ગાંધીધામ સંકુલમાં જામશે મેળાઓની મોસમ

ગાંધીધામ સંકુલમાં જામશે મેળાઓની મોસમ
ગાંધીધામ, તા. 12 : ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વ અંતર્ગત કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં આજથી મેળાની મોસમ જામશે. નગરપાલિકાના આયોજન ઉપરાંત અન્ય સ્થળે ખાનગી મેળાઓનું પણ આયોજન છેલ્લા કેટલાક વર્ષોથી કરાતું હોવાથી મેળાના શોખીનોને પસંદગીનો વિશેષ અવકાશ મળ્યો છે. મેળાની ઉજવણી વચ્ચે સ્વાઇન ફ્લુનો ડંખ વિસ્તરે નહીં તે માટે ગાંધીધામ તાલુકાના આરોગ્ય તંત્રએ પણ જનજાગૃતિ સહિતના પ્રયાસો આદર્યા છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા દર વર્ષની  માફક આ વર્ષે પણ ટાઉનહોલની બાજુમાં શાત્રી મેદાન ખાતે આયોજિત લોકમેળાનું આવતીકાલે સાંજે પાંચ વાગ્યે ઉદ્ઘાટન કરાશે. ગાંધીધામની જ સ્થાનિક પાર્ટીને  આ વર્ષે કોન્ટ્રેક્ટ અપાયો છે. શહેર બહારની બે પાર્ટીઓ આવી હતી, પરંતુ તેમની રકમ ઓછી હતી. જો કે, ગત વર્ષની તુલનામાં નગરપાલિકાને અડધોઅડધ આવક ઓછી થઇ છે. ગત વર્ષે 12 લાખમાં મેળો અપાયો હતો. નગરપાલિકા ઉપરાંત ગાંધીધામમાં અન્ય સ્થળોએ પણ ખાનગી રીતે  મેળાનું આયોજન કરાયું છે. આદિપુર-ગાંધીધામની મધ્યમાં રોટરી સર્કલ પાસે કેપીટી ગ્રાઉન્ડમાં આનંદમેળાનું આયોજન થયું છે જે ચાલુ પણ થઇ ગયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની સૌ પ્રથમ પંચતારક હોટલ રેડીશન કંડલા ખાતે આ વર્ષે પણ બે દિવસીય જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે. રેડીશન હોટલ દ્વારા જ આયોજિત આ મેળામાં ફૂડ સ્ટોલ, ફરાળી વાનગીના સ્ટોલ, વિવિધ?ગેમના સ્ટોલ, કેમલ રાઇડ્સ, નાના ચગડોળ, ડાન્સ કોમ્પિટીશન, નાના બાળકોનો ફેશન શો વગેરેનું આયોજન કરાયું હોવાનું એમ.ડી. મુકેશ આચાર્યએ  જણાવ્યું હતું. આ વખતે મોરબી-રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરોમાંથી બહોળી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ કચ્છ જિલ્લાને સ્વાઇન ફ્લુએ અજગરી ભરડામાં લીધો છે, ત્યારે મેળાના આનંદી માહોલમાં સ્વાઇન ફ્લુ રંગમાં ભંગ ન પાડે તે માટે આરોગ્ય તંત્રએ પણ તકેદારીનાં પગલાં લીધાં છે. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે ગાંધીધામમાં નગરપાલિકાના સહયોગથી રામલીલા મેદાન ખાતેના લોકમેળામાં અને કેપીટી ગ્રાઉન્ડ ખાતે યોજાતા ખાનગી મેળામાં સ્ટોલ રખાશે જેમાં આરોગ્ય તંત્રના કર્મચારી દ્વારા સ્વાઇન ફ્લુ જનજાગૃતિ અંગેના પેમ્ફલેટ વિતરણ કરાશે. આ ઉપરાંત મેળાના સ્થળે આયુર્વેદિક ઉકાળા પીવડાવાનું આયોજન ગોઠવાતું હોવાનું જણાવ્યું હતું. શરદી, ઉધરસ, તાવના દર્દી મેળામાં ન જાય તેવો અનુરોધ આરોગ્ય અધિકારીએ કર્યો છે. અંજાર-ગળપાદર રોડ પર આવેલા હોલીડે વિલેજ ખાતે આવતીકાલે  તા. 13/8થી 15/8 સુધી રિસોર્ટ ખાતે સાંજે 5 વાગ્યાથી ફન ફેરનું આયોજન કરાયું છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer