આમારામાં શ્રીફળ કાઢવા પાણીમાં પડેલો યુવાન ડુબ્યો
ભુજ, તા. 16 : નખત્રાણા તાલુકાના આમારા ગામે ઓગની ગયેલા તળાવને વધાવવા માટે ફેંકાયેલા શ્રીફળને કાઢવા માટે પાણીમાં પડેલા ગામના જખુ ઇબ્રાહીમ કોળી (ઉ.વ.38)નું અકસ્માતે ડૂબી જવાથી મૃત્યુ થતાં ભારે અરેરાટી વ્યાપી છે. ઉત્સવ જેવા તળાવ વધામણાના કાર્યક્રમ દરમ્યાન આ જીવલેણ દુર્ઘટના બનતાં આનંદ અને ઉત્સાહના માહોલ વચ્ચે ગમગીની છવાઇ ગઇ હતી.  સારા વરસાદને કારણે આમારા ગામનું તળાવ છલકાઇ ગયું છે. ઓગની ગયેલા તળાવને વધાવવા માટે આજે સૌ વાજતે-ગાજતે તળાવ કાંઠે પહોંચ્યા હતા. આ વચ્ચે આજે સવારે  આઠેક વાગ્યાના સુમારે આ જીવલેણ અકસ્માતની ઘટના બની  હતી.  પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ તળાવને વધાવવા માટેની પરંપરાગત વિધિ દરમ્યાન સરપંચના હસ્તે ચુંદડી સાથે શ્રીફળ તળાવમાં નખાયું હતું. ગામના અન્ય તરવૈયાઓ સાથે હતભાગી જખુ કોળી પણ આ શ્રીફળ કાઢવા માટે તળાવના નવા પાણીમાં પડયો હતો. શોરબકોર અને ઢોલના નાદ વચ્ચે આ હતભાગી અકસ્માતે તળાવના ઊંડાં પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને ડૂબી જવાથી સ્થળ ઉપર જ મોતને ભેટયો હતો. અન્ય તારુ શ્રીફળ સાથેની ચુંદડી કાઢીને બહાર આવી ગયા બાદ જખુ પાણીમાં ગરકાવ થઇ ગયો હોવાનું માલુમ પડયું હતું. આ પછી તેનો મૃતદેહ બહાર કઢાયો હતો. બાદમાં નખત્રાણા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ સહિતની વિધિ કરવામાં આવી હતી. બનાવ બાબતે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. નખત્રાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સવાભાઇ વાઘેલાએ કેસની તપાસ હાથ ધરી છે.  ગત વર્ષે અપૂરતા વરસાદ બાદ સર્જાયેલી અર્ધઅછત જેવી સ્થિતિમાં વરસાદની તાતી જરૂરિયાત હતી અને આ પછી માગ્યા મેહ વરસતાં ગામનું તળાવ છલકાઇ જવા સાથે આનંદ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો તે વચ્ચે તળાવ વધામણાના ઉત્સવ વચ્ચે આ કરૂણ જીવલેણ કિસ્સો બનતાં ભારે ગમગીની વ્યાપી ગઇ છે.