ જણાવ્યું હતું કે, અગાઉનો 250 એમ.એમ. અને આજનો 13 એમ.એમ. કુલ્લ 263 એમ.એમ. વરસાદ નોંધાયો હતો. વર્તમાન આશ્લેષા (અંધી) નક્ષત્રના છેલ્લા ચરણમાં ત્રણેક દિવસથી માકપટ-બન્ની વિસ્તારમાં છુટાછવાયા ઝરમરિયા વરસાદે સીમાડાના ઘાસચારા, ખેતરોના રામમોલને રાહત કરી છે. જ્યારે આજે વહેલી સવારથી ચોમેર શ્રાવણના સરવડિયા જેવા વરસાદથી વધુ રાહત થઇ છે. ખાસ કરીને  ધીણોધરની પૂર્વે છાવરના થાન તથા ગોધિયાર ચંદ્રનગર, ખારડિયા, હીરાપર, ભીમસરમાં પાથી અડધા ઇંચ જેટલા વરસેલા વરસાદથી પાણી વહી નીકળ્યાં હતાં, પરિણામે  વનવગડાની વનસ્પતિ,?ઘાસચારાની લીલોતરીમાં તેજી આવી છે.     

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer