અબડાસા પર આભ ફાટયું : ચાર કલાકમાં વધુ બાર ઇંચ

અબડાસા પર આભ ફાટયું : ચાર કલાકમાં વધુ બાર ઇંચ
સતીશ ઠક્કર દ્વારા  નલિયા, તા. 16 : જેની અતિ ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઇ રહી હતી એ કચ્છના ભાગ્યવિધાતા મેઘરાજાએ અબડાસાને એકધારા ત્રીજા દિવસે રવિવારે પણ જળબંબોળ કરી દેતાં અને મેઘસવારી અવિરત રાખતાં વીર અબડાની ભૂમિના લોકો હવે ડરી ગયા છે અને મેઘરાજા ખમૈયા કરે, પૂરતો ઉઘાડ આપે અને પછી તબક્કાવાર મહેર કરે તેવી દુઆ-પ્રાર્થના વચ્ચે આજે ગઢવાડા અને આસપાસનાં ગામો પર જાણે આભ ફાટયું હોય તેમ ચાર કલાકમાં દસથી બાર ઇંચ પાણી ખાબકી પડતાં નાગોર, ધનાવાડા, નાનાવાડા, હાજાપર સહિતનાં ગામો હેબતાઇ ગયાં છે. વરસાદી પાણી ઓસર્યા ઓસરતા નથી ત્યાં રાત્રે આઠ વાગ્યે પણ સૂસવાટા મારતા પવનો સાથે ઝાપટાઓ પુન: શરૂ?થતાં આજે રાત્રે અબડાસા અતિવૃષ્ટિના બારણે તો નહીં પહોંચી જાય ને તેવી ડરામણી દહેશત પેઠી છે. તાલુકાના પરજાઉ ગામે ઘૂઘવતા પાલર પાણીમાં ફસાયેલા નવ જણને પોલીસની ટીમે માંડ માંડ બચાવ્યા હતા. સુથરીનો કલાકોટ ડેમ ફાટી પડતાં પાણી વહી નીકળ્યાં હતાં.  પ્રબોધ મુનવરે  રાત્રે જણાવ્યું હતું કે આ ગામ પાણીથી ચારેબાજુથી ઘેરાઈ ગયું છે. રાત્રે  ફરી વરસાદ પણ શરૂ થયો છે. તાલુકાના 56 ગામોમાં વીજ પુરવઠો ઠપ થઇ ગયો છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને અબડાસાની સ્થિતિ સંદર્ભે જણાવ્યું હતું કે એન.ડી.આર.એફ.ની ટીમ રેકી કરીને તૈનાત જ છે. પાણી ઓસરે છે પણ રાત  વચ્ચે વરસાદનો જોર વધશે તો તંત્ર પહોંચી વળવાની સ્થિતિમાં છે.  શનિવારે ભુજ ખાતે એક હેલિકોપ્ટર ખાસ બચાવ  માટે તૈયાર રખાયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.  અબડાસામાં શનિવારે ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયા બાદ આખી રાત ઝાપટાં  જારી રહેતાં વધુ ત્રણેક ઇંચ પાણી પડયું હતું અને સવારે 9 વાગ્યાથી તો રમઝટ સાથે મેઘસવારી ફરી આવી પહોંચતાં મેઘો ઓળઘોળ થતો ભાસ્યો હતો. આજે ત્રીજા દિવસે મેઘસારી ચાલુ રહી હતી. એટલું જ નહીં ગઢવાડા વિસ્તારના આસપાસના ગામોને મેઘરાજાએ આજે બરાબર ધમરોળ્યા હતા. ચારેક કલાકમાં 10થી 12 ઇંચ જેટલો વરસાદ થતાં જાણે આભ ફાટયું હોય તેવો અહેસાસ થવા લાગ્યો હતો. ગામના અગ્રણી સામતભાઇ ગોરડિયાના જણાવ્યાનુસાર આજે સવારે 7 વાગ્યાથી ધોધમાર વરસાદ તૂટી પડતાં આસપાસના ગામો નાગોર, ધનાવાડા, નાનાવાડા, હાજાપર વગેરે ગામોમાં પાણી પાણી થઇ ગયું હતું. ગઢવાડા ગામે હરિજનવાસ અને મુસ્લિમ ફળિયામાં મકાનોમાં પાણી ઘૂસતાં કોમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળામાં 50 જેટલા પરિવારનું કામચલાઉ સ્થળાંતર કરાયું હતું. વરસાદી હેલીના પગલે ગામમાં 20 જેટલા પશુઓનું મોત થયું હતું. 700થી 800 એકર જેટલી જમીનમાં કપાસનો પાક ધોવાઇ ગયો હતો. ભારે વરસાદની તંત્રને જાણ કરાતાં જિલ્લા અધિક કલેકટર શ્રી પટેલ, કાર્યવાહક મામલતદાર પીરદાનસિંહ સોઢા અને અન્ય અધિકારીઓ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઇ ભાનુશાલી, જિ.