જવાબદાર રાજતંત્રની છેલ્લી લડતનું સાક્ષી : કોડાય

જવાબદાર રાજતંત્રની છેલ્લી લડતનું સાક્ષી : કોડાય
દેવેન્દ્ર વ્યાસ  કચ્છી કહેવતમાંય વણાયેલું છે એવું શિક્ષણ-સાહિત્ય ક્ષેત્રે પંકાયેલું `કચ્છનું કાશી' કોડાય રાજકીય અને સામાજિક જાગૃતિના પરિપેક્ષ્યમાં શિરમોર મનાય છે. દેશમાં કદાચ એકમાત્ર આ ગામે `જ્ઞાન મંદિર' (કિતાબઘર)માં ધર્મસ્થળોના પાટોત્સવે બદલવાવાતી ધજા જેવો મહિમા છે. આ દિને વાજતેગાજતે જ્ઞાન મંદિરે ધ્વજારોહણ કરાય છે. કોડાય જૈન મહાજનની વેબ સાઇટમાં સંવત 1605માં ખેંગારજી પહેલાએ જામ રાવ પાસેથી કાડાય ઝુંટવ્યું હોવાનો ઉલ્લેખ છે. કચ્છમાં જવાબદાર પ્રજાતંત્રની માંગની ચળવળ દરમ્યાન આઠ અધિવેશનો ભરાયા. તેમાં યુસુફ મહેરઅલીના પ્રમુખપદે અંતિમ અધિવેશન કોડાય ખાતે મળ્યું હતું. કચ્છમાં રાજાશાહી સ્થાને લોકતંત્રની લડતમાં આ ગામ મજબૂત નેતૃત્વના પ્રબળ સમર્થનમાં રહ્યું હતું. સાતેક હજારની આબાદી (2011ની ગણતરી પ્રમાણે 6819 જનસખ્યા) ધરાવતા કોડાય (જૂથ ગ્રામ પંચાયત) હેઠળ સૌથી વધુ મતદારો (1200) વિષ્ણુ સમાજના હોવાની માહિતી જૈન મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી અને અગ્રણી અમૂલભાઈ દેઢિયાએ આપી હતી. મદનપુરાનો સમાવેશ થાય છે એવા આ ગામે ત્રીજા ભાગની આબાદી લઘુમતીઓ (1150)ની છે. લેઉવા-કડવા પાટીદારો (900), દલિતો (450), દેવીપૂજક (400), વાદી (150) અને જૈન (150)ની વસતી છે. કચ્છ-ગુજરાત બહાર વસતા હમવતની જૈનોનો આંકડો સાડા ચાર હજારને સ્પર્શતો હોવાનો દાવો કરાયો હતો. કચ્છમાં સૌ પહેલી (આર.આર. લાલન)કોલેજનું માળખું નસીબ કરાવવામાં કોડાયના શ્રેષ્ઠી દાતા રામજી રવજી લાલન યશભાગી રહ્યા હતા. આ શહેરમાં ટેલિફોન એક્સચેન્જ નસીબ થયું તે વેળા મૂળ કોડાયના અને મોટા ગજાના શાહ સોદાગર એવા શેઠ કલ્યાણજી ધનજીના નામે પહેલો ટેલિફોન નોંધાયો હતો. કહેવાય છે કે આ જાજરમાન હસ્તી માટે જે-તે સમયે હોટેલ તાજમાં એક સ્યૂટ કાયમ અનામત રહેતો. ભુજથી મુંબઈ જતાં વિમાનમાં એક બેઠક બુક રહેતી અને જરૂર પડયે તો હવાઈયાત્રા માટે નિર્ધારિત સમયપત્રકમાં થોડી મિનિટો માટે ઈંતજાર કરાતો. આજે પણ કલ્યાણજી ધનજી શાહની જાજરમાન જાહોજલાલીની ઓળખ સમું (કાંઠાવાળા નાકે) `કલ્યાણભવન' ઈમારત ખડી છે. કોડાય પંથક શિક્ષણનું હવે હબ બન્યું છે. ઉચ્ચ શિક્ષણ અર્થે વિરાયતન અને સ્વામિનારાયણ ગુરુકુળ કોડાયની ભૂગોળમાં છે. કોડાયમાં ગામની ઉચ્ચ પ્રા. શાળા ઉપરાંત દાતણિયાવાસ, સુલતાનનગર, મદનપુરા, બે વાડી વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ સુલભ છે. સારસ્વતમ્ સંચાલિત અને જૈન મહાજન પુરસ્કૃત હાઈસ્કૂલમાં ધો. 9થી 12 સુધીના માધ્યમિક શિક્ષણની સુવિધા છે. વીજતંત્રનું સબડિવિઝન છે. ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ સૌ પહેલી ઈલેક્ટ્રીસિટી લાઈનો આ ગામે ખેંચાઈ હોવાનો દાવો છે. ગ્રામ પંચાયત ઘર છે. ગીર ગાયો (265)ની ગૌશાળા છે. અન્નક્ષેત્ર છે. પચાસ પૈસે લિટર (રાહતભાવે) ફિલ્ટર થયેલું પાણી વિતરણ કરાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ધર્મભક્તિ પ્રેમ સુબોધસુરિ આરાધના ભવન ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે. આ જૈન ટ્રસ્ટ સંચાલનમાં પશુઓ માટે હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ (રૂા. 8 લાખ) અને સાંસદની વિકાસ ગ્રાન્ટ (રૂા. 10 લાખ)માંથી રોગીઓ માટે એમ્બ્યુલન્સ સેવા છે. ઈન્દિરા ગાંધી ઉપરાંત નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, આનંદીબેન પટેલ જેવી રાજકીય પ્રતિભાઓ, પૂ. મોરારિબાપુ જેવા સંતવર્યએ આ ધરતી ઉપર પગલાં પાડયાં છે. લૂંટારાઓની ધાડ સામે રણચંડી બનીને ગામને બચાવી લેનાર વિરાંગના મનાતા ચાંપઈ પટલાણી (જૈન) આ ધીંગી ધરતી ઉપર પાક્યા હતા. આ સન્નારીએ જે-તે વેળાએ જિનાલયનો સ્વખર્ચે જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાની માહિતી અમૂલ દેઢિયાએ આપી હતી. કોડાયના જ્ઞાન મંદિરમાં દિગંબર સંપ્રદાયની અલભ્ય અને દેશમાં એકમાત્ર હસ્તપ્રત આ લખનારે દોઢેક દાયકા અગાઉની મુલાકાત દરમ્યાન નિહાળી હતી. જૈન મુનિવર આચાર્ય પૂ. જંબુવિજયજી મ.સા.એ ઉક્ત હસ્તપ્રત (પુસ્તક)ને છ સદીઓ પુરાણી કહી હતી. સીમા વિસ્તારમાં (કોડાયપુલ) પ્રસિદ્ધ બૌંતેર જિનાલય ઉપરાંત તાજેતરમાં જેની 151મી ઉજવણી સંપન્ન થઈ તે દેરાસર સમેત મહાવીરસ્વામી દેરાસર, અનંતનાથ દેરાસર, ભક્તિ પાર્શ્વનાથ દેરાસર એમ ત્રણ જિનાલયો, બે મસ્જિદો, નદી કિનારે આવેલું પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ મંદિર, ઠાકર મંદિર, મદનપુરામાં લક્ષ્મીનારાયણ મંદિર, ગામ અને પુલ વચ્ચે નિર્માણ પામેલા સ્વામિનારાયણ મંદિર મળીને 103 જેટલાં ધર્મસ્થાનો આવેલાં છે. ગામડાઓમાં ઘરોઘર નળ યોજના  પહેલી આ ગામે કાર્યરત કરાઇ હોવાનું કહેવાય છે. ગટર યોજના છે. ગામને બન્ને તરફ જોડતા ડામર રસ્તા દ્વિમાર્ગી છે. અડધો અડધ ગ્રામ વિસ્તારસી.સી. રોડથી આવરી લેવાયો છે. અડધો ડઝન જેટલી આંગણવાડીઓ છે. રુકમાવતીના ખોળે આવેલા આ ગામે નદી પટમાં અડધો ડઝન ચેક ડેમો છે. નદી પટમાં હયાત ચાર બોર મારફતે પાણી વિતરણ થાય છે. રમતગમતનું મેદાન છે. કોડાયની બાંધણીઓ વખણાય છે. હજારોની કિંમત વાળી મોંઘી બાંધણી માટે આ ગામ મશહૂર મનાય છે. ગામના પેડા, ભજિયા, ચકલા-વેલણ વખણાય છે એવું ઉપભોકતાઓમાંથી જાણવા મળ્યું હતું. રાજકીય રીતે બોલકાં આ ગામના નામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો (પ્રતિનિધિત્વ) છે. રાજકીય પરિપેક્ષ્યમાં આ પંથકની તાસીર મહદઅંશે કોંગ્રેસ વિરોધી રહી છે. ભલભલા ચમરબંધીની રાજકીય ગણતરીઓ ઊંધી પાડી છે તેવી કુટિલતા આ ધરતીની નાડમાં છે. કોંગ્રેસ પક્ષે સામાન્ય ચૂંટણી વેળાએ તાલુકા પંચાયતમાં બહુમતિ હસ્તગત કર્યા પછી પણ સમિતિઓની રચના વખતે કારોબારી સમિતિ ભાજપાએ અંકે કરીને સમીકરણો બદલાવી દીધા હોવાનો ઇતિહાસ તાજો છે. કમળની પાંખડીએ રંગાયેલા મનાતા આ તાલુકાની તા.પંચાયતમાં પ્રમુખપદે કોંગ્રેસી મહિલા છે જ્યારે કારોબારી સમિતિના ચેરમેન પદે કોડાયની બેઠક ઉપરથી ચૂંટાયેલા ભાજપી રાણશી (રાજેશ) ગઢવી આસાનીથી ચૂંટાઇ આવ્યા બાદ સામાજિક ન્યાય સમિતિ ગઠનમાં ભગવો લહેરાયો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ (કોડાય પુલ) અને રાજ્ય ધોરીમાર્ગના ત્રિભેટે વિકસતો કોડાય વિસ્તાર ખાણી-પીણી અને વ્યાપાર ધંધા, નાસ્તાગૃહોના વ્યવસાયમાં ત્રણેય દિશાએ વિસ્તરી રહ્યો છે. ગામની માળખાગત અપૂર્વ વિકાસ યાત્રામાં પૂ. વિદ્યાસાગરચંદ્રજી મ.સા.ના આર્શીવાદ અને નેત્રદીપક યોગદાન બદલ અહેવાલ પ્રદર્શિત કરાયો હતો.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer