અબડાસા સહિત કચ્છના કોઈપણ વિસ્તાર માટે વહીવટીતંત્ર સજ્જ
ભુજ, તા. 16 : સપ્તાહ પહેલાં જ્યાં પશુઓને પીવાના પાણી અને ઘાસચારાની તકલીફ હતી એવા પશ્ચિમ કચ્છના અબડાસા પર અપર એર સાયક્લોનિક સિસ્ટમ ધોધમાર વરસાદ સાથે ઊતરતાં અનેક ગામો જળબંબોળ થઈ ગયા છે અને આખે આખો તાલુકો અતિવૃષ્ટિના આંગણે ઊભો હોવા છતાં ડર કે ચિંતાનું કોઈ કારણ નથી તેવી હૈયાધારણ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન આપે છે. કચ્છમિત્ર સાથે વાત કરતાં કલેક્ટરે જણાવ્યું હતુ કે ગઈકાલથી જ એન.ડી.એઆર.એફ.ની ટીમે અબડાસામાં પડાવ નાખ્યો છે અને નીચાણવાળા તથા વધુ પાણી ભરાય તેવા વિસ્તારની રેકી કરી છે. જો રવિવારની રાત્રે વધુ વરસાદ નહીં ખાબકે તો ચિંતાનું કોઈ કારણ જ રહેશે નહીં. શનિ-રવિવારના થયેલા અનરાધાર વરસાદના પાણી ઓસરવા મંડયા છે અને વહીવટીતંત્ર  પણ ખડેપગે છે. શનિવારે તો આગાહી અને વરસાદના જોરને ધ્યાનમાં લઈને ભુજ વાયુદળ મથકે એક હેલિકોપ્ટર બચાવકાર્ય માટે સતત તૈનાત રખાયું હતું. જે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ટીમ અબડાસામાં છે તે વિસ્તારોથી વાકેફ થઈ ચૂકી હોવાથી જરૂર પડયે બચાવવામાં ઝડપ આવશે. જિલ્લામાં ક્યાંયથી કોઈ નુકસાની કે ભયના હેવાલ નથી. તંત્રની મીટ અબડાસા પર છે ત્યાં જો રવિવારની રાત્રે વધુ વરસાદ નહીં થાય તો અન્યત્ર તો શાંતિ છે જેથી વધુ ચિંતાનું કોઈ કારણ નથી તેવું તેમણે ઉમેર્યું હતું.    જખૌ પોલીસ સ્ટેશને નવને બચાવ્યાઐ  તાલુકાના પરજાઉ ગામે વાડીવિસ્તારમાં પાણી ઘૂસી જતાં 9 લોકો ફસાયા હતા, જેની જાણ ગામના નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પોલીસ સ્ટેશનને કરાતાં પોલીસ અને મામલતદારનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી જઇ જુમાભાઇ વાઘેરની બોટ દ્વારા 9 લોકોને બચાવી લેવાયા હતા. જો કે, આ તમામ ભારે ભયમાં હતા.