મુંબઇમાં કચ્છ યુવક સંઘ દ્વારા રક્તસંગ્રહ અને આરોગ્ય કેન્દ્રનો થયો આરંભ
મુંબઇમાં કચ્છ યુવક સંઘ દ્વારા રક્તસંગ્રહ  અને આરોગ્ય કેન્દ્રનો થયો આરંભ મુંબઇ, તા. 16 : કચ્છ યુવક સંઘની પાલઘર શાખા દ્વારા રક્તસંગ્રહ કેન્દ્ર અને આરોગ્ય કેન્દ્ર એમ બેવડી સુવિધાઓનો આરંભ કરાયો હતો. સંસ્થાના મેને. ટ્રસ્ટી કોમલભાઇ છેડા, પ્રમુખ દિલીપભાઇ રાંભિયા, ડો. મહાભગવતદાસજી, ડો. અબ્દુલ વગેરે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સંસ્થાના મેને. ટ્રસ્ટી કોમલભાઇએ જણાવ્યું હતું કે, સમાજની લોક કલ્યાણકારી સેવાઓ કરવાના ધ્યેય સાથે સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવનાને ઉજાગર કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે આપણા પર સમાજનું કંઇકને કંઇ ઋણ રહ્યું છે. સંસ્થા દ્વારા શરૂ થયેલી આરોગ્યવર્ધક સુવિધાનો મહત્તમ લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રમુખસ્થાનેથી ડો. મહાભગવતદાસ સ્વામીએ `સેવા' શબ્દનો અર્થ જણાવતાં કહ્યું હતું કે, સેવા આટલે સર્વિસ નહીં, પરંતુ સ્વાર્થ વગર થતું કાર્ય (સેલ્ફલેસ) એટલે `સેવા.' આજની યુવા પેઢી આવતીકાલની પેઢી માટે સેવાનો ભાવ શીખવે તથા માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજાઓને ખુશી આપવાનું કાર્ય કરવું જોઇએ. પાલઘર શાખાના સંયોજક શ્રીમતી કેતનાબેન શાહે મંચસ્થોનો પરિચય આપ્યો હતો. ડો. અબ્દુલ ધાડાએ કચ્છ યુવક સંઘની પ્રવૃત્તિઓ માટે પોતે હરહંમેશ સાથ-સહકાર આપતા રહેશે તેવો કોલ આપ્યો હતો.માનવતાના કાર્ય સાથે જોડાયેલ 10 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓનું બહુમાન મંચ પર ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું. સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓ તલકશીભાઇ ફુરિયા, હેમંતભાઇ કારાણી, લક્ષ્મીચંદભાઇ ગાલા, પદાધિકારીઓ મનીષાબેન સાવલા, પુનિતભાઇ મામણિયા, જુગલભાઇ પાસડ, પ્રવીણભાઇ વીરા, મનોજભાઇ છેડા, માવજી બાપા પાસડ, ઋષભ મારૂ, કાંતિભાઇ ઘરોડ, ભોગીલાલ વીરા, કાંતિભાઇ કારાણી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ધીરજભાઇ છેડા (એકલવીર)એ કર્યું હતું.