અબડાસામાં ભરાયેલાં પાણીના નિકાલ સાથે પીવા માટે શુદ્ધ જળ આવશ્યક

ભુજ, તા. 16 : અબડાસામાં થયેલા ભારે વરસાદના કારણે વિવિધ ગામોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ જરૂરી છે. તો વરસાદવાળા ગામોમાં પીવા માટે શુદ્ધ પાણી પણ જરૂરી છે. જયારે બે દિવસથી અમુક ગામોમાં વીજળી પૂરવઠો પણ નથી તેવી પ્રતિક્રિયા અબડાસા વિસ્તારના ધારાસભ્ય શકિતાસિંહ ગોહિલે આપી છે અને જરૂરી પગલા લેવાની માગણી કરી છે.  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા એવા શ્રી ગોહિલે એક યાદીમાં જણાવ્યું હતું કે, અબડાસા સહિત રાજ્યમાં જ્યાં - જ્યાં ભારે વરસાદ થયેલો છે ત્યાં સરકાર રાહત અને પુન:વસન ક્ષેત્રે ઝડપી પગલાં ભરે તે જરૂરી છે. અબડાસામાં જ્યાં પાણી ભરાયેલા છે તેવા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા ખાનગી જે.સી.બી. સાથે કોઠારાથી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.  તેમણે અબડાસાનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, વરસાદગ્રસ્ત ગામોમાં પીવાનાં શુદ્ધ પાણીની જરૂરત છે. તો બે દિવસથી અમુક ગામોમાં વીજળી પણ નથી. જ્યાં સ્થાનિક સ્ત્રોત નથી ત્યાં શુદ્ધ પાણી પહોંચાડવું જરૂરી છે અને રોગચાળો ન ફેલાય તે માટે કાર્યવાહી કરવી પણ આવશ્યક બની છે. વરસાદના લીધે ખેડૂતોની જમીનોનું મોટાપાયે ધોવાણ થયેલું હોવાથી તેમને સહાય કરાય અને તાત્કાલિક કેશ ડોલ્સની ચૂકવણી થાય તેવી માગણી કરતાં ધારાસભ્યએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પક્ષ કુદરતી આફતના આવા સમયે રાજકીય અવલોકન નહીં કરે પરંતુ જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તંત્રની સાથે ખડેપગે રહીને લોકસેવામાં સહયોગ આપશે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer