ગાંધીધામ પાલિકા ફરિયાદોને પગલે જાગી : કામગીરીનો અહેવાલ માગ્યો
ગાંધીધામ, તા. 16 : શહેરમાં પાલિકાની વધતી જતી ફરિયાદોના પગલે આજે પાલિકા કચેરીમાં વિવિધ વિભાગોની એક બેઠક યોજાઇ હતી. જેમાં તમામ વિભાગના વડાઓ પાસેથી તેમણે કરેલી કામગીરી અને આગળના આયોજન અંગે પૂછાણું લેવામાં આવ્યું હતું. શહેર સંકુલના લોકોને સુખાકારી અને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર ઊણું ઊતર્યું છે. તમામ વિભાગોની અનેક ફરિયાદો આવી રહી છે. તેવામાં હાલમાં ધોધમાર વરસાદની આગાહીના પગલે આજે પાલિકાના સભાખંડમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મેલેરિયા મુક્ત ગુજરાત 2022 અભિયાન અંતર્ગત મચ્છર ઉત્પાદન સ્થાનોની નાબૂદી અંગે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ, આયોજન, ચોમાસાની ઋતુને લઇને હવે પછીના આયોજન અંગે પૂછાણું લેવામાં આવ્યું હતું. તથા સફાઇ, ડ્રેનેજ, પાણી, લાઇટની ફરિયાદો, તેના નિકાલની કાર્યવાહી અંગે પૂછવામાં આવ્યું હતું. વરસાદી નાળાની સફાઇ, માહિતી અધિકારની અરજીઓનો નિકાલ, વેરા વસૂલાત, વાહન વિભાગ, ફૂડ વિભાગની કામગીરી, ખાદ્ય પદાર્થોના લેવામાં આવેલા નમૂનાનો અહેવાલ, છેલ્લા 3 માસ દરમ્યાન દબાણ શાખાએ કેટલા દબાણો દૂર કર્યા તે સહિતના પૂછાણા આજે લેવામાં આવ્યા હતા. રહી રહીને પણ પાલિકા તંત્ર જાગ્યું છે ખરું પરંતુ હવે પછી લોકોના કામ થાય છે કે નહીં તે જોવાનું રહ્યું.