સમાજના ઉત્થાનના ભાષણો બંધ કરી મળવાપાત્ર અધિકારોનો લાભ આપો
ભુજ, તા. 16 : રાજ્યના મંત્રીઓના પ્રવાસને કોંગ્રેસે ચૂંટણીલક્ષી ગણાવી સમાજના ઉત્થાનના ભાષણો બંધ કરી તેમને મળવાપાત્ર અધિકારોનો લાભ આપવાની માંગ કરી હતી. રાજ્યની ભાજપ સરકારના શાસનમાં બક્ષીપંચ અનુ. જાતિના કલ્યાણ માટેની યોજના અને અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ સમાજને જાણે શું આપી દીધું છે તે રીતના ભાષણો, જાહેરાતો અને માત્ર ખાતમુહૂર્તો બતાવી સમાજને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. વર્ષોથી ભાજપ સરકાર હોવા છતાં કચ્છની અનુ. જાતિ, જનજાતિ, બક્ષીપંચ છાત્રાલયોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા મંજૂરી અપાતી નથી. 10માંથી 8 જેટલા છાત્રાલયોમાં ગૃહપતિની જગ્યાઓ ખાલી છે તેવું જિલ્લા કોંગ્રેસે યાદીમાં જણાવ્યું હતું.ચાલુ વર્ષે પણ અનેક જરૂરિયાતમંદ અને છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અરજીઓ કરી છે પરંતુ સંખ્યા મર્યાદાના કારણે પ્રવેશ મળતો નથી, જેથી તમામ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખાસ કિસ્સામાં પ્રવેશ આપવાની માંગ કરાઇ હતી. સરકારી યોજનામાં પાત્રતા ધરાવતા અનેક અરજદારો અરજીઓ કરે છે પરંતુ ગ્રાન્ટની મર્યાદા બાંધીને અમુક જ અરજદારોને સહાય આપવામાં આવે છે. જેથી તમામ અરજદારોને સહાય-લોન મંજૂર કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી હતી. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વર્ષ પૂર્ણ થવાના આરે હોય ત્યારે મળે છે. જેથી શાળા-કોલેજ શરૂ થાય ત્યારે આરંભમાં જ શિષ્યવૃત્તિની રકમ મળવી જોઇએ, જેથી વિદ્યાર્થીના અભ્યાસ માટે ઉપયોગી બની શકે. જરૂરતમંદ અને પાત્રતા ધરાવતા અનેક લોકો મકાનવિહોણા છે, જેથી તેઓને વહેલીતકે પ્લોટ મંજૂર થાય અને મકાન સહાય આપવામાં આવે. કોંગ્રેસના શાસનમાં તમામ વર્ગના લોકોને મફત સારવાર મળતી હતી અને પીડિત-વંચિત-પછાત સમાજને વિશેષ સારવાર સુવિધા મળતી હતી તેવું જિલ્લા કોંગ્રેસે યાદીમાં વધુમાં જણાવ્યું હતું.