પં. સદસ્ય કિશોરસિંહ જાડેજા, અગ્રણી પરેશસિંહ જાડેજા, તા.પં. સા.ન્યા. સમિતિના ચેરમેન અજબાઇ ગોરડિયા વગેરે ગામમાં દોડી આવ્યા હતા. જે.સી.બી. દ્વારા ભરાયેલાં પાણીના નિકાલ માટે માર્ગ બનાવતાં ગામનું પાણી ઓસર્યું હતું. ભારે વરસાદના પગલે આ વિસ્તારના ગામમાં તમામ તળાવ, તળાવડીઓ, ચેકડેમો વગેરે છલકાઇ ગયા છે. ગામમાં વીજળી પુરવઠો ઠપ થઇ ગયો છે.  ડુમરા વિસ્તારનાં તળાવો છલકાયાં  ડુમરા ગામે વર્ષ 1988 પછી દાયકાઓ બાદ ગામનું તળાવ છલકાતાં ગામલોકોએ વાજતે-ગાજતે મેઘોત્સવ મનાવ્યો હતો. ગામના સરપંચ રાજશ્રીબેન ગઢવી, ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને ગ્રામજનોએ તળાવને વધાવ્યું હતું.  ગામના અગ્રણી લાલસિંહ ગજુજી રાઠોડના જણાવ્યાનુસાર ડુમરા ગામે મોસમનો કુલ્લ વરસાદ 270 મિ.મી. થયો છે. ભારે વરસાદના પગલે ડુમરા પાસેથી પસાર થતો નારાયણસરોવર-માંડવી રાષ્ટ્રીય ધોરીમાર્ગના પુલ પરથી પાણી વહેવા લાગ્યા હતા. માર્ગના કેટલાક હિસ્સાનું ધોવાણ થતાં નેશનલ હાઇવે વિભાગ દ્વારા તાબડતોબ મરંમત હાથ ધરાઈ હતી. આસપાસના ગામોને જોડતા માર્ગોનું ધોવાણ થયું હોવાનું જણાવ્યું હતું.  નલિયામાં વધુ 5 ઇંચ  તાલુકા મથકે  મધરાત્રે વધુ 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ થતાં ગામના હાજાસર, મેખાણ, હેમાસર તળાવ છલકાઇ ગયાં છે. તાલુકા મથકે રાત્રિ દરમ્યાન વધુ 128 મિ.મી. કુલ્લ મોસમનો 394.5 મિ.મી. વરસાદ થયો છે. વીજળી પુરવઠો મહદઅંશે ખોરવાયેલો રહ્યો હતો. અલબત્ત, બપોર પછી વીજળી પુરવઠો પૂર્વવત થયો હતો.  ગરડા વિસ્તારમાં પણ વરસાદ  ગરડા વિસ્તારમાં આજે પણ વરસાદે હાજરી પુરાવી હતી. જો કે, મોડી રાત્રિના સમયથી આજે વાયોર, વાગોઠ, ઉકીર, જેઠમલપર, ફુલાય, વાઘાપદ્ધર, ચરોપડી સહિતના ગામડાઓમાં વધુ ત્રણેક ઇંચ વરસાદ થયો હતો. વરસાદના પગલે એ વિસ્તારના તમામ તળાવ-તળાવડીઓ છલકાઇ ગયા હોવાનું વાયોરના કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ચરોપડી નજીક આવેલો જાંઝરડા ડેમ તૂટી ગયો છે. એ વિસ્તારમાં ભારે વરસાદના પગલે અન્ય નાના-મોટા ડેમો પર પણ જોખમ ઊભું થયું છે. એ વિસ્તારના જિ.પં.ના સદસ્ય સૈયદ તકીશા બાવાએ ગામડાઓની મુલાકાત લીધી હતી. ફુલાય, વાયોર, વાગોઠ સહિતના ઘણા બધા ગામોના વીજથાંભલાઓ ધરાશાયી થતાં વાગોટ 66 કે.વી. સબ સ્ટેશનમાંથી વીજળી મેળવતા તમામ ગામોમાં છેલ્લા 2 દિવસથી સદંતર વીજળી પુરવઠો બંધ થઇ ગયો છે. જિ.પં. સદસ્ય શ્રી સૈયદે ડિઝાસ્ટર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સદંતર અબડાસા વિસ્તારમાં નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કરી વીજથાંભલાઓ તાત્કાલિક ઊભા કરી વીજળી પુરવઠો પૂર્વવત્ કરવાની માગણી કરી હતી.  તેરાનાં તળાવો છલકાયાં  વરસાદની હેલીના પગલે હેરિટેજ વિલેજ તેરાના ચતાસર, છતાસર, સુમરાસર તળાવો છલકાઇ ગયા છે. જેનાં વધામણાં માટે મંગળવારે ગામલોકો મેઘોત્સવ મનાવશે. મુંબઇથી ત્રીસેક જેટલા ગામના આગેવાનો કચ્છ આવવા રવાના થયા છે તેવું અગ્રણી આદમભાઇ લોધરાએ જણાવ્યું હતું.  તો ગામની પાંજરાપોળ પાસે આવેલું અરિહંતસાગર તળાવ 7 વર્ષ પછી ભરાયું હોવાનું અગ્રણી ગિરીશભાઇ શાહે જણાવ્યું હતું.  કોઠારામાં આભ ફાટયું  આજે કોઠારા ગામે દિવસ દરમ્યાન આઠેક ઇંચ જેટલો વરસાદ થયો હતો. તેમાંય સવારના 7 વાગ્યાથી 8 વાગ્યા દરમ્યાન એક કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ થતાં તળાવોનાં ઓગને પાણી નહીં ખૂટાવતાં તળાવનું પાણી ગામમાં ભરાયું હતું. કોઠારાનો માનપુરા વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હતો. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં. 350 લોકોનું કામચલાઉ સ્થળાંતર ગોઠવાયું હતું. ગ્રામ પંચાયતના પ્રયત્નોથી જે.સી.બી. દ્વારા પાણી નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવાતાં સ્થળાંતરિત લોકો પોતાના ઘરોમાં પાછા ફર્યા હતા. ગ્રા.પં.ના સરપંચ હેમુભા, જિ.પં. સદસ્ય કિશોરસિંહ જાડેજા, કોંગી પ્રમુખ ઇકબાલભાઇ મંધરા, ગામના અગ્રણી હુશેન મંધરા, પી.એસ.આઇ. શ્રી પટેલ વગેરેના પ્રયાસોથી સ્થળાંતર ગોઠવાયું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અહીંથી પસાર થતાં પુલિયાઓની સંખ્યા અપૂરતી હોવા ઉપરાંત જે પુલો બનાવવામાં આવ્યા છે તેમાં નાળાની સંખ્યા ઓછી હોતાં ઝડપથી પાણીનો નિકાલ થતો નથી. પરિણામે માનપુરા વિસ્તારમાં કાયમ વરસાદના સમયે લોકોને વધુ તકલીફ થાય છે.  પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઇ ભાનુશાલીએ પણ માનપુરા (કોઠારા) વિસ્તારની મુલાકાત લઇ લોકોની પૃચ્છા કરી હતી. વરસાદના કારણે આ વિસ્તારમાં બે બકરીઓ તણાઇ ગઇ હતી. તો પોલીસ સ્ટેશન ફરતે પાણીથી ઘેરાઇ ગયું હતું. ખીરસરા કોઠારા પણ ટાપુમાં ફેરવાઇ ગયું હતું. મદરેસામાં લોકોને આશ્રય અપાયો હતો.  નાની સિંચાઈના ડેમો છલકાયા  કડુલી, ભારાપર, ઉસ્તિયા, કાપડીસર, નલિયા, બુરખાણ, નાની બેર, રાખડી, કૂવાપદ્ધર, બિટ્ટા, વાયોર, બુટ્ટા, ગોયલા વગેરે ડેમો છલકાઇ ગયા છે. અન્ય નાના ડેમો પણ છલકવાની તૈયારીમાં છે. બેરાચિયા, જંગડિયા, કનકાવતી, મીઠી ડેમોમાં નવાં પાણીની આવક શરૂ થઇ છે. આ ડેમો પણ ઓગનવાની તૈયારીમાં છે.  56 ગામોમાં વીજળી પુરવઠો બંધ  અનરાધાર વરસાદને પગલે તાલુકાના ઘણા બધા ગામોમાં છેલ્લા 2 દિવસથી વીજળી પુરવઠો સદંતર ઠપ છે. એકંદર 56 જેટલા ગામોમાં વીજળી સેવા સદંતર ખોરવાઇ ગઇ છે. ઠેકઠેકાણે થાંભલાઓ પડી જવા કે વીજવાયરો તૂટી જવાના પગલે વીજળી સેવાથી ગ્રામ્ય વિસ્તાર વંચિત રહ્યો છે. પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર શ્રી વોરાએ આજે ઘણા બધા ગામોની મુલાકાત લીધી હતી. ખાસ ટીમો અબડાસા માટે મૂકવામાં આવી છે તેવું પી.જી.વી.સી.એલ.ના વર્તુળોએ જણાવ્યું હતું.  કોઠારા-નલિયા માર્ગ બંધ  ભાનાડા પાસે પુલ બેસી જવાના પગલે ડાયવર્ઝન તો બનાવવામાં આવેલું છે પણ તેનું ધોવાણ થઇ જતાં કોઠારા-નલિયા માર્ગ બંધ થઇ ગયો છે. જેના પગલે માંડવી તરફની જતી બસો ઉપરાંત કોઠારા થઇ ભુજ જતી બસો તેરા-બિટ્ટા થઇ ચલાવાય છે.  બેલા બંધારાનું મરંમત કરાયું  કાંઠાળ વિસ્તાર માટે ઉપયોગી એવા બેલા બંધારામાં ગાબડું પડવાના કારણે ઓગનમાંથી પાણી જવાના બદલે કેનાલમાંથી પાણી જતાં બંધારો તૂટવાનો ભય ઊભો થયો હતો. જખૌ ગામના સરપંચ લાખાજી અબડા, ઉપસરપંચ સિધિકભાઇ ગજણ, મામદભાઇ વાઘેર, રાજુભા જાડેજા વગેરે બે જે.સી.બી., 11 જેટલા ટ્રેકટરો કામે લગાડી બંધારાને તૂટતો બચાવી લીધો હતો.  જખૌ ગામે મોસમનો વરસાદ 20 ઇંચ જેટલો થયો છે. સાંજે 7.25થી જખૌમાં આજે પુન: ધોધમાર વરસાદ ચાલુ થયો હોવાનું સરપંચ લાખાજી અબડાએ જણાવ્યું હતું.ઐ  કોઠારથી પ્રતિનિધિ મનોજ સોનીના હેવાલ અનુસાર અબડાસા તાલુકાના કોઠારા  ગામે ગઇકાલે પડેલા 6 ઇંચ વરસાદ બાદ આજે સવારે શરૂ થયેલા 8 ઇંચ વરસાદથી તળાવોનાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતાં લોકોમાં ડર પેદા?થયો હતો. ત્યાં જંગી વિસ્તાર તથા માનપુરા વિસ્તારમાં તળાવનાં પાણી ઘરોમાં ઘૂસતાં 350 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તમામ ઘરોમાં પાણી ભરાતાં તંત્ર પણ દોડતું થયું હતું. ઇન્ચાર્જ મામલતદાર, નાયબ મામલતદાર વિગેરેએ મુલાકાત લીધી હતી તથા તંત્રને  જરૂરી સૂચનો કર્યાં હતાં.  બીજી બાજુ ભેદી, સાંધવ, ભાચુંડા, આરીખાણા, સાંયરા, બીટિયારી વિગેરે ગામોમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરાડિયા ગામે પણ આજે 6 ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું સાલેમામદ મંધરાએ જણાવ્યું હતું.  ખીરસરા-વિંઝાણ ગામમાં   આજે 11 ઇંચ વરસાદ  ખીરસરા વિંઝાણ (તા. અબડાસા) ગામમાં આજે સવારથી સાંજ સુધી અગિયાર ઇંચ વરસાદ ખાબકતાં ગામમાં દસેક મકાનો પાણી અંદર ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સરપંચ રજાક હિંગોરા દ્વારા તકેદારીનાં પગલાં લઇને સ્થળાંતર કરાવાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને એક માલધારીની સાતેક બકરીઓ તણાઇ ગઇ હતી અને આઠેક મકાનોની દીવાલો વરસાદના પાણીમાં જમીનદોસ્ત થઇ ગઇ હતી. પંચાયતઘરની દીવાલ પડી ગઇ હતી.  ગઇકાલે  સાત ઇંચ વરસાદ પડયા બાદ આજે અગિયાર ઇંચ વરસાદ ખાબકયો હોવાનું પૂર્વ સરપંચ હાજી મુસા હિંગોરાએ જણાવ્યું હતું.  વરસાદથી આ વિસ્તારના?ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી. કારણ કે, આ ગામના ખેડૂતો આજે પણ કૂવા આધારિત ખેતી કરે છે. કૂવાઓમાં પાણીની સપાટી ઊંચી આવી જશે, જેથી આ વિસ્તારના ખેડૂતોને લગભગ બે વર્ષ સુધી પાણીની તકલીફ દૂર થતાં આનંદ છવાયો?છે.  મોટી ધુફીમાં અનરાધાર 6 ઇંચ  અબડાસા તાલુકાના મોટી ધુફી વિસ્તારમાં અનરાધાર 6 ઇંચ જેટલો વરસાદ વરસતાં ગામનું તળાવ આશરે 6 વર્ષ બાદ ઓગની જતાં ગામના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હોવાનું અને રવિવારે આ તળાવને વધાવાયું હોવાનું લુહાર અલ્તાફ અબ્દુલાએ જણાવ્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer