શરીરને ખોરાકની અને આત્માને સાધનાની જરૂર
શરીરને ખોરાકની અને આત્માને સાધનાની જરૂર કલ્યાણપર (તા. નખત્રાણા), તા. 12 : નિષ્કલંકી નારાયણ મંદિર, ઉમિયા માતાજી મંદિર અને વેદ મંદિરની પ્રતિષ્ઠા સાથે અહીં ત્રણ દિવસનો ત્રિદેવ મંદિર મહોત્સવ સંપન્ન થયો હતો. વૃક્ષારોપણ, બાઇકરેલી, શોભાયાત્રા, સંતોના સામૈયા, સંતસભા, નિયાણીઓનું સન્માન, દાતાઓનું સન્માન,  સામાજિક આગેવાનોનું સન્માન, મંદિર નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહોત્સવ સમાપન પૂર્વે જનાર્દનજી મહારાજના હસ્તે વૈદિક મંત્રો સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની જ્યોત જલાવવામાં આવી હતી. સતપંથાચાર્ય નાનકદાસજી મહારાજની ઉપસ્થિતિમાં દાતાઓ દ્વારા વિવિધ પૂજન કરવામાં આવ્યા હતા. આ ત્રણ દિવસીય મહોત્સવમાં દાતાઓનું બહુમૂલ્ય યોગદાન રહ્યું હતું. મહોત્સવને કંડારવા, કલ્યાણપર સતપંથ સનાતન સમાજના પ્રમુખ દાનાભાઇ ભાણજી ગોરાણી,  રતિલાલભાઇ ગોરાણી, લહેશકુમાર ભગત, અર્જુનભાઇ માકાણી, પ્રવીણભાઇ ગોરાણી,  યુવક મંડળના પ્રમુખ કિશોર મનજી ગોરાણી, મહામંત્રી લહેશભાઇ, મહિલા મંડળ પ્રમુખ મોંઘીબેન ભગત, મંત્રી કસ્તૂરબેન શાંતિલાલ ગોરાણી તેમજ વિવિધ સમિતિઓએ સહયોગ આપ્યો હતો. સંતોએ જણાવ્યું કે, સતપંથ-સનાતન સમાજનો દરેક વ્યકિત ધર્મચૂસ્ત હોવો જોઇએ. ભકિત આત્માની ઓળખ ઊભી કરે?છે. શરીરને જેટલા ખોરાકની જરૂર પડે છે તેટલી જ જરૂર આત્માને પૂજા-અર્ચના, સાધનાની પડે છે.?ઘરને મંદિર બનાવજો, આપોઆપ તમારું કલ્યાણ થઇ જશે. સદ્ગુરુનું સ્મરણ મનુષ્યને ભવ પાર ઉતારે છે. દાતાઓ અને યજમાન પરિવાર હસ્તે મંદિરમાં દેવોની સ્થાપના અને ધ્વજારોહણ સાથે મંદિરના દ્વારા ખુલ્લા મુકાયા હતા. કલ્યાણપર ગામનું નિષ્કલંકી નારાયણ મંદિર એક જ એવું છે જ્યાં વેદનારાયણની સ્થાપના કરવામાં આવી હોય. સંચાલન ખેડબ્રહ્મા જ્યોતિ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ સુરેશભાઇ, લહેશભાઇ અને રતિલાલભાઇએ કર્યું હતું.