વડાપ્રધાન મુલાકાત માટે લોખંડી બંદોબસ્ત

ભુજ, તા. 19 : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગામી સોમવાર તા. 22મીની કચ્છ મુલાકાતને લઇને પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં અભૂતપૂર્વ કહી શકાય તેવો લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જેમાં 21 આઇ.પી.એસ. અધિકારી સહિત કુલ્લ અઢી હજાર અધિકારી-કર્મચારીઓ સામેલ કરાયા છે. સંદેશા વ્યવહારના અત્યાધુનિક સાધનો અને શત્ર-સરંજામથી સજજ પોલીસ કાફલા સાથે આ સુરક્ષા વ્યવસ્થામાં ચેતક કમાન્ડો અને રાજય અનામત પોલીસ દળ પણ સામેલ કરાયું છે.   રાજયના અધિક પોલીસ મહાનિર્દશક વી.એમ. પારઘીની રાહબરીમાં સમગ્ર કચ્છમાં વડાપ્રધાન સુરક્ષા બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે. જેને આજે ફાઇનલ ટચ આપવા સાથે રિહર્સલ સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ઝેડ. પ્લસ સુરક્ષા વ્યવસ્થામાં આવતા દેશના આ સર્વોચ્ચ રાજકીય વ્યકિતના ભુજ વિમાની મથકે આગમનથી પરત જવા સુધીના સબંધીત તમામ સ્થળોએ સુરક્ષા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.   સત્તાવાર સાધનોએ તૈયાર કરવામાં આવેલી બંદોબસ્ત સ્કીમ વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે અધિક ડી.જી. શ્રી પારઘીની નિગરાનીમાં ડી.આઇ.જી. કક્ષાના બે તથા એસ.પી. કક્ષાના 18 આઇ.પી.એસ. અમલદારો બાગડોર સંભાળશે. તેમની રાહબરીમાં 37 નાયબ પોલીસ અધીક્ષક, 150 ઇન્સ્પેકટર અને 250 સબ ઇન્સ્પેકટરને સુરક્ષા માટેની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. જયારે લોકરક્ષકથી સહાયક ફોજદાર કક્ષાના અઢી હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તેમને ફાળવવામાં આવેલા વિવિધ પોઇન્ટ ઉપર ફરજમાં તૈનાત કરવામાં આવશે.   આ ઉપરાંત જડબેસલાક એવા આ બંદોબસ્ત માટે રાજય અનામત પોલીસ દળની ત્રણ ટુકડી બોલાવવામાં આવી છે. જે કચ્છમાં પંહોચી આવીને પોઝિશન લઇ ચૂકી છે. તો સુરક્ષા વ્યવસ્થા માટે મહત્ત્વના ગણાતા ચેતક કમાન્ડો પણ આ વી.વી.આઇ.પી. સુરક્ષા વ્યવસ્થામાં સામેલ થઇને ફરજ બજાવવા માટે સજજ થઇ ચૂકયા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.   વડાપ્રધાન બંદોબસ્ત માટે કચ્છ ઉપરાંત મોરબી, રાજકોટ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લામાંથી પોલીસ ટુકડીઓ બોલાવવામાં આવી છે. આ ટુકડીઓ સ્થાનિકે આવી પહોંચી છે અને તેમની જગ્યાએ ગોઠવાઇ ચૂકી છે. શ્રી મોદી ભુજ વિમાની મથકે ઉતરાણ કર્યા બાદ પૂર્વ કચ્છ બાજુ જવાના હોવાથી પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં પણ 16 અધિકારી સહિત 300 જણનો કાફલો સુરક્ષા માટે ફરજ ઉપર મૂકવામાં આવ્યો છે.  બંદોબસ્તમાં મુકાયેલા પોલીસ કર્મચારીઓનો આંકડો 2100 જેવો થવા જાય છે. જેમાં 350 મહિલા પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઘોડેશ્વારો દ્વારા પેટ્રોલિંગ અને વાહનો દ્વારા હાઇવે પેટ્રોલિંગ સહિતના પગલાં પણ અમલી બનાવી દેવામાં આવ્યાં છે. તો બંદોબસ્તમાં કયાંય કોઇ કચાશ ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખીને ચેતક કમાન્ડો તૈનાત કરવા સહિતના પગલાં લેવામાં આવ્યાં છે. સમગ્ર વ્યવસ્થાનું વીડિયો શાટિંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં સામેલ સ્ટાફને સંદેશા વ્યવહારના અત્યાધુનિક સાધનો તથા શત્રોથી સજજ કરી દેવામાં  આવ્યા છે.   વડાપ્રધાનની જાતમુલાકાત હોવાથી કેન્દ્ર અને રાજય સરકારની ગુપ્તચર એજન્સીઓ દ્વારા પણ કચ્છ પહોંચી આવીને તેમની કાર્યવાહી આરંભી હોવાનું જાણવા મળ્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer