નાની સિંચાઇના 35 ડેમ છલકાયા

ભુજ, તા. 16 : શનિવારે અછતની પનોતી ઉતારનારા મેઘરાજાના સચરાચાર વરસેલા હેતથી નાની સિંચાઇના 35 ડેમ ઓગની ગયા તો મધ્યમ સિંચાઇનો સાનધ્રો ઓગન્યો, તો અન્ય બે ઓગનવામાં થોડા બાકી સહિત છમાં સારા એવાં પાણી લહેરાઇ રહ્યાં છે. જિ.પં.ની સિંચાઇ શાખા હસ્તકના નાની સિંચાઇના છલકાઇ ઊઠેલા 35 ડેમોમાંથી સૌથી વધુ અબડાસાના 13, લખપતના 9, ભચાઉના 6, ભુજના ચાર અને માંડવીના બે છે. ના.કા. ઇજનેર અરુણભાઇ જૈને વિગતવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, વધુ વરસાદવાળા અબડાસાના નલિયા, ઉસ્તિયા, કૂવાપદ્ધર, ભારાપર, વાઘાપદ્ધર, બુટા,  કાલરવાંઢ, મંજલ, રેલડિયા, ગોયલા, કાપડીસર, ચકુડા વાંઢિયા, નાની છેર અને રાખડી, તો અછતથી છૂટેલા લખપતના મોરચબાણ, મણિયારો, લખપત, જુણાગિયા, મેઘપર 1 અને 2, બરંદા, કનોજ તથા ગુવર, માંડવીના ગોધડિયા અને માપર. ભુજ તા.ના જામકુનરિયા, અંધૌ,સાધારા અને લોઢિયા, જ્યારે ભચાઉ તા.ના બાંભણકા, રતનપર, જનાણ, અમરાપર-1 અને 2 તથા ગોડાધ્રો ઓગની ગયા છે. જ્યારે મધ્યમ સિંચાઇના ડેમોની વી.એચ. ભંડારકરે વિગતો આપતાં જણાવ્યું કે, લખપતનો સાનધ્રો ઓગની ગયો છે જ્યારે ગજણસર અને રાપરનો ફતેહગઢ થોડાક બાકી છે, અબડાસાના   મીઠી ડેમમાં 70 ટકાથી વધારે    તો કંકાવટી અને બેરાચિયામાં અડધાથી ઉપર નવાં નીર આવ્યાં છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer