ગાંધીધામમાં પોલીસને દબાણ હટાવવા તાકીદ

ગાંધીધામમાં પોલીસને દબાણ હટાવવા તાકીદ
ગાંધીધામ, તા. 12 : સંકુલના સતત ધમધમતા એવા ટાગોર રોડ પર રોટરી સર્કલ પાસે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા ટ્રાફિક કન્ટ્રોલ રૂમને હટાવી દેવા માટે અંજાર માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત નોટિસ આપી અમલવારી કરવાનું ફરમાન કર્યું હતું. ખુદ કાયદાના રક્ષકો દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરીને કરાતા દબાણનો મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ટાગોર રોડ પર રોટરી સર્કલ નજીક રસ્તાની એક બાજુ પોલીસતંત્ર દ્વારા રૂમ બનાવવા માટે ભૂતકાળમાં ગતિવિધિ હાથ ધરી પાયાની છાવણી સુદ્ધાં કરવામાં આવી હતી, પરંતુ વિવાદ ઊભો થતાં આ પ્રકરણને જે-તે સમયે ઠંડું પાડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસતંત્ર ફરી આ મુદ્દે હરકતમાં આવ્યું હોવાના પગલે ફરીથી ચકચાર શરૂ થઇ હતી. વિવાદાસ્પદ એવા કથિત ટ્રાફિક કન્ટ્રોલ રૂમના મુદ્દે શહેરના જાગૃત નાગરિક રવીન્દ્ર સબરવાલે પાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ અત્રે થઇ રહેલા ગેરકાયદેસર બાંધકામ સંદર્ભે લેખિત રજૂઆત કરી અપાયેલી મંજૂરી સંદર્ભે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પરતુ મુખ્ય અધિકારી દ્વારા ખોટી હકીકતો સાથે જવાબ અપાતાં શ્રી સબરવાલે આ જવાબ સામે ફોજદારી ફરિયાદની ચીમકી ઉચ્ચારી હતી.દરમ્યાન પ્રાપ્ત થતી માહિતી અનુસાર અંજાર માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટરને નોટિસ આપી રોટરી સર્કલ પાસે ગેરકાયદેસર ઓટલો બનાવી તેના ઉપર કન્ટેનર મૂકી શરૂ કરાયેલો ટ્રાફિક પોઇન્ટ તત્કાળ હટાવવા જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે, આ બાંધકામ રસ્તાના મધ્યબિંદુથી 22.00 મી.ના અંતરે આવેલું છે તેમજ રસ્તાની બંને બાજુએ સેન્ટરથી 100 ફૂટ એટલે કે, 200 ફૂટ જમીન રસ્તાની હોવાથી આ ગેરકાયદેસર દબાણ હટાવી કચેરીને જાણ કરવા જણાવ્યું હતું. અન્યથા કચેરી જાતે તે દબાણ તોડશે તેવું નોટિસમાં ઉમેરવામાં આવ્યું છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer