સંસ્કૃતનો પ્રચાર એટલે જ્ઞાનનો પ્રસાર
સંસ્કૃતનો પ્રચાર એટલે જ્ઞાનનો પ્રસાર ભુજ, તા. 16 : સંસ્કૃત ભારતી કચ્છના ઉપક્રમે આજે જિલ્લા મથકે નવી લોહાણા મહાજનવાડીમાં એક દિવસીય જિલ્લાસ્તરના સંસ્કૃત સંમેલનનું આયોજન?થયું હતું. દેવોની ભાષાના સંરક્ષણ અને સંવર્ધનના ઉદ્દેશથી આયોજિત આ સંસ્કૃત સંમેલનમાં સંસ્કૃત ભાષા છવાઇ ગઇ હતી. સંસ્કૃત ન જાણનારા વકતાઓએ પણ સંસ્કૃતના પ્રચારને જ્ઞાનના પ્રચાર સાથે જોડીને વધુને વધુ પ્રચાર-પ્રસાર માટે હાકલ કરી હતી. જિલ્લાની શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, આર્થિક, સેવાકીય ક્ષેત્રની 51થી  વધુ સંસ્થાઓ આ સંમેલનમાં સહયોગી રહી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિરેથી શુદ્ધ સંસ્કૃતના ઉચ્ચારણોમાં શોભાયાત્રા સાથે આ સંમેલનનો પ્રારંભ થયો હતો. મંદિરના સંતોએ વેદના મંત્રોથી કરેલી આ શરૂઆત વિવિધ વિદ્યાલયના છાત્રો-શિક્ષકોએ જારી રાખી હતી અને દિનભર સંસ્કૃતમાં જ સમગ્ર કાર્યક્રમ આગળ ધપ્યો હતો. આ પ્રસંગે આયોજિત સંસ્કૃત સંમેલન અને પ્રદર્શનનું `કચ્છમિત્ર'ના ન્યૂઝ એડિટર નવીન જોશીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચંદ્રસિંહ જાડેજા, આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સ્વામી, ભગવતી બાળ મંડળના રાજુભાઇ જોશી, સંસ્કૃત ભારતી, ગુજરાતના સંગઠન મંત્રી હિમાંજય પાલીવાલ, કચ્છ વિભાગના સંયોજક અમિત ગોર, યુનિ. સંસ્કૃત વિભાગના પંકજ ઠાકર પણ જોડાયા હતા. આ પ્રસંગે મુખ્ય  વકતા તરીકે ઉપસ્થિત કચ્છ યુનિ.ના કુલપતિ શ્રી જાડેજાએ શિક્ષણ પદ્ધતિમાં થોડા જ ફેરફારથી સંસ્કૃત ફરીને જનભાષા બને તેવું કહીને તેમણે સદૃષ્ટાંત વેદ, ઉપનિષદની ઋચાઓ, શ્લોકો અને વાક્યો ટાંકીને  દેશ સંસ્કૃત થકી જ સમૃદ્ધ હતો અને સંસ્કૃતથી?વિમુખતાથી જ પછાત પડી રહ્યો હોવાનું ઉમેર્યું હતું. પૂર્વજોની વિરાસતને જાળવવા માટે તેમણે સંસ્કૃત અધ્યયન પર ભાર મૂક્યો હતો. આ સંમેલનમાં સંસ્કૃત વિદ્વાન હસમુખભાઇ જાદવનું વ્યાખ્યાન યોજાયું હતું જે સત્રના અધ્યક્ષપદે અખિલેશ આર્યએ  સંસ્કૃત વિસરવાને લીધે જ આપણે આપણો ભવ્ય વારસો અને ઇતિહાસથી પણ વિમુખ થઇ રહ્યા છીએ, તેવી લાલબત્તી ધરીને સંસ્કૃત સમીપે જવાથી જ પૂર્વજોના જ્ઞાનનો ખ્યાલ આવશે તેવું જણાવ્યું હતું. ઉદ્ઘાટા નવીન જોશીએ  ટૂંકા ભાષણમાં અંગ્રેજીની લ્હાયમાં સંસ્કૃતની અવગણના થઇ પણ હવે સંસ્કૃત સંમેલનના જિલ્લાસ્તરના પ્રયોગ સાથે જાગીએ અને સંસ્કૃત પરત્વે સભાન થઇએ તેવા વિચારો આપ્યા હતા. આ સંમેલનમાં ભુજની વિવિધ શાળાના બાળકોએ સંસ્કૃતમાં વકતૃત્વ, શ્લોકપઠન, નાટિકા, નૃત્ય, ગીતો રજૂ કર્યા હતા. સાંજે કોલેજ કક્ષાના છાત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. દીપેશ કતિરાએ સંસ્કૃતના અભ્યાસ થકી મળતી નોકરીઓ પર  પ્રકાશ પાડયો હતો. એ સત્રના અધ્યક્ષપદે લાલન કોલેજના પ્રાધ્યાપક મેહુલ શાહ રહ્યા હતા. સંસ્કૃતમાં ગરબા, તાંડવ અને ભાંગડાએ રંગ જમાવ્યો હતો.