કચ્છમાં ઇનામી નાબૂદી ધારા તળે બિનખેતી પ્રીમિયમમાંથી મુક્તિ આપો
ગાંધીધામ, તા. 12 : કચ્છ જિલ્લામાં ઇનામ નાબૂદી ધારા હેઠળના ખેડૂતોને છ પટ્ટવાળી જમીનોને બિનખેતી કરવા વખતે પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ આપવા અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રીએ મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. સમિતિના ભરતભાઇ ગુપ્તાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં તાલુકદારી નાબૂદી ધારા હેઠળ જમીનોમાં છ પટ્ટીની રકમ ભરેલી હોય તો તેવા ખેડૂતોને જમીન બિનખેતી વખતે પ્રીમિયમ પાત્ર બનતી નથી, પરંતુ કચ્છ જિલ્લો તાલુકદારી નાબૂદી ધારા હેઠળ આવતો નથી. આ જિલ્લાના અનેક ખેડૂતો કચ્છ ઇનામી નાબૂદી ધારા તળે છ પટ્ટની રકમ ભરી કાયમી ગણોતિયા બન્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, આ બંને કાયદા વચ્ચે છ પટ્ટ એક સમાન છે. તાલુકદારી નાબૂદી ધારામાં જમીનોને બિનખેતી કરવા વખતે પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળતી હોય તો ઇનામ નાબૂદી ધારા હેઠળ ભરેલી છ પટ્ટવાળી જમીનોને બિનખેતી વેળાએ પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ કેમ મળે નહીં તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો. આ સમગ્ર મામલે વખતોવખત મહેસૂલ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતાં કોઇ ?ઉકેલ ન આવતાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ કરાઇ હતી. દરમિયાન કોર્ટે રાજ્ય સરકારને યોગ્ય કરવા હુકમ કર્યો હોવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. જિલ્લાના ખેડૂતોને બિનખેતી પ્રસંગે ઊચું પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ કરી હતી.