સઈયરેંજો સંગઠનની દસમી વાર્ષિક સભામાં 1500 મહિલાઓએ ભાગ લીધો

સઈયરેંજો સંગઠનની દસમી વાર્ષિક સભામાં 1500 મહિલાઓએ ભાગ લીધો
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 16 : જો મહિલાઓનો શિક્ષણનો ગ્રાફ વધે તો સમાજમાં અદકેરું સ્થાન મળે, દીકરી ભણશે તો ભવિષ્યમાં કોઈ સંસ્થામાં કોઈને પૂછવાનું નહીં આવે તેવો સૂર તાલુકાના કોટડા (જ.) ખાતે પશ્ચિમ કચ્છ મહિલા બચત ધિરાણ મંડળી સઈયરેં જો સંગઠનની દસમી વાર્ષિક સાધારણ સભામાં વ્યક્ત થયો હતો. મંડળના પ્રમુખ ગોદાવરીબેન, મંત્રી હીરૂબેન મહેશ્વરી અને નંદાબાએ પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણ પર ભાર મૂકતાં મહિલાઓને બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે જોવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત મંડળના સભ્યોની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. મોહનબા પઢિયારના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં 1500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. હિસાબોનું વાંચન સહમંત્રી મેમુનાબેન રાજા (વિથોણ) અને લીલાબા સોઢાએ કર્યું હતું. આ બેઠકમાં મેઘુબેન રબારી, રાણીબેન રબારી, બિબ્બરના નંદુબા જાડેજા, જયશ્રીબા, રાભિયાબેન, રતનબેન મહેશ્વરી, ભચીબેન વગેરે સૂચનો કર્યા હતા. ગ્રુપની શ્રેષ્ઠ કામગીરી કરનાર આગેવાન મહિલાઓ અને મંડળના સભ્યોના તેજસ્વી તારલાઓના સન્માન કરાયા હતા.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer