`પરિણામની ચિંતા વગર સતત તનતોડ મહેનત કરો''

`પરિણામની ચિંતા વગર સતત તનતોડ મહેનત કરો''
 ભુજ, તા. 12 : `જે હારવા તૈયાર હોય તેને કોઇ હરાવી શકતો નથી....' તેવા સૂત્ર સાથે ભયમુક્ત રહેવા અને `કશુંયે વ્યર્થ જતું નથી' તેમ ફળની અપેક્ષા વિના સતત - સખત, તનતોડ મહેનત કરવાની શીખ આજે ભુજવાસીઓને ઝરમર વરસાદ વચ્ચે ઉભરાતા ટાઉનહોલમાં જાણીતા વક્તા સંજયભાઇ રાવલે આપી હતી. આજની શિક્ષણ વ્યવસ્થા પર ચાબખા મારતાં અને ગીતાના કર્મના સિદ્ધાંતને આધાર બનાવી બોલતાં સંજયભાઇએ જણાવ્યું હતું કે, શાળામાંથી જીમ અને લાયબ્રેરીને દૂર કરીને બાળકોનો સત્યનાશ કરાયો છે. તો પાંચ હજાર વર્ષ જૂની ભારતની ગુરુકુળ પરંપરાને જીવંત કરવાનું પણઆહ્વાન કર્યું હતું. ભારત વિકાસ પરિષદ અને હાટકેશ જમાવટ?ગ્રુપ તથા નાગરબંધુ ગ્રુપ દ્વારા આયોજિત ભયમુક્ત જીવન અને હકારાત્મક વિચારસરણી વિષય પર યોજાયેલા પ્રવચનમાં શ્રી રાવલે જણાવ્યું હતું કે, આજના યુવાનો દિશાવિહીન છે. તેઓને જીવનનો હેતુ જ ખબર નથી. એક વખત ધ્યેય નક્કી કરી સખત, તનતોડ મહેનત કરો. ઇશ્વર શક્તિ બધા માટે સરખી જ કામ કરે છે. આપણે ડરપોક છીએ એટલે સાહસ કરી શકતા નથી. સાહસ કરો, ઇશ્વર મદદ કરશે જ. કરેલું કોઇ દિ' વ્યર્થ જતું નથી. યોગ્ય સમયે ફળ મળે જ અને જે થાય તે આ માટે જ થાય છે, તેમ ઇશ્વરમાં શ્રદ્ધા રાખવા શીખ આપી હતી. સફળતાનું રહસ્ય સમજાવતાં જણાવ્યું કે, જે વાવશો તે વીસગણું - પચાસગણું ઇશ્વર તમને યોગ્ય સમયે આપશે જ. કુટુંબભાવના પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે, `જે ઘરનો ના થાય તે કોઇનો ના થાય' માટે સંગઠિત રહો. રોજ માતા-પિતાને પગે લાગો. જે સંબંધો સાચા હોય તેને સાચવવા નથી પડતા અને સાચવવા પડે તે સંબંધો સાચા નથી હોતા તેવી માર્મિક ટકોર પણ કરી હતી. શ્રોતાઓથી ઉભરાતા ટાઉનહોલ બહાર પણ?મોટી એલઇડી ક્રીન અને બેઠક વ્યવસ્થા રખાઇ હતી. આ પ્રવચન વચ્ચે ઝરમર વરસાદ પડતાં અનેક લોકો અંદર આવી જતાં વક્તાએ ઘણા જણને સ્ટેજ પર જ બેસાડયા હતા. ભુજવાસીઓના પ્રેમને બિરદાવી વધુ કાર્યક્રમો માટે તૈયારી દર્શાવી હતી. આ પૂર્વે શરૂમાં ત્રણે સંસ્થાઓના જયદીપભાઇ ગોહિલ, નિશિથ ધોળકિયા, ભૌમિક વચ્છરાજાની, નવીનભાઇ વ્યાસ વિગેરેએ સંજયભાઇનું સ્વાગત કર્યું હતું. ત્રણે સંસ્થાના હોદ્દેદારો તથા જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલ, `ભાડા'ના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, નગરપાલિકાના કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા મંચસ્થ રહ્યા હતા. જ્યારે આજના આયોજનમાં નાગરબંધુઓ ઉપરાંત ભારત વિકાસ પરિષદના દીપકભાઇ ચૌહાણ, રમેશભાઇ દરજી વિગેરે જોડાયા હતા.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer