કચ્છમાં ત્રણ જણના થયા અકાળ મોત

ગાંધીધામ, તા. 12 : જિલ્લામાં આપઘાત અકસ્માત મોતના ત્રણ બનાવમાં યુવાન અને આધેડ તથા વૃદ્ધનાં મોત નીપજ્યાં હતાં. ભુજમાં દવાના વેપારી યુવાન ચેતન ધનજી કોટક (ઉ.વ. 33)એ તળાવમાં જંપલાવી આપઘાત કરતાં ચકચાર પ્રસરી છે. અંજારમાં ઝેરી દવા ગટગટાવી જનારા વૃદ્ધ માધવલાલ રતનલાલ ભાટિયા (ઉ.વ. 60)એ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. તો અંજાર તાલુકાના વરસામેડી પાસે પડી જવાથી આધેડ ભંવરલાલ સાંવતરામ ચૌધરી (ઉ.વ. 47)નું મોત નીપજ્યું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર દવાની દુકાન ધરાવતા વેપારી યુવક ચેતને બપોરના અરસામાં ભુજ માંડવી ધોરીમાર્ગ પર આવેલા ખત્રી તળાવમાં જંપલાવી જિંદગીનો અંત આણ્યો હતો. મળતી વિગતો મુજબ બપોરના અરસામાં હતભાગી યુવાનને ડો. દેવેન્દ્ર પરમારે મેસેજ કર્યો હતો. બાદમાં ડો. પરમારે ફોન કરતાં અન્ય વ્યક્તિએ ફોન ઉપાડી અને તળાવે આવી જવા કહ્યું હતું. તબીબ ખત્રી તળાવ પહોંચતાં જ હતભાગીના બૂટ, મોબાઈલ, પાકીટ તળાવ પાસે પડેલા જણાયા હતા. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરાતાં સાંજે 5.30 વાગ્યાના અરસામાં તેની લાશ તળાવમાંથી કાઢવામાં આવી હતી. દવાના વેપારીના આત્મઘાતના બનાવ પછવાડેનું ચોક્કસ કારણ બહાર નથી આવ્યું પરંતુ બનાવના પગલે ભારે ચકચાર પ્રસરી છે. હતભાગી યુવાને આપઘાત કરતાં પૂર્વે વોટ્સએપ ગ્રુપમાં હું જાઉં છું, તેવો મેસેજ વહેતો કર્યો હતો. અંજારના વિજયનગર વિસ્તારમાં રહેતા હતભાગી વૃદ્ધ માધવલાલ ભાટિયાએ અગમ્ય કારણોસર ગત તા. 2/8ના ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતાં આજે બપોરે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત મોતનો ત્રીજો બનાવ અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલા શાંતિધામ વિસ્તારમાં ગત રાત્રિના બન્યો હતો. આધેડ ભંવરલાલ રાત્રિના 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં અકસ્માતે પડી જતાં તત્કાળ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer