તહેવારો સમયે પણ પગારમાં વિલંબ થતાં અંજારના પ્રાથમિક શિક્ષકો નારાજ

અંજાર, તા. 12 : ઓગસ્ટ માસના પગારમાં પણ વિલંબ થતાં અંજારના પ્રાથમિક શિક્ષકોમાં નારાજગી ફેલાઇ છે. તહેવારના સપરમા દિવસો ઉછીના નાણે ઉાજવવા શિક્ષકો મજબૂર બન્યા છે. તો નવનિયુકત ચેરમેનનું પણ પગાર જેવા પજવતા પ્રશ્ને ઉદાસિન વલણ હોવાની ફરિયાદ ઊઠી છે. કચ્છ જિલ્લામાં એકમાત્ર અંજાર નગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળાઓનું સંચાલન અને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અંજાર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 22 જેટલી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાસહાયકો મળીને 200 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. દર માસે આ શિક્ષકોના પગાર બાબતમાં કોઇને કોઇ કારણે વિલંબ થવા પામી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પગાર ચૂકવણીમાં વિલંબ કરવાની તમામ હદ પાર કરી ચૂકેલી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કર્મચારીઓના નિયમિત પગાર ચૂકવણી જેવા અગત્યના કામ બાબતે કશી જ જવાબદારી રહી હોય તેવું જણાતું નથી. તેમાંય તહેવારોના સમયમાં તો ખાસ કરીને ફિક્સ પગારના કર્મચારીઓને ખર્ચને પહોંચી  વળવા પગારની ખાસ જરૂરત હોય છે. સાતમ-આઠમના તહેવારો નજીકમાં આવ્યા હોવા છતાં હજુ સુધી શિક્ષકોનો પગાર ન ચૂકવાતાં તહેવારના સપરમા દિવસોમાં જ શિક્ષકોએ ખર્ચને પહોંચી વળવા માટે અન્ય પાસે હાથ લંબાવવાનો વારો આવ્યો હોવાથી તેમને લોનના હપ્તા સમયસર કપાત ન થાય તો ભરવી પડતી પેનલ્ટીને કારણે પગાર બાબતની અનિયમિતતા બાબતે શિક્ષક આલમમાં સ્પષ્ટ નારાજગી ફેલાઇ છે. વળી, અગત્યની બાબત તો એ છે કે, સરકાર તરફથી ગ્રાન્ટમેમો સમયસર આવી જવા છતાં અત્રેની સ્થાનિક કક્ષાએથી પગાર ચૂકવણાની પ્રોસેસ શા માટે નિયમિત થતી નથી તે પણ એક પ્રશ્ન છે. તો અગત્યની વાત તો એ છે કે, સરકારી આદેશો અને પરિપત્રમાં સહી કરવા માટે ઓફિસના કર્મચારીઓને ભુજ સુધી ધક્કા ખવરાવતા અંજાર નગર શિક્ષણ સમિતિના ઇન્ચાર્જ શાસનાધિકારી કાયમ ડી.ઇ.ઓ. કચેરીમાં જ બિરાજમાન હોવા છતાં શિક્ષકોના પગાર બાબતની ત્યાંની કચેરીની પ્રોસેસ પણ પૂર્ણ કરાવી શકતા નથી. તાજેતરમાં  જ અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી બોડી અસ્તિત્વમાં આવી છે ત્યારે નવનિયુકત ચેરમેનએ પણ શિક્ષકોના સૌથી અગત્યના અને પાયાના પગાર વિષયક બાબતમાં ગંભીરતા દાખવવી જોઇએ. પણ એમ કંઇ જ ન થતાં તેમણે આ બાબતે કોઇ જ ગંભીરતા લીધી હોય તેવું જાણવા મળેલું નથી. પરિણામે નવી શિક્ષણ સમિતિ પાસેથી આશા અને અપેક્ષા રાખી બેસેલા શિક્ષકોમાં પણ નારાજગી જન્મી છે.     

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer