એક મતથી શું ફેર પડશે એ માનસિકતા ખોટી

એક મતથી શું ફેર પડશે એ માનસિકતા ખોટી
ભુજ, તા. 12 : સામાન્ય માણસ ચૂંટણીકાર્ડ બનાવવા જાય ત્યારે સાચી વિગતો આપવા છતાં મતદારકાર્ડમાં ખોટી વિગતો કેમ છપાય છે ? મતદાન ફરજિયાત કરાવી શકાય ? ભવિષ્યમાં આધારકાર્ડ સાથે મતદાર ઓળખકાર્ડનું જોડાણ કરાશે? આ બધા પ્રશ્નો ભારતના 15થી 17 વર્ષના યુવાઓ કે જેઓ ભાવિ મતદારો છે તેમણે કર્યા હતા.  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ રેમ્યા મોહન દ્વારા માનકૂવા કેળવણી મંડળ સંચાલિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાને પસંદ કરીને `યુવા અને ભાવિ મતદારોનું સશક્તિકરણ' એ વિષયે ભાવિ મતદારો ચૂંટણી પ્રક્રિયા સમજે તે હેતુથી ધો.9 થી 12માં ભણતા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ યોજી ચૂંટણી સંબંધી જાણકારી આપી હતી. ચૂંટણીપંચ દ્વારા શરૂ કરવામાં આવેલા `ઇન્ટરેક્ટિવ  સ્કૂલ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ' અંતર્ગત કાર્યક્રમનો એમ.કે.એમ.એસ. હાઇસ્કૂલ માનકૂવામાં દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. કલેક્ટરે ભાવિ મતદારોને સંબોધતાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દેશમાં એવી માનસિકતા પ્રવર્તે છે કે ચૂંટણી આવશે અને જશે, આપણે ભાગ લઇએ કે ન લઇએ શું ફરક પડે છે, તેવી માનસિકતા ખોટી છે. એક-એક બુંદથી દરિયો બને છે  તેવી રીતે એક-એક મતનો ખૂબ મોટો ફાળો હોય છે. તેમણે વીવીપેટ બાબતે તેમજમોટાપાયે ચૂંટણી સંબંધી કામગીરીમાં ડેટા એન્ટ્રીઓ સહિત કામોમાં તકેદારી રાખવા છતાં મતદારયાદીમાં રહી જતી ભૂલોની સુધારણા સહિતના કાર્યો માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમની વિગતે જાણકારી આપી હતી.  જિલ્લા કલેક્ટરે મતદાર પાસે ચૂંટણીકાર્ડ હોય તે સાથે મતદારયાદીમાં નામ હોવું એટલું જ આવશ્યજક છે તે બાબતે ખાસ સચેત કરવા સાથે કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવતાં યુવા મતદારોને નિબંધ સ્પર્ધા સહિતની સ્પર્ધા, પ્રશ્નોત્તરી કાર્યક્રમ યોજવા  અનુરોધ કર્યો હતો.  નાયબ ચૂંટણી અધિકારી આર.એમ. જાલંધરાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તેમજ  યુવા મતદારોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. બાળકોને ચૂંટણીપંચની એક ફિલ્મ બતાવવામાં આવી હતી.  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.આર. જરગેલા, માનકૂવા કેળવણી મંડળના પ્રમુખ મહોબ્બતાસિંહ સોઢા, મંત્રી નીતિનભાઈ દબાસિયા, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ હીરાણી, ખજાનચી શિવજીભાઈ વરસાણી, સભ્ય હીરાભાઈ ચાવડા તેમજ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ તેજસ પાઠક, ચૂંટણી શાખાના નાયબ મામલતદાર પી.જી. સોલંકી, અમીનભાઈ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખ મહોબ્બતાસિંહે  સ્વાગત  કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના તૃપ્તિબેને જ્યારે આભારદર્શન શિક્ષણ વિભાગના કિશોરભાઈ સોનીએ કર્યું હતું.    

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer