રસલિયાની ગ્રામસભામાં સરપંચ રજા પર : મહિલા સભ્યો ગેરહાજર

રસલિયા (તા. નખત્રાણા), તા. 16 : ગુજરાત સરકારે સૂત્ર આપ્યું છે `ગ્રામસભા એ જ વિધાનસભા' પરંતુ અહીંની ગ્રામસભા ગત તા. 29મીના મળી ત્યારે જિલ્લાકક્ષાએથી નીમાયેલા અધિકારી હાજર રહ્યા ન હતા. સરપંચ રજા પર ઊતરી ગયા હતા. 50 ટકા લેખે મહિલા સભ્યો છે તે તમામ પણ હાજર નહોતા રહ્યા. તલાટી અને તાલુકાકક્ષાએથી ગ્રામ સેવકકક્ષાના અધિકારી હાજર હતા પણ તેમને ગ્રામસભાની પૂરતી માહિતી નહોતી, તો આવી ગ્રામસભા યોજવાનો શું અર્થ એવો સવાલ આ ગ્રામસભાના અધ્યક્ષપદે રહેલા ઉપસરપંચ સાલેમામદ લાંગાયે ઉઠાવ્યો હતો. ચર્ચાયેલા મુદ્દાઓમાં હાલમાં ગુજરાત સરકારના જી.આર. અનુસાર ગૌચર જમીન વધારવામાં આવે, હાલમાં રસલિયામાં પશુધન 2500થી 3000 જેવું છે તેના અનુસંધાને અન્ય સરકારી જમીન ગૌચરમાં ઉમેરો કરવામાં આવે, હાલમાં રસલિયામાં બે કંપની આવેલી છે તેને અડધોઅડધ સરકારી જમીન પાસ કરવામાં ન આવે અને તે જમીન ગાયો માટે ગૌચરમાં આપવામાં આવે તેવી માગણીઓ ઊઠી હતી. ગામતળ તેમજ સીમતળમાં થયેલું દબાણ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે, હાલમાં સરપંચ અને સભ્યો જે હાલ ચૂંટાઇ આવ્યા છે તેઓ સીમતળ, ગૌચર દબાણ કર્યું હોય તો તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરે અથવા તો પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી પણ માગણી ઊઠી હતી. જર્જરિત બાલમંદિર તોડી અનુસૂચિત જાતિ માટે સમાજવાડી બનાવવામાં આવે, ગટર યોજના છેલ્લા દશ વર્ષથી કાર્યરત છે તેની સફાઇ કરાય, મફતનગર, કોલીવાસ, સતરાવાસ, નવા રસલિયા તેવા વિસ્તારમાં ગટર યોજના બનાવાય, કાયમી વાયરમેન મુકાય, 13 ગામોનું પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં કાયમી ધોરણે કર્મચારી વસવાટ?કરે તેવી માગણી ઊઠી હતી. રામદેવનગર અને ઉમિયાનગર વિસ્તારનો સફાઇવેરો, પાણીવેરો, રોડલાઇટ વેરો નિયમિત આપવામાં આવે છે છતાંય પણ પાણી, લાઇટ અને સફાઇ કરવામાં આવતી નથી. નખત્રાણા તા.પં. સદસ્ય આધમભાઇ લાંગાય, ગ્રા.પં. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જેન્તીભાઇ પરમાર, માજી સરપંચ ભીમજી ભાવાણી, રવજી પટેલ, ખીમજી લીંબાણી, જુવાનસિંહ જાડેજા, પ્રદીપ સચદે, દાઉદ લુહાર વગેરે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer