કારીગરો-વેપારીઓના પ્રશ્નોનો ઉકેલ જરૂરી

કારીગરો-વેપારીઓના પ્રશ્નોનો ઉકેલ જરૂરી
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 16 : સંગઠનમાં શક્તિ હોય છે, કચ્છની કારીગરીને સાત સમંદર પાર `અપરંપાર' માન, શાન મળ્યા છે પણ ભવિષ્યમાં કચ્છની કળાને વધુ ખ્યાતિ અપાવવા કારીગરો-વેપારીઓને નડતા પ્રશ્નોનું સામૂહિક નિરાકરણ થાય તે માટે સંગઠન જરૂરી હોવાનો સૂર ઊઠયો હતો. ભુજ ખાતે કચ્છી ખત્રી જમાતખાનામાં બ્લોક, હેન્ડ પ્રિન્ટ કારીગરો, બાંધણી વ્યવસાયિકોના સંમેલનમાં વિવિધ પ્રશ્નોની છણાવટ સાથે નવા સંગઠનની રચના કરાઈ હતી. સ્વાગત પ્રવચનમાં ખત્રી આરિફભાઈ (ભુજ)એ બાંધણી વેપારીઓની મુશ્કેલીના આછેરા ખ્યાલ સાથે કચ્છથી ઉપસ્થિત મોટી સંખ્યામાં કારીગરોને આવકાર્યા હતા. છેલ્લા 12 મહિનાથી કાચા માલ-કાપડમાં ભાવ વધારો આવ્યો, પડતર સાથે વેચાણ મોંઘું થયું, ઉપરથી જી.એસ.ટી. આવતાં ધંધાર્થીઓની કમર ભાંગી ગઈ છે. હાલમાં હેન્ડીક્રાફ્ટ્સનો વ્યવસાય લંગડાતો ચાલે છે. તેને કેવી રીતે જોમ અપાય, ઓનલાઈન વેચાણ ઉપર જોર આપવા સાથે વેપારીઓનું રજિસ્ટર બનાવવું, આર્ટીસમ કાર્ડ બનાવવા, કચ્છની બાંધણીની કોઈ નકલ કરી ફાયદો ન ઉઠાવે તે માટે જી.આઈ. માર્કવારી નમૂનેદાર બનાવવી વિ. બાબતો ચર્ચાઈ હતી. કચ્છમાં 1900 મુસ્લિમ ખત્રીના ઘર છે. સવાથી દોઢ લાખ બાંધણીના કારીગરો ખત્રી ઉપરાંત અન્ય સમાજના છે. જે બાંધણી બાંધી રોજી મેળવે છે. હાલે બાંધણીનો વ્યવસાય મંદ છે. ઉપરથી જી.એસટી.ને પગલે મુશ્કેલી બેવડાઈ છે. સંમેલનમાં ઉપસ્થિત ખત્રી હાજી હકીમભાઈ -કે.બી.સી.વાળા (ભુજ), ખત્રી ઈલિયાસભાઈ દાઉદ, રહીમભાઈ (મુંદરા), ફારૂકભાઈ (અંજાર), હારૂન યુનુસ, મોહમદ હુસેન ખત્રી, ઈમ્તિયાઝ ખત્રી, અઝીમભાઈ (નલિયા), અબ્દુલ અઝીઝ ઈસ્માઈલ (માંડવી), અબ્દુલ ગની જકરિયા (ભુજ), રમઝાન મામા ખત્રી (મુધાનવારા), હાફિઝ ખત્રી (વાયોર), ઈરફાન ખત્રી (ભુજ), હનીફ ખત્રી (કોડાય), મુસ્તાક ખત્રી (ભુજ), ઉમર એસ. ખત્રી (મોટી વિરાણી), ફરીદ ખત્રી (મુંદરા) વિ.એ ઉપસ્થિત રહી સૂચનો કર્યા હતા. સંમેલનના બીજા ચરણમાં કચ્છી ખત્રી બાંધણી હસ્તકલા એસો.ની રચના કરાઈ હતી. જેમાં પ્રમુખપદે ખત્રી ઈલિયાસ દાઉદ (ભુજ), ઉ.પ્ર. ફારૂક હાજી અબ્દુલ લતીફ (અંજાર), મહામંત્રી અબ્દુલ રહીમ અબ્દુલ કરીમ (મુંદરા), સહમંત્રી સુલેમાન હાજી ઉમર ફારૂક (ભડલી), ખજાનચી હારૂન યુનુસ (ભુજ)ની સર્વાનુમતે વરણી કરાઈ હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer