`ઘર ઘર દીપક'' શિષ્યવૃત્તિનું ત્રીજા વર્ષે એલાન

ભુજ, તા. 19 : કન્યા કેળવણીના ઉદેશ સાથે દીપક ચા અને કચ્છમિત્ર દ્વારા બે વર્ષ અગાઉ શરૂ કરાયેલી `ઘર ઘર દીપક' શિષ્યવૃત્તિની અભ્યાસાર્થે વિદ્યાર્થિનીઓને પ્રેરણા આપતી યોજનાને કચ્છના વિવિધ ગામોમાંથી ઉષ્માભર્યો આવકાર મળતાં આ ત્રીજા વર્ષે 51 દીકરીઓને દરેકને પાંચ-પાંચ હજાર શિષ્યવૃત્તિ અપાશે.  આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતી કોઇપણ વિદ્યાર્થિની અથવા તેના માતા-પિતાએ ફક્ત એક નિશ્ચિત ફોન નંબર પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજિસ્ટર્ડ થયેલી તમામ દીકરીઓમાંથી સંપૂર્ણ તટસ્થ અને પારદર્શક રીતે નિશ્ચિત સંખ્યામાં શિષ્યવૃત્તિ માટે દીકરીઓના નામ પસંદ કરવામાં આવશે.  આ યોજના હેઠળ પહેલા વર્ષે તેર હજારથી વધુ દીકરીઓએ રજિસ્ટ્રેજશન કરાવ્યું હતું. જેમાંથી 25 છાત્રાને રૂા. પાંચ પાંચ હજારની શિષ્યવૃત્તિ અપાઇ હતી. આ આયોજનને મળેલા પ્રતિસાદ બાદ બીજા વર્ષે તેની અમલવારી કરાઇ અને શિષ્યવૃત્તિ મેળવનારી દીકરીઓની સંખ્યા બમણી કરાઇ હતી. જે મુજબ 17 હજારથી વધુ છાત્રાએ રજિસ્ટ્રેશન કરાવ્યું  હતું. જેમાંથી પસંદ કરાયેલી 51  વિદ્યાર્થિનીઓને દરેકને પાંચ- પાંચ હજાર્રી શિષ્યવૃત્તિ અપાઇ હતી.  દીપક ચાના ચેરમેન દીપક શાહ અને બિઝનેસ હેડ પારસ શાહના જણાવ્યાનુસાર આ યોજનાનું નોંધપાત્ર પાસું એ છે કે તેમાં સંપૂર્ણપણે પારદર્શક અને તટસ્થ રીતે વિદ્યાર્થિનીઓની શિષ્યવૃત્તિ માટે પસંદગી કરવામાં આવે છે. શિષ્યવૃત્તિ મેળવતી દીકરીઓની પસંદગીમાં કોઇપણ પૂર્વગ્રહ કે ગણતરીઓ કે ખાસ વિનંતીઓ સહેજ પણ ધ્યાને લેવામાં આવતી નથી તેમજ તેમાં કોઇપણ પ્રકારના ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ રાખવામાં આવતા નથી.  યેજનાના બીજા વર્ષે આ યોજનાને `તાજગીભર્યા વિચારમાં અલ્પવિરામ આવી શકે, પણ પૂર્ણવિરામ નહીં એવા સંદેશા સાથે વિસ્તારવામાં આવી હતી અને હવે ત્રીજા વર્ષે આ યોજનાને ``તાજગીથી ખુશાલીનો ઉજાસ'' ફેલાવવાના સંદેશા સાથે આગળ ધપાવવામાં આવી છે.  આ પ્રયાસને ફરી કચ્છના વિવિધ ગામોમાંથી ઉષ્માભર્યો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કચ્છની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોએ પણ આ વિચારને પ્રેમથી વધાવ્યો છે અને કચ્છના અન્ય ઉદ્યોગો અને વિવિધ સમાજે પણ આવી પહેલ કરવી જોઇએ એવો સૂર તેમણે  વ્યક્ત કર્યો હતો.  ગત વર્ષની યોજનામાં શિષ્યવૃત્તિ મેળવનારી વિદ્યાર્થિની ખુશ્બૂ ભાદ્રાએ જણાવ્યું હતું કે `એ શિષ્યવૃત્તિની રકમ મને શાળાની ફી ભરવામાં મદદરૂપ થઇ હતી. હું એવું માનું છું કે બીજી સંસ્થાઓ દ્વારા પણ આવા કાર્યક્રમો થવા જોઇએ જેથી સમાજની દરેક છોકરી શિક્ષણ પ્રાપ્ત કરી શકે.' શિષ્યવૃત્તિ મેળવનારી અન્ય એક વિદ્યાર્થિની કિંજલ જાડેજાએ કહ્યું હતું કે `મેં શિષ્યવૃત્તિની રકમમાંથી મારા પુસ્તકો અને ચોપડા ખરીદયા હતા. આ પ્રવૃત્તિ ખરેખર ખૂબ જ સરસ અને સમાજલક્ષી છે.' અન્ય એક વિદ્યાર્થિની ભૂમિ શૈલેશભાઇએ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું હતું. `દીપક ચા અને કચ્છમિત્ર દ્વારા શરૂ થયેલી આ પરંપરા ખૂબ જ સારી છે અને સમાજને ઉપયોગી છે. હું એવું ઇચ્છું છું કે આ પ્રવૃત્તિ જોઇને બીજી કંપનીઓ અને સંસ્થાઓ આગળ આવે જેથી કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે.'  દીપક ચાના ચેરમેન દીપક શાહ અને બિઝનેસ હેડ પારસ શાહના જણાવ્યા અનુસાર આ શિષ્યવૃત્તિની ખાસિયત એ છે કે તેને સૌ વિદ્યાર્થિનીઓને સમાન ગણીને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેમજ સમાજમાં કન્યા શિક્ષણના મહત્ત્વ પર ભાર આપવા માટે શરૂ કરવામાં આવી છે.  `ઘર ઘર દીપક' શિષ્યવૃત્તિના રજિસ્ટેશન માટે ત્રણ વિકલ્પો છે, જેમાંથી કોઇપણ એક પસંદ કરી શકાય છે જેમાં 08030636204 પર મોબાઇલથી મિસ્ડ કોલ દ્વારા, દીપક ટીના ફેસબુક પેજને લાઇક કરી અથવા 9909966244 પર દીપક ટી (સ્પેસ) વિદ્યાર્થિનીનું નામ (સ્પેસ) શહેરનું નામ (સ્પેશ) ધોરણ લખીને વોટસએપ કરવા જણાવાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer