ભુજમાં વિદ્યાર્થી પરિષદ માટે કામ કરવા મુદ્દે યુવાન પર હુમલો
ભુજ, તા. 12 : શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થા માટે કામ કરવાના મુદે થયેલી તકરારમાં લોખંડના પાઇપ અને ધોકા સહિતના હથિયારો વડે હુમલો કરાતાં મૂળ ભુજપુર (મુંદરા)ના અને હાલે ભુજમાં રહેતા હરિ મહેન્દ્રભાઇ ગઢવી નામના યુવાનને ઇજાઓ થઇ હતી. આ મામલે છ જણ સામે મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો છે.  શહેરની ભાગોળે મિરજાપર ધોરીમાર્ગ ઉપર જે.બી. ઠકકર કોમર્સ કોલેજ સામે ગઇકાલે બપોરે દોઢેક વાગ્યાના સુમારે હુમલાનો આ બનાવ બન્યો હતો. ભોગ બનનારા હરિ ગઢવીને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. તેણે આ મામલે રણજિત સોઢા, કુલદીપ સોઢા, મહાવીર સોઢા, ભૂપત સોઢા, વિક્રમ સોઢા અને કરણ ચુડાસમા સામે ફરિયાદ લખાવી હતી.  બનાવ બાબતે ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકે મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં લખાવાયા મુજબ તું એ.બી.વી.પી. માટે કેમ કામ કરે છે તેમ કહી તકરાર કરીને આરોપીઓએ આ હુમલો કર્યો હતો.