બિબ્બરની દક્ષિણે `જાબરી'' જળસંગ્રહ માટે જબરો

બિબ્બરની દક્ષિણે `જાબરી'' જળસંગ્રહ માટે જબરો
બાબુ માતંગ દ્વારા  નિરોણા (તા. નખત્રાણા), તા. 12 : પાવરપટ્ટીની દક્ષિણે રુદ્રમાતાથી માંડી પશ્ચિમે ઠેઠ ધીણોધર ડુંગર સુધી પથરાયેલી પર્વતીય હારમાળા વરસાદી જળસંગ્રહ માટે ખૂબ અનુકૂળ છે. સિંચાઈ વિભાગ આ કુદરતી પરિસ્થિતિને નિહાળી કાયલા, નિરોણા, ભૂખી સિંચાઈ યોજનાના ડેમો વર્ષો અગાઉ નિર્માણ કરેલા છે. એ સિવાય અન્ય નાના-નાના આડબંધ બાંધી વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પંથકના બિબ્બર ગામની દક્ષિણ-પશ્ચિમે આવેલા પહાડી પ્રદેશનો `જાબરી' તરીકે ઓળખાતો વિસ્તાર જળસંગ્રહ માટે કુદરતી રીતે ભારે અનુકૂળ હોઈ અહીં આડબંધ બાંધવામાં આવે તો અહીંથી નીકળતી નદી દ્વારા સર્જાતી પારાવાર નુકસાની નિવારી સિંચાઈની સવલત ઊભી કરી શકાય છે તેવું અનુભવી જાણકારો અને જાગૃતો કહે છે. આ પંથકના બિબ્બર ગામથી દક્ષિણે પથરાયેલા પર્વતીય પ્રદેશમાંથી ચોમાસા દરમ્યાન ભારે માત્રામાં વરસાદી પાણી વહી નીકળે છે, એ ડુંગરો ગામની લગોલગ આવેલા હોવાથી વરસાદ વરસતાંની સાથે જ ગામના પાદરમાંથી નીકળતી નદી જોશભેર વહી નીકળે છે. ચાલુ ચોમાસામાં આ નદી બેથી ત્રણ વાર ભારે પૂર સાથે વહી ઉત્તરે આવેલા કાંઠાળ પ્રદેશના ખેતરો વચ્ચેથી નીકળી આગળ મોટા રણ  પ્રદેશમાં સમાય છે. જેથી દર વર્ષે આ નદીના વહેણની વચ્ચે કે આસપાસ આવતા ખેતરોમાં ભારે ધોવાણ કરે છે, તો વળી શરૂઆતના ખેતરોમાંથી કાંપ અને માટી ભારે પ્રવાહ સાથે ખેંચી રણ પ્રદેશને અડીને આવેલા ખેતરોમાં પાથરતાં તેનું રેટાણ કરતાં દર વર્ષે ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે. દર વર્ષે ઊભી રહેતી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નદીના ઉપરવાસમાં જાબરી તરીકે ઓળખાતા વિસ્તારમાં આડબંધ બાંધવું અતિ જરૂરી બન્યું છે. આજથી ચારેક દાયકા અગાઉ સિંચાઈ યોજના દ્વારા આડબંધ નિર્માણ માટે સર્વે પણ કરવામાં આવ્યો હતો પરંતુ યેનકેન પ્રકારે આ કામગીરી ટલ્લે ચડી છે. ગામના યુવા સરપંચ હમીરજી મમુજી જાડેજા તેમજ ઉપસરપંચ સુરતાજી જાડેજાના કહેવા પ્રમાણે અહીં ડેમ નિર્માણ માટે વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે ગ્રામ પંચાયત સર્વ રીતે સહયોગ આપવા તૈયાર છે તેવું તેમણે જણાવ્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer