ગ્રામોત્થાનમાં મોખરે અને પુસ્તક પ્રકાશનમાંયે સદી

ગ્રામોત્થાનમાં મોખરે અને પુસ્તક પ્રકાશનમાંયે સદી
કીર્તિ ખત્રી  બિનસરકારી સંસ્થાઓની અનેકવિધ પ્રવૃત્તિઓનું શિખર એટલે શ્રૃજન અને વી.આર.ટી.આઇ., કચ્છમાં ઘરોઘર જાણીતું નામ. સદીઓથી પાણીની તીવ્ર અછતનો સામનો કરતા કચ્છની સમગ્રતયા ગ્રામ્ય અને લોકસંસ્કૃતિના જતનના પરિપ્રેક્ષ્યમાં બન્ને સંસ્થાઓની કામગીરીનું મૂલ્યાંકન શબ્દોમાં થઇ શકે તેમ નથી. એક ભાગીરથી, બીજી અલકનંદા અને બન્નેના સંગમે કચ્છમાં સેવા પ્રવૃત્તિની ગંગા વહી રહી છે. ગંગાના ધસમસતા પ્રવાહ આગળ જતાં ફંટાઇને શાખા-પ્રશાખા નદીમાં પલટાય છે તેમ આ સંસ્થાઓ સાથે પણ એની પેટા સંસ્થાઓ-પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં આવી છે. આપણે જાણીએ છીએ તેમ કચ્છને સમર્પિત દંપતી ચંદાબેન શ્રોફ `કાકી' અને કાંતિસેન શ્રોફ `કાકા'ની દેન છે આ બન્ને સંસ્થાઓ.  ગયા વર્ષે 23મી ઓગસ્ટે 83 વર્ષની જૈફ ઉંમરે `કાકી'એ ચિર વિદાય લીધી ત્યાર પછીના ચોથે મહિને `સોયદોરાની ક્રાંતિના પ્રણેતા ચંદાબેન શ્રોફને કચ્છ ક્યારેય નહીં ભૂલે' શીર્ષક હેઠળ આ કટારમાં તેમને સ્મરણાંજલિ આપી હતી. ગામડાંની સ્ત્રી ભરતકામ કરીને સ્વમાનભેર આજીવિકા કમાવી શકે એ માટે નાનાપાયે શરૂ કરેલી પ્રવૃત્તિ કેવી રીતે એક જબ્બર ચળવળમાં પલટાઇ ગઇ તેની અને પાછળથી શ્રૃજનનું વિસ્તૃતીકરણ એલ.એલ.ડી.સી. રૂપે થયું ત્યારે `એલ.એલ.ડી.સી. નહીં દેખા તો કુછ નહીં દેખા' શીર્ષક હેઠળના એક વધુ લેખમાં આપણે વિસ્તૃત રીતે તેની માહિતી આપી હતી. તેથી તેનું પુનરાવર્તન ટાળીને આજે `કાકા' પ્રેરિત માંડવી સ્થિત વી.આર.ટી.આઇ. (વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ)ની અને ખાસ તો તેની સાહિત્ય પ્રવૃત્તિઓની વાત માંડી છે. આ સંસ્થા મૂળભૂત રીતે ગ્રામ વિકાસને વરેલી છે. એના પ્રણેતા કાંતિસેન શ્રોફે 1975માં `એક્સલ ગ્રામ વિકાસ કેન્દ્ર'ની સ્થાપના કરી હતી, જેને 1978માં વિવેકાનંદ રિચર્સ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ નામ અપાયું હતું. માંડવી નજીક 25 એકરના ખેતરમાં ગ્રામ વિકાસ અને સંશોધન ક્ષેત્રે કાંઇ કરી છૂટવાની નેમ સાથે તેના શ્રીગણેશ થયા ત્યારે કોઇએ કલ્પ્યું પણ નહોતું કે થોડા સમયમાં જ આ સંસ્થા કચ્છની પાયારૂપ સમસ્યાઓના ઉકેલ માટેની નવી દિશાઓ ખોલી દેશે. જળસંચય અને કૃષિ સુધારાની પ્રવૃત્તિ નાનાપાયે શરૂ કરીને ઉછરેલો સેવાનો છોડ આજે ચાર દાયકા પછી વટવૃક્ષ બની ચૂક્યો છે. પ્રવૃત્તિઓના પ્રકાર અને વ્યાપ વધ્યા છે. પેટા સંસ્થાઓ પણ જે તે પ્રવૃત્તિ અનુસાર રચાતી ગઇ છે. દા.ત. વિવેકાનંદ ગ્રામોદ્યોગ સોસાયટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ સંશોધન કેન્દ્ર, એગ્રો સેલ સર્વિસ સેન્ટર, વિવેક ગ્રામ પ્રકાશન વિગેરે. આ બધું કચ્છ વિશેનું `કાકા'નું `િવઝન' (દૃષ્ટિ), તેમના જીવન પ્રત્યેના અભિગમ અને વતનપ્રેમ ઉજાગર કરતી પ્રેરણાને આભારી છે. એના લીધે જ તો સંસ્થામાં સ્વ. તુલસીભાઇ ગજરાથી માવજીભાઇ બારૈયા સુધીના સંચાલકો-મોભીઓ અને કાર્યકરોની એક ટીમ ઊભી થઇ છે, જેણે પોતાની સંસ્થાને કચ્છની ગ્રામલક્ષી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓની યાદીમાં સૌથી મોખરે પહોંચાડી દીધી છે. ગ્રામ વિકાસ, ગ્રામ ટેકનોલોજી, ભૂમિજળ સંવર્ધન, જમીન સુધારણા અને સફાઇ સહિતના ક્ષેત્રોમાં અસાધારણ કામગીરીની કદરરૂપે નવ-નવ રાષ્ટ્રીયકક્ષાના પુરસ્કાર-એવોર્ડ મેળવીને વી.આર.ટી.આઇ.એ દેશભરમાં કચ્છનું નામ રોશન કર્યું છે. અહીં શ્રોફ પરિવારના અન્ય ઉદ્યોગપતિ સભ્ય એવા અશ્વિનભાઇ શ્રોફ (મુંબઇ) અને અતુલભાઇ શ્રોફ (વડોદરા)નો ઉલ્લેખે જરૂરી છે. `કાકા'નો બોલ તેઓ પણ હંમેશ માથે  ચડાવીને સેવાના કાર્યમાં જોડાતા રહ્યા છે.  પણ ગ્રામોત્થાનમાં ઓતપ્રોત આ સંસ્થાએ કચ્છી ભાષા સંવર્ધન અને કચ્છી-ગુજરાતી સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે ઊડીને આંખે વળગે તેવું અભિયાન ચલાવીને તો ઐતિહાસિક સીમાચિહ્ન સર્જી દીધું છે. સીમાચિહ્ન એટલા માટે કે આ સંસ્થા કોઇ વ્યાવસાયિક પ્રકાશન ગૃહ નથી તેમ છતાં જાણીતા, ઓછા જાણીતા અને તદ્દન નવોદિત કહી શકાય એવા લેખકોના પુસ્તકોનું પ્રકાશન કરતાં કરતાં સદી ફટકારી દીધી છે. પુસ્તકો અને લેખકોના નામની યાદી પર નજર કરીએ તો કુલ 59 લેખકોમાં કચ્છના 49 અને કચ્છ બહારના 10 સર્જકો છે, જ્યારે વિષયને સંબંધ છે ત્યાં સુધી ગુજરાતી ગદ્ય, પદ્ય અને બાળસાહિત્ય ઉપરાંત આરોગ્ય, ગ્રામોત્થાન, શિક્ષણ, નાટય, વ્યવસ્થાપન અને ઉપદેશાત્મક એમ લગભગ તમામ પ્રકારના વિષયોને આવરી લેવાયા છે. ભાવિ પેઢીના અધ્યયન માટે ભવિષ્યમાં ઉપયોગી નીવડે એવી સામગ્રી દસ્તાવેજીકરણની છે. `કચ્છમિત્ર' જેવા સ્થાનિક અખબારમાં પોતીકા પ્રદેશની સમસ્યાઓ અને એના ઉકેલથી માંડીને ભાતીગળ સંસ્કૃતિ તેમજ લોકજીવનની લાક્ષણિક્તાઓ પેશ કરતી કટારો, અભ્યાસ લેખો અને અગ્રલેખોને સમાવી લેતા 15 પુસ્તક છે, જેમાં આ લખનારના આઠ પુસ્તકોનોયે સમાવેશ થાય છે. કુલ 59 લેખકોમાં કેટલાક જાણીતા નામ છે પણ તેમના પુસ્તકોના પરિચય કે વિસ્તૃત યાદી અત્રે આપવી શક્ય નથી.  આમ છતાં ત્રણેક પ્રકાશન વિશેષ ધ્યાન ખેંચે તેવા છે, જેમાં `પી. ખરસાણીનો વેશ', `બાબલ ગાથા' અને અંગ્રેજીમાં લખાયેલા `કચ્છ, એન અનટોલ્ટ સ્ટોરી ઓફ ઇમરજન્સ આફટર ધી અર્થક્વેક'નો સમાવેશ થાય છે. ગુજરાતી રંગભૂમિના દંતકથા સમા કલાકાર પી. ખરસાણીનું આત્મકથનાત્મક જીવનચરિત્ર નાટય શૈલીમાં એમના પુત્રએ લખ્યું હતું પણ કોઇ પ્રકાશક એને પ્રસિદ્ધ કરવા તૈયાર નહોતા ત્યારે વી.આર.ટી.આઇ.એ એ બીડું ઝડપ્યું અને પાર પાડયું તેની ગુજરાતભરમાં નોંધ લેવાઇ હતી. એ જ રીતે `બાબલ ગાથા' તો એક એવું અજોડ પુસ્તક છે જેમાં જાણીતા લોકકલાકાર અને ઓલિયા બાબુભાઇ રાણપુરા લિખિત લેખ-કાવ્યો પણ સંપાદિત કરાયા છે. કાવ્યો પૈકી કેટલાક તો બાબુભાઇની હયાતીમાં જ લોકગીત તરીકે ગવાતા થઇ ગયા હતા. પણ ઘણાંને ખબર નહોતી કે લેખક બાબુભાઇ છે. એ રીતે જોતાં આ પુસ્તકનું પ્રકાશન વિશેષ ધ્યાન ખેંચે છે. તો અંગ્રેજીમાં કચ્છ વિશે લખાયેલું પુસ્તકે એટલું જ મહત્ત્વનું છે.  વી.આર.ટી.આઇ.ની 1998થી 2017 સુધીની સાહિત્ય સફર પ્રકાશન પૂરતી મર્યાદિત રહી નથી. ખરેખર તો કચ્છી ભાષા સંવર્ધન માટે એના દ્વારા જે પ્રયાસ થઇ રહ્યા છે તેને ધ્યાને લઇએ તો કોઇ પ્રાદેશિક સાહિત્ય પરિષદ કે સાહિત્ય અકાદમી જ આવું વ્યાપક અને ખર્ચાળ કામ કરી શકે. ગુજરાત સરકાર પ્રેરિત કચ્છી અકાદમી સંજોગવસાત નિક્રિય જણાઇ તેવા સમયે કચ્છી ભાષાના 11 પુસ્તકો સંસ્થાએ પ્રગટ કર્યા. એથીયે વધુ ધ્યાન ખેંચે તેવી બાબત `જાણ-સુજાણ' નામે જાણીતી કચ્છી ભાષાના પ્રાથમિક જ્ઞાન વિશેની પરીક્ષાઓનું આયોજન છેવાડાના ગામો સુધી વિસ્તારવાને લગતી છે. આ વ્યાપક આયોજનની જવાબદારી નારાયણ જોશી `કારાયલ' વ્યક્તિગત રીતે સંભાળતા હતા, તેમની પાસેથી લઇને વી.આર.ટી.આઇ.ના કાર્યક્ષેત્રમાં સમાવી લેવામાં ગોરધન પટેલે ભાગ ભજવ્યો. `કવિ'ના નામથી પ્રખ્યાત અને મૂળ તો ડાયરાના કલાકાર એવા ગોરધનભાઇ ખરેખર તો વિવેકગ્રામ પ્રકાશનની દરેક સાહિત્ય પ્રવૃત્તિના આધારસ્તંભ છે. માત્ર પ્રકાશન નહીં, પુસ્તકમેળા હોય કે વર્કશોપ કે પછી સેમિનાર, અરે ગુજરાત સાહિત્ય પરિષદનું 24મું જ્ઞાનસત્ર માંડવીના આંગણે યોજવાનું બીડું ઝડપીને એને સફળતાપૂર્વક પાર પાડવામાંયે તેમનો સિંહફાળો હતો. ખરે જ તેઓ સવાઇ કચ્છી છે અને કાંતિસેન શ્રોફ `કાકા'ની તેમના પર કૃપા એ અર્થમાં છે કે સાહિત્ય, સંગીત કે કળા સાથે સંકળાયેલી કોઇ પણ પ્રવૃત્તિ હાથ ધરવામાં હંમેશ એમને પ્રોત્સાહન અને પરવાનગી આપતા રહે છે.  `કાકા'ના નેતૃત્વની આ જ તો ખૂબી છે. કચ્છની ગ્રામોત્થાન પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વી.આર.ટી.આઇ. પરિવારની સંસ્થાઓમાં જે તે વિષયના નિષ્ણાતો અને સંનિષ્ઠ કાર્યકરોની ફોજ ઊભી થઇ શકી છે તે તેમના જ અભિગમ અને દૃષ્ટિને આભારી છે. સમગ્ર રીતે આપણે કાકા અને સમગ્ર શ્રોફ પરિવારના કચ્છ પ્રત્યેના યોગદાનનો મુદ્દો ચર્ચીએ તો શ્રૃજન, વી.આર.ટી.આઇ. સંલગ્ન સંસ્થાઓ, એલ.એલ.ડી.સી. અને રણ સ્થિત ઉદ્યોગ એગ્રો સેલ દરેક ક્ષેત્રમાં આગવી સૂઝ અને દૃષ્ટિ દેખાશે. કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, અનોખું ગ્રામ્યજીવન, પરંપરાગત ખેતી અને પશુપાલનની લાક્ષણિક્તાઓ-વિશેષતાઓને આંચ ન આવે અને જળવાઇ રહે એ રીતના સામાજિક-સંસ્થાકીય કામોની ઝલક જોવા મળશે. ઉદ્યોગોને સંબંધ છે ત્યાં સુધી ધોરડો નજીક ધમધમતા બ્રોમીન ઉદ્યોગમાં 80 ટકા સ્થાનિક રોજગારી અપાઇ છે એ પણ એક વિક્રમ છે. ધરતીકંપ પછી કચ્છમાં ઔદ્યોગિક હરણફાળ થઇ છતાં સ્થાનિક રોજગારી પૂરતા પ્રમાણમાં મળતી નથી એવી ફરિયાદ આપણે કરીએ છીએ ત્યારે આ દાખલો દીવાદાંડીરૂપ છે. એટલે શ્રોફ પરિવારની સંકલિત દેનનો વિચાર કરીએ તો કચ્છ વિશેની `કાકા'ની આગવી દૃષ્ટિ એમાં ડોકાય છે. આ દૃષ્ટિ તેમણે કચ્છનો ખૂણેખૂણો ખૂંદીને ત્યાં વસતા માણસના દુ:ખ, દર્દ-પીડા પિછાણીને કેળવી છે. ગાંધી અને વિનોબા એમના પ્રેરણાસ્રોત છે. કચ્છમાં ધૂણી ધુખાવીને એમણે જે કાંઇ કર્યું છે, એનો જોટો જડે તેમ નથી. કેટકેટલા એવોર્ડ, પુરસ્કાર એમને મળી ચૂક્યા છે. દર્શક ફાઉન્ડેશન સૌરાષ્ટ્ર લોકમંચ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમને નવાજી ચૂકી છે. તો પ્રખ્યાત અંગ્રેજી મેગેઝિન `વીક'ના મેન ઓફ ધી ઇયર'નું સન્માન પણ મેળવી ચૂક્યા છે. કચ્છના 1998ના વાવાઝોડાં અને 2001ના ભૂકંપ વખતે બિનસરકારી સંસ્થાઓને એક છત્ર નીચે આણીને રાહત-પુન:વસનની કામગીરી હાથ ધરવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.  તેમનું વ્યક્તિત્વ બહુમુખી છે. એક સફળ ઉદ્યોગપતિ, કચ્છના વિકાસના `સ્વપ્નદૃષ્ટા' અને ગ્રામોત્થાનના ભેખધારીની સાથે સાથે એક અચ્છા ચિત્રકાર પણ છે,  એ બહુ ઓછા લોકો જાણે છે. ચિત્રકલાનો એમને બચપણથી શોખ છે અને પર્યાવરણ પણ માનીતો વિષય છે. સ્કાઉટ-ગાઇડ્ઝ કમિશનર તરીકેય નોંધનીય કામગીરી બજાવવા બદલ રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર મેળવ્યો છે. 93 વર્ષની ઉંમરેય `કાકા' મનથી સ્વસ્થ છે અને કચ્છની વર્તમાન સમસ્યાઓના નિરાકરણ અંગે સતત મંથન કરતા રહે છે. આજે સાહિત્ય પ્રકાશનની વી.આર.ટી.આઇ.ની સદીને પોંખવાનો પ્રસંગ ભુજમાં યોજાવાનો છે એમાં `કાકા' હાજર રહેવાના છે એ જ એમની સક્રિયતા સૂચવી જાય છે. શ્રોફ પરિવારે ગ્રામોત્થાન, સ્વમાનભેર મહિલા રોજગારીની સાથે સાથે પરંપરાગત હસ્તકલાના દસ્તાવેજીકરણ અને ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારીના ક્ષેત્રે ઉમદા કામગીરી કરી છે એ બદલ કચ્છ તેમનું ઋણી રહેશે.     કચ્છમિત્ર પરિવારના સર્જકોનો દબદબો  માંડવી સ્થિત વી.આર.ટી.આઈ.ના વિવેકગ્રામ પ્રકાશને ગ્રંથ પ્રકાશન ક્ષેત્રે સદી ફટકારીને એક અનોખું સોપાન સર કર્યું છે. 100મા પુસ્તકના નસીબદાર સર્જક કચ્છના જાણીતા લોકકલાકાર અને અભિયાનના મોભી લાલ રાંભિયા છે. લેખકોનાં નામની યાદી પર નજર કરીએ છીએ તો `કચ્છમિત્ર' પરિવારનો દબદબો ઊડીને આંખે વળગે તેવો છે. કુલ 100 પુસ્તકના 59 લેખક છે. આ પૈકી કચ્છમિત્ર પરિવારના લેખકોનો આંક 38 જેટલો છે. આ એવા સર્જકો છે કે યા તો તેમણે કટાર રૂપે કચ્છના પોતીકા અખબારમાં સતત લખ્યું છે અગર તો પ્રસંગોપાત લેખ લખતા રહ્યા છે. આ ઉપરાંત `કચ્છમિત્ર'ના વડીલબંધુ અખબાર `જન્મભૂમિ' સાથે સંકળાયેલા ત્રણ લેખકોનેય ગણતરીમાં લઈએ તો આ સો પૈકી 74 પુસ્તક કચ્છમિત્ર પરિવારના લેખકોનાં છે. જસુભાઈ સોની, ગુલાબ દેઢિયા, માણેકલાલ પટેલ, લીલાધર ગડા, હરેશ ધોળકિયા, ડો. કાંતિ ગોર, ભારતી ગોર, હસમુખ અબોટી, કીર્તિ ખત્રી, કમલકાંત ભટ્ટ, દલપત દાણીધારિયા, ગોરધન પટેલ, મુક્તા જિતેન્દ્ર ખત્રી, રમેશ છબીલદાસ દવે અને નારાયણ જોશીના બે કે તેથી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. પરિવારના અન્ય સર્જકોમાં કૃષ્ણાબેન મિત્રી, માવજી મહેશ્વરી, કમલ મહેતા, હરિતા પ્રતીક, હરિતા મહેતા, મદનકુમાર અંજારિયા, સંજય ઠાકર, નરેશ અંતાણી, રજનીકુમાર પંડયા, ડો. આદિત્ય ચંદારાણા, એલ.ડી. શાહ, માવજીભાઈ એલ. બારૈયા, પુષ્પા કે. શાહ, બિપિન ધોળકિયા, પ્રા. એસ.કે. ઠક્કર, ડો. પૂજા જોશી, ડો. પલ્લવી શાહ, જયંતી જોશી, લાલજી મેવાડા, નારાયણ જોશી, ધનજી ભાનુશાલી, રવિ પેથાણી, વ્રજ ગજકંધ, લાલ રાંભિયા, રાજેશ બસિયા અને રાજેશ ખંડોલ. કચ્છમિત્ર પરિવાર સિવાયના કચ્છ અને બહારના લેખકોમાં ગોરધન ભેસાણિયા, વિનોદ અમલાણી, વંદિતા રાજ્યુગુરુ દવે, મનસુખલાલ ઉપાધ્યાય, નિષ્ઠા ભાવેશ કેશવાણી, અજિત પરમાર, બકુલ સુગંધિયા, જીનલ સોલંકી, ચંદ્રકાંત નિર્મળ, ડો. દયાળજી ડાભી, શબનમ ખોજા, પ્રફુલ્લ પી. ખરસાણી, બિરેન કોઠારી, હીરાલાલ મહેતા, ભગવાનજીભાઈ સુરાણી, સ્વામી જીતાત્માનંદ, જે.વી. ઝાલા, ગુલાબરાય ડી. સોની, મનસુખ સલ્લા, કિંજલ કૌશિક શાહ, કિશોર જી. કાથરોટિયા, ગઢવી શિવરાજ હરદ્વાર, વિશ્રામ એમ. ગઢવી, વીણા બકુલેશ લિયા, વિષ્ણુ પંડયા, જયેશ ભાનુશાલીનો સમાવેશ થાય છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer