ત્રીજા દિવસે અવિરત મેઘસવારીથી કચ્છ તરબોળ

ત્રીજા દિવસે અવિરત મેઘસવારીથી કચ્છ તરબોળ
ભુજ, તા. 16 : અપર સકર્યુલેશનના કારણે સર્જાયેલી સિસ્ટમ થકી રવિવારે ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત રહેતાં કચ્છ તરબોળ બન્યું હતું. શનિવારે ભુજમાં ચારેક ઇંચ વરસાદ?થયા બાદ રવિવારે ઉઘાડ નીકળ્યો હતો. જ્યારે માંડવીમાં સૂર્યનારાયણે દર્શન દેતાં વરાપ નીકળ્યો હતો પરંતુ તાલુકામાં દોઢથી 4 ઇંચ પાણી વરસ્યું હતું. તેમજ લખપત, બન્ની, પચ્છમ પંથક છૂટી છવાઇ મેઘમહેર થકી પલળ્યા હતા.  માંડવી : અમારા પ્રતિનિધિ દેવેન્દ્ર વ્યાસે આપેલી વિગતો મુજબ ગઇકાલે દિવસ દરમ્યાન મહેરબાન થયેલા મેઘરાજાએ આજે નામપૂરતા અમીછાંટણા કર્યા બાદ પોરો ખાધો હતો. આ પહેલાં વીતેલી રાત્રિ દરમ્યાન અને સવારના હાજરીરૂપ ઝાપટાં થકી 14 મિ.મી.નો ઇજાફો કરાવીને શહેરનો એકંદર વરસાદી આંકડો 214 મિ.મી. ઉપર પહોંચાડી દીધો હતો. ત્રણ દિવસોથી સૂરજદાદાએ અંધારિયા માહોલમાં ઓજલ પાડી હતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી વાવણીનો મોલ ભારે વરસાદમાં ધોવાઇ જતાં નવેસરથી પોંખની નોબત આવી હોવાની વિગતો મળી હતી.   શહેરમાં ગત રાત્રિ દરમ્યાન 11 મિ.મી. અને સવારે 3 મિ.મી.નો છંટકાવ કર્યા પછી વર્ષારાણીએ વિસામો લીધો હતો. ટોપણસર પોણું ભરાતાં તમામ કૂવાઓ ડૂબમાં જતા રહ્યા છે. ઠેર ઠેર મેઘાનંદ અનુભવાઇ રહ્યો છે.  બીજીબાજુ બાંભડાઇથી નાથાભાઇ સંઘારે આપેલી જાણકારી પ્રમાણે બાંભડાઇ, માપર, મોડકૂબા, વિઢ પંથકમાં આજે વધુ દોઢ-બે ઇંચ વરસાદ થતાં તાજેતરમાં વાવણી કરાઇ હતી, તે મોલનું ધોવાણ થઇ ગયું છે. હવે નવેસરથી પોંખ કરવી પડશે. માપર અને વિઢની પાપડી તૂટી ગઇ છે. બિદડાથી મળેલી વિગતો પ્રમાણે રોડની સાઇડો પર ડામરમાં તિરાડો સર્જાઈ છે. ઉગમણી પાપડીનું ધોવાણ થયું છે. જો કે, શાંત સ્વરૂપની મેઘવૃષ્ટિથી નુકસાની નથી.  વડવા કાંયા-દુજાપરમાં એક કલાકમાં ચાર ઇંચ વરસાદ  ગઢશીશા પંથકના ચેકડેમો ઓવરફલો થતાં ડેમમાં નવા નીર આવ્યાં હતાં.  ગઇકાલ રાતથી મેઘરાજાએ ધીમી ધારે આ પંથક પર સતત હેત વરસાવવાનું ચાલુ રાખ્યું હતું અને શનિવાર રાતથી રવિવાર બપોર સુધી અંદાજિત એકથી દોઢ ઇંચ ધીમી ધારે વરસવાનું ચાલુ જ રાખ્યું હતું. તો સતત ધીમી ધારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. ગામની બજાર પણ મહદઅંશે બંધ જોવા મળી હતી. તો બપોર બાદ અંદાજિત ત્રણ કલાક બાદ મેઘરાજાએ પંથકના વડવા કાંયા (તા. નખત્રાણા) અને દુજાપર-ગઢશીશાથી માત્ર ચાર કિ.મી. દૂર પોતાના રૌદ્ર સ્વરૂપનાં દર્શન કરાવતાં માત્ર એક જ કલાકમાં ચાર ઇંચ જેટલું પાલર પાણી સાંબેલાધારે વરસાવતાં વડવા કાંયા, દુજાપર વાડીવિસ્તાર ઉપરાંત ગામમાં પણ અમુક જગ્યાએ ગોઠણભેર પાણી ભરાયાં હતાં. તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગઢશીશાની `સોનાપર'વાળી નદી પણ જોશભેર પાણી પંથકના તમામ ચેકડેમો ઓવરફલો કરી વહી નીકળી હતી. જેને જોવા લોકો વરસતા વરસાદમાં ઊમટયા હતા.  તો વડવા કાંયા અને દુજાપરની વાડીઓમાં ભારે પાણી ભરાતાં ખેડૂતોને અમુક જગ્યાએ વાડીની કાચી દીવાલો-બાંધા તોડવાની ફરજ પડી હતી તેવું જાગૃત કિસાનો નાનજીભાઇ ચૌહાણ (દુજાપર) અને પ્રહ્લાદભાઇ પોકાર  તથા લવજીભાઇ પોકાર (વડવા કાંયા) દ્વારા જણાવાયું છે. તો વડવાના યુવા અગ્રણી દિલીપસિંહ જાડેજાએ પણ વડવા અને દુજાપર વાડીવિસ્તસારમાં પાણી ભરાયાં હોવાનું જણાવ્યું હતું.  જો કે, બપોરે બે વાગ્યા બાદ નખત્રાણા તાલુકાના કોટડા-રોહા અને દેવપર (ગઢ) વચ્ચે વરસાદનું જોર વધુ હોતાં વાડીઓમાં પાણી ભરાયાં હતાં તેવું દનણાથી અગ્રણી રાણુભા સોઢાએ જણાવ્યું હતું અને દનણા બાજુ પણ વધુ વરસાદ હોવાનું જણાવ્યું હતું.  જો કે, ગઢશીશાથી ઉપરના વિસ્તારમાં સારા વરસાદના કારણે ગઢશીશા પંથકના `ખારોડ' અને `ચેતરા' ડેમમાં સારાં એવાં પાણીની આવક થઇ છે.  બાડાનું ટોપણસર ઓગન્યું  માંડવી તાલુકાના બાડા ગામે સં. 1636માં ટોપણ નામના ભાટિયા બંધુઓએ બનાવેલું ટોપણસર તળાવ રવિવારે વહેલી સવારે ઓગની જતાં ગામના સરપંચ સહિત ગ્રામજનો ઊમટયા હતા અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો હોવાનું પ્રેમજી ભર્યા તથા સતારભાઇ મારાએ જણાવ્યું હતું.  માંડવી-મુંદરા વચ્ચેની કાંઠાળપટ્ટીમાં એકથી દોઢ ઇંચ  મોટા ભાડિયા જેની ચાતક નજરે રાહ જોવાઇ રહ્યું હતું તે ધરતીના ધણી મેહુલિયાએ આજે સમગ્ર કચ્છ સાથે આ વિસ્તાર પર હેતાળ હાથે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. પંથકના નાના-મોટા ભાડિયા, ત્રગડી, ગુંદિયાળી, બિદડા, પીપરી, ફરાદી, નાની ખાખર, શેખાઇ બાગ તથા મુંદરા, પંથકના મોટા કાંડાગરા, મોટી ખાખર, ઔદ્યોગિક વિસ્તાર ટુંડા, શિરાચા, નવીનાળ સહિતના ગામોમાં સવારથી બપોર સુધી પ્રથમ ઝાપટાં સ્વરૂપે અને ત્યારબાદ પાંચ વાગ્યાની આસપાસ ગાજવીજ વગર જ એકલપંથે આવેલા મેઘરાજાએ ધરતીને તૃપ્તિ આપવાની સાથે માનવીઓનાં મોઢાં પર ખુશીની લહેર ફેરવવા સાથે આનંદનો વર્તારો વર્તાવ્યો હતો.  વાવણીલાયક વરસાદથી જગતના તાતે ખુશ નજરે જણાતો હતો. શાંત રીતે વરસેલા વરસાદથી પાણી વહી નીકળ્યાં હતાં. તો કયાંક ખેતર-વાડીમાં પાણી ભરાઇ ગયાં હતાં. હજુ વધુ વરસાદની આશા કિસાનો સેવી રહ્યા છે.  દહીંસરા પંથકમાં લીલા લહેર  દહીંસરા : વિસ્તારમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ હેલીનું હેત વરસાવતાં સવારથી ઝરમર ધીમીધારે ઝાપટાં રૂપી મેઘકૃપા વરસી હતી. પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ હેટ્રિક નોંધાવ્યા બાદ બીજા રાઉન્ડમાં પણ હેટ્રિક નોંધાવીને લોકોનાં દિલ જીતી લીધાં છે. માંડવી તાલુકાના પુનડી ગામેથી સુરતાનસિંહ માલુભા જાડેજાએ સમાચાર આપતાં ગઇકાલે ત્રણ ઇંચ અને આજે સવારથી દોઢ ઇંચ વરસાદ પડયો છે. મહેન્દ્રસિંહ રવાજી જાડેજાએ કહ્યું હતું કે ચકમકાણ ડેમ ઓગની ગયો છે. મહિપતસિંહ નટુભાએ જણાવ્યું કે, હિન્ટ્રો ડેમ છલકવામાં બે ફુટ પાણીની જરૂર છે. ચુનડી માર્ગે આવેલી નાનજી તળાવડી ઓગની ગઇ છે.   કેરા રસ્તા ઉપર આવેલું નામોરાઇ તળાવ છલકાઇ ગયું છે. સીમમાં આવેલા રામસાગરમાં ત્રણ વર્ષનું નવું નીર આવ્યું છે. દહીંસરા હરિ સરોવરમાં પાલર પાણીની આવક સતત વધતી રહી છે. ખેતરોમાં ઊભા મોલને પ્રસાદીરૂપ પાલર પાણીએ ધરતીપુત્રોને રાજીના રેડ કરી દીધા છે. રખાલ, ડુંગરા, ટેકરીઓ શોભી ઊઠી છે. ગજોડ, ધુણઇ, ચુનડી, સરલી, મેઘપર, ગોડપરનાં તળાવો ડેમોમાં નવાં પાણીની આવક શરૂ થઇ છે.   આ વિસ્તારમાં સચરાચર મહેર વરસી છે. ચાડવા રખાલથી કરગરિયા, સરલી, ખત્રી તળાવથી ભુજ તરફ આજે એકથી દોઢ ઇંચ વરસાદ પડયો છે. ખેડૂતો માલધારીઓનાં હૈયે આ વરસાદે હામ પૂરવાનું કામ કર્યું છે. 16 આની નહીં પણ 12 આની પાકની આશા કિસાનો વ્યક્ત કરી રહ્યા છે. કપાસ, મગફળી, ચોળા, બાજરી, એરંડા, તલ, મગ, વાવેતર કરેલા પાકો માટે કાચા સોનારૂપી આશીર્વાદરૂપ સાબિત થશે. હજુ પણ મેઘાડંબર છે. આજે સવારથી સૂર્યનારાયણદેવ અને મેઘરાજા સંતાકુકડી રમતા હોય તેમ વારાફરતી પોતાનાં દર્શન કરાવ્યાં હતાં.  કોડાય (તા. માંડવી) : કોડાય અને આજુબાજુના વિસ્તારમાં ગત રાત્રિએ ઝાપટાં અને ઝરમર રૂપે દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. રાત્રિ દરમ્યાન અને વહેલી સવાર સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ઉનડોઠ નાની-મોટી, નાગ્રેચા વિસ્તારમાં 4 ઇંચ વરસાદથી વેંગડી નદીમાં પૂર આવ્યા હતા. સારા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયાં હોવાનું રમેશ જોશીએ જણાવ્યું હતું. મોટા રતડિયાથી હરિ દેવરાજ ગઢવીએ વધુ  એકથી દોઢ ઇંચ વરસાદ પડયો હોવાની માહિતી આપી હતી  મુંદરા : કંઠીપટના આ નગરે રવિવારે સવારે વધુ 22 મિ.મી. (1 ઇંચ અંદાજે) વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ 191 મિ.મી. થયો છે. જ્યારે જબલપુરમાં ગત રાત્રિએ બે વાગ્યાના સુમારે વરસાદી ભારે હેલીએ જોતજોતાંમાં સાડા ચાર ઇંચ વરસાદ પડયો હોવાનું શાંતિલાલ જબુઆણીએ જણાવ્યું હતું.  નગરમાં આજના વરસાદે કાદવ-કીચડને ધોઇ નાખ્યા છે. અને રસ્તાઓ સાફ બન્યા છે. મૈત્રી કોમ્પલેક્ષના રસ્તાના ખાડા નહીં પૂરવામાં આવે તો વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધશે તેવું લોકોએ જણાવ્યું હતું. સમગ્ર તાલુકામાં આજે દિવસ દરમ્યાન હળવાથી ભારે ઝાપટાં પડયાં હતાં. વરસાદની સાથે વીજપુરવઠો પણ સતત મળ્યો હતો.  બુરકલ (તા. ભુજ) : બન્નીના માલધારી વસ્તીવાળા આ ગામમાં આવેલા ચાર તળાવો પાંચ ઇંચ વરસાદ સાથે એક ઝાટકે 60 વર્ષ બાદ ઓગન્યા હતા. ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. ઘાસનો પ્રશ્ન હલ થશે એવું સરપંચ જત સૈયા ઉમરે કહ્યું હતું.  ભુજપુર (તા. મુંદરા) : ગત રાત્રિના બે ઇંચ વરસાદ થયા બાદ રવિવારે દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. ગામની ભાગોળે આવેલા છેલામાં જોશભેર પાણી વહી નીકળ્યું હતું.  લખપત તાલુકામાં વધુ અડધો ઇંચ  દયાપર (તા. લખપત) : ગઇકાલે ચાર ઇંચ વરસાદ પડયા પછી આજે પણ બપોરે મેઘરાજાએ હાજરી પુરાવી હતી અને અડધો ઇંચ વરસાદ પડતાં પાણી વહી નીકળ્યાં હતાં. ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદથી મોસમનો કુલ્લ વરસાદ 210 મિ.મી. થયો છે. બરંદા ડેમ ઓવરફલો થતાં આજે ગ્રામજનોએ વધાવ્યો હતો, બરંદા પાસે આરોગ્ય વિભાગની ટુકડી ફસાઇ ગઇ હતી. બરંદા પ્રા.આ. કેન્દ્રના એફ.એચ. ડબલ્યુ. અને એમ.પી.એચ.ડબલ્યુ સાથે હતા.  બીજી બાજુ વરસાદ થતાં હવે મચ્છરોનું પ્રમાણ વધ્યું છે. આરોગ્યની ટીમો આ બાબતે વધુ સજાગ રહે તે જરૂરી છે.  ખેડૂતો અને માલધારીઓ ખુશખુશાલ થયા છે. ઘાસચારા અને પાણી સમસ્યા હલ  થઇ છે.  ગઇકાલે પડેલા વરસાદમાં માતાના મઢ નદીનાં પાણી મંદિર પરિસરમાં ઘૂસ્યાં હતાં. જો વધુ  વરસાદ થયું હોત તો મુશ્કેલી ઊભી થઈ હોત તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.   પચ્છમ પંથક પર આજે સતત ત્રીજા દિવસે મેઘમહેર ચાલુ રહી છે. મુખ્યમથક ખાવડામાં સાંજે 6.30 વાગ્યે એક ઝાપટું પડતાં પાણી વહી નીકળ્યા હતા. તો અત્યારે આ લખાય છે ત્યારે રાત્રે 8 વાગ્યે ગાજવીજ સાથે ઝરમર ચાલુ છે.  દિનારાના પ્રતિનિધિ ફઝલ સમાએ ઢંઢી, દિનારા, ધ્રોબાણા, કોટડા, કુરન સુધીના ગામોમાં અંદાજે બે ઈંચ જેટલો વરસાદ સાંજે 4 વાગ્યા સુધીમાં હોવાના સમાચાર આપ્યા હતા.  જ્યારે બાકીના વિસ્તારોમાંથી કોઈ સમાચાર નથી અને મોટાભાગના બીએસએનએલ મોબાઈલની સેવા ખોડંગાતાં ગામોનો સંપર્ક થઈ શક્યો નથી. ગઈકાલ પરોઢથી બંધ રહેલો વરસાદ આજે સાંજથી ખાવડા સહિતના ગામોમાં ચાલુ થયાના સમાચાર છે. આજે બપોરે તડકો અને અસહ્ય બફારો હતો.  રાયધણજરમાં તમામ ચેકડેમો ઓગન્યા  અબડાસા તાલુકો સમગ્ર ભારે વરસાદથી પ્રભાવિત છે ત્યારે રાયધણજર ગામની આજુબાજુ આવેલા તમામ નાના-મોટા ચેકડેમો ઓગની ગયા છે. જ્યારે બે ચેક ડેમ તૂટી પડયા હોવાનું ગામના યુવા અગ્રણી રફીક હાલેપોત્રાએ જણાવ્યું છે. તો ગામનું રાતું તળાવ આઠ વર્ષે ઓગન્યાનું જાણવા મળ્યું છે.  જ્યારે ખેતીમાં પારાવાર નુકસાની સાથે ખેતરોમાં પાણી ભરાતાં વાડાઓ તૂટયાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer