ભુજમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા થકી લોકોએ નિરાંતે મોટો બંધ નિહાળ્યો

ભુજમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા થકી લોકોએ નિરાંતે મોટો બંધ નિહાળ્યો
ભુજ, તા. 16 : આ શહેરના ઉપરવાસમાં આવતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદ થકી શરૂ થયેલી અહીંના હમીરસર તળાવની આવ (મોટા બંધ)ને જોવા માટે આજે રવિવારની સાંજે ઊમટેલા માનવ મહેરામણ વચ્ચે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસદળે તેનો વિશાળ કાફલો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરીને હટકે કામગીરી કરી હતી.  સામાન્ય રીતે દરવખતે મોટો બંધ આવે ત્યારે તેને જોવા માટે આવતા લોકોને ટ્રાફિક અવ્યવસ્થા અને ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવનારાનો ત્રાસ સહન કરવો પડતો હતો. પણ આ વખતે પોલીસે ગોઠવેલી આગોતરી વ્યવસ્થા થકી આવા પરિબળો કાબૂમાં રહેવા સાથે નગરજનો અને સહેલાણીઓને રાહત વર્તાઇ હતી.  જાણવા મળેલી વિગતો અનુસાર જિલ્લા પોલીસ અધીક્ષક મકરંદ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન તળે એલ.સી.બી., ટ્રાફિક શાખા અને શહેર પોલીસ સહિતનો વિશાળ કાફલો આ વ્યવસ્થામાં તૈનાત રહ્યો હતો. હમીરસર કાંઠેથી છેક મોટા બંધ સુધી આ કાફલો ગોઠવાઇ ગયો હતો. જેણે ટ્રાફિક નિયમન સાથે આડેધડ ઊભતા વાહનો સરખા કરાવ્યા હતા. તો ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવનારા અને છેલબટાઉપણું કરનારા કેટલાક જણને નશ્યત પણ આપી હતી. તો એન્ટી રોમિયો કામગીરી તળે ઝડપાયેલા કેટલાક યુવાનોને સરાજાહેર ઉઠબેસ કરાવીને અને કાન પકડાવીને તેમને કાયદાનો પરચો અપાયો હતો. આ સમગ્ર વ્યવસ્થા સરવાળે નગરજનો માટે રાહતરૂપ રહી હતી.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer