જીવલેણ બનાવો બન્યા છતાંયે માંડવીમાં રખડતા ઢોરોનો ત્રાસ કાયમ રહેતાં હાલાકી
જીવલેણ બનાવો બન્યા છતાંયે માંડવીમાં રખડતા ઢોરોનો ત્રાસ કાયમ રહેતાં હાલાકી માંડવી, તા. 12 : શહેરના જાહેર માર્ગો ઉપર અડિંગો માંડીને જીવન સામે ઝંઝાવાત રૂપ સાબિત થયેલા હરાયા પશુઓ, ગૌવંશ-ગોધાઓના ત્રાસમાંથી મુક્ત કરાવવાની માંગ પ્રબળ બની છે. સલામતી માટે ફફડતા વયસ્કો, વૃદ્ધો માટે લાકડીના ટેકે સાંજ-સવાર ખુલ્લી હવામાં ટહેલવાનો પડકાર તંત્રોના બહેરા કાને નહીં સંભળાતો હોવાનો બળાપો સંભળાયો છે. તાજેતરમાં નિવૃત્ત શિક્ષિકાના શહેરના હાર્દ વિસ્તારમાં મરણને શરણ થવા માટે ગૌવંશ નિમિત્ત બન્યો હોવાની દુર્ઘટના તાજી છે. છેલ્લા કેટલાક સમયથી ભુજ ઓકટ્રોયથી શીતલા માતાજીના મંદિરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ (નલિયા રોડ) ઉપર ત્રાસદાયક રીતે ગૌવંશોનું સામ્રાજ્ય વાહનચાલકો, રાહદારીઓની યાતાયાત માટે અસહ્ય સમસ્યા સર્જી રહ્યું છે. અવાંતરે જીવલેણ સહિતના અકસ્માતો, અસ્થિભંગ સહિતની ઇજાઓ છતાં ધોરીધરાર પશુઓને મોકળું મેદાન અપાતું રહ્યું છે. આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં જીવદયાપ્રેમીઓ દ્વારા કરાતા નીરણનું સ્થાનાંતર કરવા તરફ કોઇ પગલાં નહીં લેવાતા હોવાનો આરોપ સક્ષમ તંત્રો ઉપર કરાયો છે. નવા નાકાથી સોનાવાળા નાકા, સરકારી હોસ્પિટલ, બાગ બગીચા, સ્નાનઘાટ, તળાવગેટ, વિન્ડફાર્મ રસ્તો ગૌવંશોના સમરાંગણ સમો સાબિત થયો હોવા છતાં મુક્તિની કોઇ આશા કે પગલાં ક્ષિતિજોની બહાર હોવાનો બળાપો વૃદ્ધો, લાચારોએ કાઢયો હતો. શહેરના આંતરિક રસ્તાઓ ઉપર ધોરીધરાર ડરામણા આખલાઓ યુદ્ધે ચડતા હોવાના દ્રશ્યો હવે સાહજિક બન્યાં છે. તાજેતરમાં એસ.કે.આર.એમ. અંગ્રેજી સ્કૂલના નિવૃત્ત મહિલા (શિક્ષિકા)ના મોતની ઘટના તાજી છે. શાળા છૂટતાં ભૂલકાંઓ, છાત્રોને ત્રાહિમામ કરાવે છે. પેસેન્જર વાહનચાલકોએ લાચાર થઇ અટકી જવું પડતું હોવાથી સાંકડા રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ સર્જાતો રહે છે. બોલકા પ્રજાપ્રતિનિધિઓ વેળાસર વહારે આવીને નગરજનોને ઉગારે તેવી માંગ ઊઠી છે.