સુખપરમાં પ્રા. આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ

સુખપરમાં પ્રા. આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ
ભુજ, તા. 12 : ગુજરાત સરકાર દ્વારા તમામ નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર તાત્કાલિક અસરથી સરળતાથી ઉપલબ્ધ મળી રહે તે માટે અનેક પ્રયાસો કરી લોકોના આરોગ્યની ચિંતા  થઇ છે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રાથમિક આરોગ્ય સેવાનો પ્રારંભ થયો છે. એવી જ રીતે ભુજ તાલુકા સુખપરના લોકોની માગણી અને લાગણી ધ્યાને લઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાયું છે અને જે અનુસંધાને ફક્ત કાગળ પર નહિં પરંતુ તેનો તાત્કાલિક અમલ થાય તે માટે મંજૂર થયાના 15 દિવસમાં સ્થાનિક પંચાયત અને જિલ્લા-તાલુકાના આરોગ્ય અધિકારીઓના પ્રયાસથી પ્રારંભ થયો હતો. નવું આરોગ્ય સેન્ટર બિલ્ડિંગ બનતાં સમય લાગે તેમ હોઇ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી અન્ય આરોગ્ય વિભાગના આરોગ્ય સબ સેન્ટરના મકાનમાં પી.એચ.સી. શરૂ કરવાની સૂચના અપાતાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત થઇ હતી. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ડોકટર તરીકે અમિન આરોરા તથા અન્ય પી.એચ.સી. કોડકીના કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. આ સબ સેન્ટરની આગળ રસ્તા તેમજ પાણી, લાઇટ જેવી તમામ પ્રાથમિક જરૂરિયાત માટે સુખપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ મનજીભાઇ ગોરસિયા તેમજ તેમની પંચાયતની ટીમ દ્વારા સેવા અપાઇ છે. સુખપર સ્વામિનારાયણ મંદિરના સાંખ્યાયોગી બહેનોએ ભગવાનની મૂર્તિ સાથે શરૂઆત કરાવી હતી. માજી સરપંચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગામલોકોને ઉપયોગિતા વિશે માહિતગાર કરી વધુને વધુ લોકો આ સેવાનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો. ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તમામ સભ્યો તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ભુજ તાલુકાના પ્રમુખ લાલજી વાઘાણી તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer