ગુજરાતમાં કામદારો માટેની અદાલત ઘટી જતાં ન્યાય મેળવવો મુશ્કેલ
ગાંધીધામ, તા. 12 : કામદારોના કેસો ચલાવતી સી.જી.આઈ.ટી. અદાલતની ગુજરાતમાં સંખ્યા ઓછી હોવાથી કામદારને ન્યાય મેળવવા માટે 20-25 વર્ષનો સમય બગડતો હોવાની રજૂઆત કંડલા પોર્ટ કર્મચારી સંઘ (ઈન્ટુક)એ કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલયના ઉચ્ચ અધિકારી સમક્ષ કરી હતી. કંડલા પોર્ટ કર્મચારી સંઘ (ઈન્ટુક)ના પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી ખાતે શ્રમ મંત્રાલય સચિવ એમ. સત્યવતી (આઈ.એ.એસ.) અને ચીફ લેબર કમિશ્નર (સેન્ટ્રલ) અશોક નાયક સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તળેના લેબર કમિશ્નરો કામદારોના પ્રશ્નો માટે ન્યાય અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. કે.પી.ટી.ના કામદારોને થતા અન્યાય સામે સમયમર્યાદામાં ન્યાય મળી શકતો નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કામદારોને ન્યાય અપાવવા માટે ચાલતી સી.જી.આઈ.ટી. અદાલત ગુજરાતમાં માત્ર અમદાવાદ ખાતે જ છે. અગાઉના સમયમાં આ પ્રકારની પાંચ અદાલત હતી. અદાલત ઘટતાં કામદારોને ન્યાય માટે 20થી 25 વર્ષ સમયનો વ્યય થાય છે. તો બીજી બાજુ શિપિંગ મંત્રાલય દ્વારા કે.પી.ટી.ને આ પ્રકારની ગુજરાત વડી અદાલત સમક્ષ અપીલ ન કરવાનો આદેશ હોવા છતાં પાલન કરાતું નથી. યુનિયન પ્રમુખ અને ગુજરાત (ઈન્ટુક)ના મહામંત્રી મોહનભાઈ આસવાણીએ એક યાદીમાં જણાવ્યું હતું કે આ મામલે યુનિયને શ્રમ મંત્રાલયને વર્ષ 1999, 2002થી રજૂઆત કરતું રહ્યું છે. દરમ્યાન ભૂતકાળના સમયમાં તત્કાલીન શ્રમ સચિવ અને સી.એલ.સી. (કેન્દ્ર) દ્વારા યોગ્ય કરવાના આદેશો અપાયા બાદ પણ છેલ્લા 15-17 વર્ષ સુધીમાં કામદારોને ન્યાય મેળવવા અને સ્થાનિક શ્રમ કાર્યાલયોમાં કોઈ જ સુધારો ન થતાં કામદારોના હિત જળવાતા નથી. જો કે શ્રમ મંત્રાલયના અધિકારીઓએ ફરીથી યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આ વેળાએ કે.સી. આયંગર, રાણાભાઈ વિસરિયા, કિરીટ ધોળકિયા, રાજેન્દ્રસિંઘ અને ભરતભાઈ કોટિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.