અંજારમાં ઘર ખાલી કરવા મુદ્દે યુવાન ઉપર હુમલો
ગાંધીધામ, તા. 16 : અંજારમાં પ્રજાપતિ છાત્રાલય નજીક મકાન ખાલી કરવા મુદ્દે એક મહિલા સહિત ત્રણ લોકોએ એક યુવાન ઉપર ધારિયા અને છરી વડે હુમલો કર્યો હતો. પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ રમજાન ઇબ્રાહીમ વીરા નામના યુવાન હિતેશ ડોડિયાના મકાનમાં ભાડે રહે છે. આ મકાન ખાલી કરવા મુદ્દે હિતેશ ડોડિયા, રાજીબેન હિતેશ ડોડિયા અને મનોજ આ ત્રણ લોકો યુવાન પાસે આવ્યા હતા અને બોલાચાલી બાદ ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતા.  આ લોકોએ ધારિયા અને છરી વડે હુમલો કરતાં યુવાનનો અંગૂઠો અને કાન કપાઇ ગયા હતા. ગઇકાલે સાંજના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.