જી.કે.માં દર્દીઓનો ધસારો સર્વાધિક
જી.કે.માં દર્દીઓનો ધસારો સર્વાધિક ભુજ, તા. 12 : વાતાવરણ પ્રતિકૂળતાને લીધે જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી સર્વાધિક થઈ ગયો છે. રોજના 1200 જેટલા દર્દી ઓપીડીમાં હોય છે, તો 350થી ઉપર દાખલ છે તેમની શાંતિથી શુશ્રૂષા કરતા સ્ટાફની કામગીરીને આજે ખાસ કાર્યક્રમ યોજી બિરદાવાઈ હતી. ગેઈમ્સના ડાયરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવે હાલની કામગીરીને 50 ટકા ગણાવીને આવનારા સમયમાં પાણીજન્ય રોગો ઝાડા-ઊલટી તેમજ તાવના કેસોમાં વધારો થવાની શક્યતાઓનો નિર્દેશ આપી તેની તૈયારીમાં લાગી જવા હાકલ કરી હતી. હાલમાં દર્દીઓની સંખ્યા વધી જવા છતાં તબીબો, નર્સિંગ સ્ટાફ, તેમજ વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ દ્વારા બજાવાતી ફરજોને બિરદાવાઈ હતી.  મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડો. એન.એન. ભાદરકાએ પણ તબીબો સહિતના સ્ટાફને શાંતિસભર સેવાકાર્યો માટે અભિનંદન આપ્યા હતા. ચીફ મેડિ. એડમિનિસ્ટ્રેટર ચિંતનભાઈ શનિશ્વરાએ કચ્છ જેવા દુર્ગમ વિસ્તારમાં આવી કામગીરી બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. એચ.આર. હેડ જયનીલ પુરોહિતે મીઠું મોં કરાવી આભાર વ્યક્ત કર્યો હતો. નર્સિંગ હેડ શશિવંદના પટેલ, ઓપીડી ઈન્ચાર્જ વિજય સાંઘાણી સાથે કપિલ જોશી, કિશોર ચૂડાસમા, ગોપાલ દાસ, ચન્દ્રકાન્ત મોરે વગેરેએ આયોજનમાં સહયોગ  આપ્યો હતો.